Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પોરબંદરના દરિયાકાંઠાથી દેશદદ્રોહીઓ ઘુસણખોરી કરે તેવી સંભાવના

જીલ્લાની તમામ હોટલ ગેસ્‍ટ હાઉસ ધર્મશાળા મુસાફરખાનામાં ‘પથિક' સોફટવેર ઇન્‍સ્‍ટોલ કરવા અધિક જીલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિધ્‍ધ : ‘પથિક' સોફટવેર હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહીતી હોટલ ખાતેથી ઇન્‍ટરનેટ દ્વારા એન્‍ટ્રી માટે સીકયોર વેબ પોર્ટલ બનાવાયુ છેઃ આ સોફટવેર કાર્યરત કરવાથી આંતર રાજય તેમજ આંતર જીલ્લાના ગુન્‍હેગારોને તેમજ આતંકવાદ જેવા ગંભીર બનાવો અટકાવી શકાય.

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૪: દરિયાકાંઠાથી દેશદ્રોહી તત્‍વો ઘુસણખોરી કરે તેવી સંભાવનાને લઇને પોરબંદર જીલ્લાની તમામ હોટલ, ગેસ્‍ટહાઉસ, ધર્મશાળા, મુસાફરખાનામાં પથિક' સોફટવેર ઇન્‍ટોલ કરવા અધિક જીલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા જાહેરનામુ  પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યુ છે.

પથિક' સોફટવેર હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી માટે હોટલ ખાતેથી ઇન્‍ટરનેટ દ્વારા એન્‍ટ્રી માટે સીકયોર વેબ પોર્ટલ બનાવવામાં આવ્‍યુ છે.

ગુપ્‍તચર એજન્‍સીના ઇનપુટ પ્રમાણે આતંકી સંસ્‍થાઓ દરિયાઇ રસ્‍તે પોરબંદર જિલ્લામાંથી દેશના અન્‍ય ભાગમાં જઇ શે તેવી શકયતા દર્શાવાઇ છે તેમ જણાવીને પોરબંદરના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ જાહેરનામુ બહાર પાડી પથિક સોફટવેર ઇન્‍સ્‍ટોલ કરાવવા સુચના આપી છે. અધિક જીલ્લા મેજીસ્‍ટ્રેટ એમ.કે.જોષીએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્‍યુ છે કે પથિક સોફટવેર કે જેનુ પુરૂ નામ પથિક' પ્રોગ્રામ ફોર એનાલીસીી ઓફ ટ્રાવેલર્સ એન્‍ડ હોટેલ ઇન્‍ફોર્મેટીકસ' સોફટવેર છે. અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્‍ચ ખાતે સર્વર કાર્યરત છે, જે સોફટવેરની કામગીરી હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી હોટેલ ખાતેથી જ ઇન્‍ટરનેટ દ્વારા એન્‍ટ્રી માટેનું સીકયોર વેબપોર્ટલ બનાવવામાં આવેલ છે.

આ સોફટવેર સાથે રજીસ્‍ટર થયેલ હોટલધારક જ ક્રાઇમ બ્રાન્‍ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્‍ટ્રી કરી શકે છે. આમ સોફટવેર કોઇ પણ નવી હોટેલમાં ઇન્‍સ્‍ટોલ કરવા માટે જે તે સ્‍થળ પર જવાની જરૂર નથી, પરંતુ મુખ્‍ય કાર્યાલય દ્વારા જે તે હોટેલની રજીસ્‍ટ્રેશન લગતી માહિતી સર્વરમાં સ્‍ટોર કર્યા બાદ, યુઝરનેમ - પાસવર્ડ આપતા હોટેલ આ સિસ્‍ટમ સાથે જોડાય જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકની મહત્‍વની તમામ માહિતી પોલીસને તાત્‍કાલિક ધોરણે ઉપલબ્‍ધ થઇ જાય છે.

પથિક' સોફટવેરથી પોલીસને જિલ્લાની તમામ હોટલો પર રૂબરૂ ચેકીંગ કરવા જવુ પડતુ નથી. પરંતુ એક જ જગ્‍યાએ બેસીને એક જ વ્‍યકિત દ્વારા ઇન્‍ટરનેટના માધ્‍યમથી તમામ મુસાફરોની વિગત ચકાસી શકાય છે. પથિક' સોફટવેરનું અમલીકરણ રાજવ્‍યાપી બનાવવાની આવશ્‍યકતા હોવાનુ નાયબ પોલીસ મહાનિર્દેશ એ.ટી.એસ. અમદાવાદની કચેરીના પત્ર દ્વારા અને મુખ્‍ય પોલીસ અધિકારી, ગુજરાત રાજયય ગાંધીનગરના પત્ર દ્વારા જણાવેલ છે. જેથી સાંપ્રત સમયમાં બનતા ગુના, આતંકવાદી ઘટનાઓ અટકાવવા, તેમજ આકસ્‍મિક બનાવ સમયે કાયદો - વ્‍યવસ્‍થા આ સોફટવેર કાર્યરત કરવામાં આવે તો આંતરરરાજય તેમજ આંતર જિલ્લાના ગુનેગારોને તેમજ આતંકવાદ જેવા ગંભીર બનાવોને અટકાવી શકાય.હાલના પ્રવર્તમાન સંજોગોનુસાર તેમજ ગુપ્‍તચર સંસ્‍થાઓ તરફથી મળતા ઇનપુટમાં પણ દેશવિરોધી આતંકવાદી સંસ્‍થાઓ પોતાની પ્રવૃતિ માટે દરીયાઇ રસ્‍તે આવી અત્રેના જિલ્લામાં થઇ દેશના અન્‍ય ભાગમાં જઇ શકે તેવી શકયતાઓ દર્શાવવામાં આવતી હોય આ દ્રષ્‍ટિએ જિલ્લાની સુરક્ષા વ્‍યવસ્‍થા ખુબ જ સઘન રાખવી જરૂરી છે. તેમ જણાવાયુ છે

(1:18 pm IST)