Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

ગાંધીધામમાં મગફળીના ગોડાઉનમાં આગ- ૬પ હજાર બોરીઓ ખાખઃ રૂ. પ થી ૬ કરોડનું નુકશાન

૧પ ફાયર ફાઇટરોના પાણીના મારા પછી આગ કાબુમાં, કલેકટર, ડીડીઓ ઘટના સ્થળે, સરકારે ખરીદેલો જથ્થો આગમાં સ્વાહા

ભુજ, તા., ૩: ગાંધીધામના કીડાણા ગામે ખાનગી વેરહાઉસમાં અગમ્ય કારણોસર લાગેલી ભીષણ આગે સૌને દોડતા કરી મુકયા હતા. ગઇકાલે મોડી સાંજે લાગેલી આગ ધીરે ધીરે ભીષણ બનતા તંત્ર દોડતું થઇ ગયું હતું.

માહીતી મુજબ સંઘવી એન્ડ કાુ.ના વેરહાઉસમાં સરકાર દ્વારા ખરીદાયેલ મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાં આગ લાગી હતી. શરૂઆતમાં તંત્ર ગંભીર ન હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. જો કે ધીરે ધીરે આગ ભીષણ બનતા લબકારા મારતી આગની જવાળાઓએ કાર્ગો ઝુંપડપટ્ટી ઉપરાંત કીડાણા ગામે આવેલા અન્ય ખાનગી વેરહાઉસમાં આગ વકરવાનો ભય લાગતા સૌ ચિંતામાં મુકાઇ ગયા હતા. મોડી રાત દરમ્યાન ઇમરજન્સી રિપોન્સ સેન્ટર, ગાંધીધામ નગરપાલીકા, કંડલા પોર્ટ ઉપરાંત ભુજ, અંજાર, માંડવીના ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે આગ બુઝાવવામાં લાગ્યા હતા. આગ ભીષણ હોવાના સમાચારને પગલે કલેકટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી સી.જે.પટેલ ઘટના સ્થળે ધસી આવ્યા હતા.

આજ સવાર સુધી આગ માંડ કાબુમાં આવી છે. પણ હજીએ રાખમાં ધુમાડા છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને આગમાં નુકશાનીની વિગતો મેળવવાની કાર્યવાહી હજુ ચાલુ હોવાનુ જણાવ્યું હતું.

દરમ્યાન બીન સતાવાર રીતે મળતી વિગતો મુજબ અહી સૌરાષ્ટ્ર-કચ્છમાંથી રાજય સરકારે ટેકાનાં ભાવે ખરીદેલ ૬પ હજાર બોરી જેટલો મગફળીનો જથ્થો જેની કિંમત અંદાજીત પ થી ૬ કરોડ રૂપીયા થાય એ ખાખ થયો હોવાનો અંદાજ છે. આગના કારણે ગોડાઉનની છત તુટી ગઇ હતી. આ લખાય છે ત્યારે આગ કાબુમાં આવી રહી છે. પ્રાથમીક દ્રષ્ટિએ આગનું કારણ શોર્ટ સરકીટ જણાવાઇ રહયું છે.

(11:28 am IST)