Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

હાઇપ્રોફાઇલ બનેલા ગોંડલના રીબડામાં ૬૨.૩૧% મતદાન

થોડા ઘણા શાબ્‍દિક છમકલાને બાદ કરતા ગોંડલમા એકંદરે શાંતિ જળવાતા તંત્રએ લીધો હાશકારોઃ જીત માટે ભાજપ કોંગ્રેસ ના દાવા વચ્‍ચે પરીણામ અંગે ઘેરુ સસ્‍પેન્‍સ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩: બાહુબલી જુથોની આરપારની લડાઈને કારણે સમગ્ર ગુજરાતમા હાઇપ્રોફાઇલ બનેલી ગોંડલ વિધાનસભાની ચુંટણી ભારેલા અગ્ની સમા માહોલ વચ્‍ચે એકંદરે શાંતિ પુર્ણ સંપન થતા તંત્ર દ્વારા હાશકારો અનુભવાયો હતો.

મતદાન સમયે જયરાજસિહ જુથ તથા રીબડા જુથ બે થી ત્રણ સ્‍થળે  આમને સામને થઈ જતા  ચકમક ઝરી હતી. બીજી બાજુ બન્ને જુથ વચ્‍ચે માથાકુટો થયાની અફવાઓનુ બજાર દિવસભર ગરમ રહ્યુ હોય ગોંડલ પંથક માટે ચુંટણીનો દિવસ ઉતેજનાપુર્ણ રહ્યો હતો. ટોક ઓફ ટાઉન બનેલા અનિરુધ્‍ધસિહ જાડેજાના ગામ રીબડામા ૬૨.૩૧% મતદાન નોંધાયુ છે. અહી કુલ ૧૨૪૭ પૈકી ૭૭૭ મતદારો એ મતદાન કર્યુ હતુ.

જ્‍યાં મતદાન બુથ નજીક બન્ને જુથ વચ્‍ચે શાબ્‍દિક બબાલ સર્જાઈ હતી તેવા દાળીયા ગામ મા ૭૭.૩૬% જેવુ ભારે મતદાન થયુ છે.

ગોંડલના રાજકારણનુ એપી સેન્‍ટર ગણાતા મોવિયામાં ૬૩.૧૬% મતદાન થયુ છે. ગોંડલ બેઠક પર સરેરાશ ૬૨.૮૧% મતદાન થયુ છે.

ત્‍યારે જીત અંગે ભાજપ કોંગ્રેસ દ્વારા દાવા પ્રતિદાવા વ્‍યક્‍ત કરાયા છે. ભાજપ પ્રવક્‍તા પ્રફુલભાઈ ટોળીયાએ ભાજપના ગીતાબા જાડેજા ૩૧ હજારની લીડથી વિજયી થવાનો દાવો કર્યો છે. તેમણે મતદાન દરમિયાન કોંગ્રેસ દ્વારા બોગસ મતદાનની ખોટી ફરિયાદો સાથે કાગારોળ કરાયા નો આક્ષેપ કર્યો છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયાએ કોંગ્રેસ ઉમેદવાર યતિષભાઈ દેસાઈ ૧૮ હજાર મતની લીડથી વિજેતા થશે તેવો પ્રતિ દાવો કરાયો છે.

 

(11:54 am IST)