Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

ભંગડાના ઉમેશ પટેલનું અપહરણ કરી હાથ-પગ ભાંગી નાખ્યા

ભરવાડ યુવતિ સાથે પ્રેમ હોઇ તેણીને ૧૦મીએ ભગાડી ગયેલોઃ ૧૯મીએ બંને પાછા આવી ગયા'તાઃ ત્યારથી મનદુઃખ હતું : રાત્રે સાડાબારેક વાગ્યે વાડીએ સુતો'તો ત્યારે પ્રેમિકાના ભાઇ વૈભવ ભરવાડ, તેની સાથેના દુગો ભરવાડ સહિત દસેક જણાએ સરધારની વીડીમાં લઇ જઇ ધોકાવી નાંખ્યો : લેઉવા પટેલ ઉમેશ સેલડીયાએ અગાઉ જેની સાથે પ્રેમલગ્ન કર્યા'તા એ યુવતિએ છ મહિના પહેલા જ આપઘાત કર્યો'તો : ચાદર ઓઢાડી બાઇકમાં નાંખી લઇ ગયાઃ સવારના ચાર સુધી કણસતો પડી રહ્યોઃ દેવીપૂજક શખ્સો નીકળતાં તેના મારફત ઘરે જાણ કરી

રાજકોટ તા. ૩: સરધાર તાબેના ભંગડા ગામના લેઉવા પટેલ યુવાનને ગામની જ ભરવાડ યુવતિ સાથે પ્રેમ થઇ જતાં બંને ગયા મહિને ભાગી ગયા હતાં અને થોડા દિવસ પછી પાછા આવી ગયા હતાં અને યુવતિ તેના ઘરે જતી રહી હતી. આ બાબતે મનદુઃખ ચાલતું હોઇ ગત રાત્રે પટેલ યુવાન પોતાની વાડીએ સુતો હતો ત્યાંથી ભરવાડ યુવતિના ભાઇ સહિત દસેક જણાએ તેનું બાઇકમાં અપહરણ કરી સરધારની વીડીમાં લઇ જઇ ધોકા-પાઇપ ફટકારી હાથ-પગ ભાંગી નાંખતા સિવિલ હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે.

ઉમેશને વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં અને હાથ-પગ ભાંગેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. રાઠવા, હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ હોસ્પિટલે પહોંચી ઉમેશની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

ઉમેશ બે ભાઇમાં મોટો છે અને ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેના પ્રથમ લગ્ન પાંચ વર્ષ પહેલા પાંચવડા ગામની ભુમિ પટેલ સાથે થયા હતાં. એ લવમેરેજ હતાં. પરંતુ આજથી છએક મહિના પહેલા ભુમિએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. માવતર પક્ષ બોલાવતાં ન હોવાથી તેણીએ આ પગલું ભર્યાનું ઉમેશે કહ્યું હતું.

ઉમેશે વધુમાં જણાવ્યું હતું કે પત્નિના મૃત્યુ બાદ પોતાને દોઢ બે મહિનાથી ગામના જ વૈભવ મુંધવા (ભરવાડ)ની બહેન સાથે પ્રેમ થઇ ગયો હતો. આથી બંને ૧૦મી ડિસેમ્બરે ભાગી ગયા હતાં. સોમનાથ, ગીર વિસ્તારમાં રોકાયા બાદ ૧૯મીએ બંને પાછા આવી ગયા હતાં અને યુવતિ તેના માવતરે જતી રહી હતી. જે તે વખતે યુવતિના પરિવારજનોએ હવે કંઇ કરવું નથી, તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે તેમ કહી સમાધાન કરી લીધુ હતું. પરંતુ યુવતિના ભાઇ વૈભવને ખાર હોઇ પોતે ગત રાત્રે સાડા બારેક વાગ્યે પોતાની વાડીએ સુતો હતો ત્યારે વૈભવ, દુગો ગમારા, ગોપાલ અને બીજા આઠેક અજાણ્યા શખ્સો જુદા-જુદા બાઇક, વાહનો પર આવ્યા હતાં અને પોતાને ધોલધપાટ કરી ચાદરમાં લપેટી બાઇકમાં નાંખી સરધારની વીડીમાં લઇ ગયા હતાં અને ત્યાં ધોકા-પાઇપ ફટકારી હાથ-પગ ભાંગી નાંખી ભાગી ગયા હતાં.

પોતે સવારના ચારેક વાગ્યા સુધી કણસતી હાલતમાં વીડીમાં પડ્યો રહ્યો હતો. દરમિયાન દેવીપૂજક લોકો નીકળતાં તેની મદદ મેળવી પિતા રણછોડભાઇ વેલાભાઇને ફોન કરી બોલાવતાં પોતાને દવાખાને ખસેડાયો હતો. આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.

(11:16 am IST)
  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST

  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST

  • બિહારના સમસ્તીપુર શહેરના ગોલા રોડ પરની યુકો બેન્કમાંથી ૮ સશસ્ત્ર લૂંટારૂઓએ 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છુટ્યા : પોલીસે ઘટના સ્થળે પહુચીને તપાસ શરુ કરી : તમામ લૂંટારૂઓ સવારે 10-15 વાગ્યે બાઈક પર બેંકમાં પહોચ્યા હતા. access_time 3:51 pm IST