News of Wednesday, 3rd January 2018

રિલાયન્સ દ્વારા જામનગરમાં વિશ્વનું સૌથી મોટા રિફાઇનરી ઓફ-ગેસ ક્રેકરનો પ્રારંભ

આર.આઇ.એલ.એ ઇથિલિન ક્ષમતા બમણી કરીને વિશ્વના ટોચના પાંચ પ્રસિધ્ધ પેટ્રોકેમિકલ ઉત્પાદકોમાં સ્થાન મેળવ્યુઃ વૈશ્વિક હરીફો કરતા સસ્તા ભાવે કાચો માલ મેળવવાનો લાભ મળશે

(મુકુંદ બદિયાણી દ્રારા) મુંબઇ તા. ૩ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા રિફાઇનરી ઓફ-ગેસ ક્રેકર (આર.ઓ.જી.સી.) કોમ્પ્લેક્ષને સફળતાપૂર્વક કાર્યરત કર્યો છે અને ડિઝાઇન કર્યા મુજબનું ઉત્પાદન મેળવ્યું છે. આ પ્રોજેકટની ક્ષમતા ડાઉનસ્ટ્રીમ પ્લાન્ટો અને સગવડો સાથે વાર્ષિક ૧.૫ મિલિયન મેટ્રીક ટન (એમ.એમ.ટી.પી.એ.) છે. આર.ઓ.જી.સી. કોમ્પ્લેક્ષ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)ના જામનગર રિફાઇનરી પેટ્રોકેમિકલ્સ સંકુલમાં આવેલા સૌથી નવિનતમ અને વૈશ્વિક સ્તરના જે-૩ પ્રોજેકટનો સૌથી મહત્વનો ભાગ છે.

આર.ઓ.જી.સી. સંકુલ કાર્યરત થવા સાથે, આર.આઇ.એલ.ના પેટ્રોકેમિકલ્સ પોર્ટફોલિયોનું સૌથી મોટું વિસ્તરણ ક્ષતિરહિત રીતે પૂર્ણ થયું છે. તાજેતરના વર્ષોમાં આ ક્ષેત્રમાં થયેલું આ વિશ્વનું સૌથી મોટું મૂડી વિસ્તરણ છે. તે મૂલ્ય શ્રૃંખલામાં વર્ટીકલ ઇન્ટીગ્રેશનથી ખર્ચમાં ઘટાડા તથા કાર્યક્ષમતમાં વધારા માટેની તકોને ઝડપી લેવા માટેની આર.આઇ.એલ.ની વ્યૂહરચનાને દર્શાવે છે.

આર.ઓ.જી.સી. સંકુલની મહત્વની લાક્ષણિકતા એ છે કે તેમાં જામનગરમાં આવેલી આર.આઇ.એલ.ની બે રિફાઇનરીઓમાંથી મળતા ગેસનો ઉપયોગ થાય છે. રિફાઇનરીઓ સાથેના સંકલનના નવિનતમ અભિગમને કારણે મળતા ખર્ચમાં બચતના લાભથી આર.ઓ.જી.સી. આ પ્રકારનો લાભ મેળવતા મધ્ય-પૂર્વ અને ઉત્ત્।ર અમેરિકાના ક્રેકરની સરખામણીએ વધારે સ્પર્ધાત્મક બનશે.

આર.ઓ.જી.સી.ની ડિઝાઇન લવચીકતાપૂર્ણ અને ઊર્જા કાર્યક્ષમ છે. આ પ્રકારના પ્લાન્ટની જટીલતાને ધ્યાનમાં રાખીને, આ સ્ટાર્ટ-અપ ક્ષતિરહિત કાર્યરત કરવાના હેતુથી વૈશ્વિક સ્તરે સુરક્ષા તેમજ યાંત્રિક સંકલનના સૌથી આકરા માપદંડોનું પાલન કરે છે.

મહારાષ્ટ્રના નાગોથાણે તેમજ ગુજરાતમાં હજીરા, દહેજ અને વડોદરામાં આવેલા આર.આઇ.એલ.ના વર્તમાન ક્રેકર પોર્ટફોલિયોમાં સૌથી છેલ્લો ઉમેરો આર.ઓ.જી.સી. છે.

વૈશ્વિક સ્તરે ૨૭૦ ઇથિલિન પ્લાન્ટ છે, જેની સંયુકત ક્ષમતા ૧૭૦ એમ.એમ.ટી.પી.એ. છે. પાંચ ઉત્પાદન સ્થળો સહિત આર.આઇ.એલ.ની કુલ ઇથિલિન ક્ષમતા હવે લગભગ ૪ એમ.એમ.ટી.પી.એ. જેટલી થઈ છે. આર.ઓ.જી.સી. અને આયાતી ઇથેન સાથે, આર.આઇ.એલ. હવે સૌથી સ્પર્ધાત્મક અને લવચિકતાપૂર્ણ ક્રેકર પોર્ટફોલિયો ધરાવે છે.

આર.ઓ.જી.સી.માંથી મળતા ઇથિલિનનો ઉપયોગ ડાઉનસ્ટ્રીમ પ્લાન્ટોમાં મોનો-ઇથિલિન ગ્લાયકોલ (એમ.ઇ.જી.) અને પોલિઇથિલિન (એલ.એલ.ડી.પી.ઇ. અને એલ.ડી.પી.ઇ.) મેળવવા થાય છે. તેવી જ રીતે, આર.ઓ.જી.સી.માંથી મળતા પ્રોપિલિનનો ઉપયોગ હાલમાં જામનગર સંકુલમાં આવેલા પોલિપ્રોપિલિન (પી.પી.) પ્લાન્ટોમાં ઉચ્ચતમ મૂલ્ય ધરાવતા કો-પોલિમર્સ બનાવવા થાય છે.

એમ.ઇ.જી. પ્લાન્ટ શરૂ થવાની સાથે છેલ્લાં ત્રણ વર્ષમાં પેરા-ઝાયલિન (પી.એકસ.), પ્યોરીફાઇડ ટેરેપ્થાલિક એસિડ (પી.ટી.એ.), પોલિયસ્ટર ફિલામેન્ટ અને પોલિ ઇથિલિન ટેરેપ્થાલેટ (પી.ઇ.ટી.) પ્લાન્ટો સહિતનો પોલિયેસ્ટર મૂલ્ય શ્રૃંખલાનો વિસ્તારણનો તબક્કો પૂર્ણ થયો છે.

જામનગરમાં એલ.એલ.ડી.પી.ઇ. અને એલ.ડી.પી.ઇ. પ્લાન્ટો તેમજ અન્ય ઉત્પાદન સ્થળોએ વર્તમાન પી.ઇ. પ્લાન્ટો સહિત હવે આર.આઇ.એલ. ભારતીય બજારમાં ગ્રાહકો દ્વારા વપરાશમાં લેવાતા તમામ પ્રકારના પી.ઇ. ગ્રેડનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

આર.ઓ.જી.સી. સંકુલનું નિર્માણ વિક્રમજનક સમયમાં અને તે પણ વૈશ્વિક સ્તરે સ્થાપવામાં આવતા આ પ્રકારના પ્રોજેકટની સરખામણીએ લગભગ ૪૦ ટકા ઓછા ખર્ચે કરવામાં આવ્યું છે. સાતત્યપૂર્ણ રીતે ખર્ચમાં કરકસરનો લાભ, સ્પર્ધાત્મક પ્રોજેકટ શિડ્યુલ, નીચો મૂડી ખર્ચ અને ક્ષતિરહિત નિર્બાધ પ્રારંભ આર.ઓ.જી.સી. સંકુલને સંકલ્પનાથી મૂર્તિમંત સ્વરૂપ અપાયેલો વૈશ્વિક સ્તરે સૌથી શ્રેષ્ઠ પ્રોજેકટ બનાવે છે.

આ અભૂતપૂર્ણ સિધ્ધિ અંગે ટીપ્પણી કરતા શ્રી મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, 'વિશ્વનો સૌ પ્રથમ આર.ઓ.જી.સી. અને ડાઉનસ્ટ્રીમ પ્લાન્ટો આર.આઇ.એલ.ના પેટ્રોકેમિકલ્સ વ્યવસાયની નફાકારતા અને સાતત્યપૂર્ણતામાં નમૂનારૂપ પરિવર્તનને પ્રસ્થાપિત કરે છે. આર.ઓ.જી.સી. સંકુલનું નિર્માણ કાચામાલના સંકલનથી ઉદ્યોગમાં સૌથી ઓછા ખર્ચ અને સૌથી વધારે કાર્યક્ષમતાના સિમાચિહ્નો પ્રસ્થાપિત કરવાની અમારી મુખ્ય ફિલસૂફીને આધારે કરવામાં આવ્યું છે. આર.આઇ.એલ.ના જટીલ પ્રોજેકટોના કાર્યક્ષમ અમલ અને ક્ષતિરહિત પ્રારંભની ક્ષમતાથી મળતા અનોખા સ્પર્ધાત્મક લાભને ફરીથી દર્શાવતું આ વિશ્વસ્તરીય પેટ્રોકેમિકલ્સ વિસ્તરણ તેના મુગટમાં વધુ એક હિરો ઉમેરે છે. આર.આઇ.એલ.ના દૂરંદેશીપૂર્ણ સ્થાપક ચેરમેન શ્રી ધીરૂભાઈ એચ. અંબાણીને આ યોગ્ય શ્રધ્ધાંજલિ છે.'

(12:46 pm IST)
  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST