Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

પોરબંદર-સાળંગપુર એસ.ટી. બસમાં ભરપુર ટ્રાફિક છતાં બસ બંધ કરીઃ મુસાફરોમાં રોષ

નિયમિત પુનમ અને અમાસ ભરવા જતાં હનુમાન ભકતોની રજૂઆતો ધ્‍યાને લેવાતી નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ :..  કષ્‍ટભંજનદેવના દર્શન માટે ભરપુર ટ્રાફિક મળતો હોવા છતાં પોરબંદર-સાળંગપુરની બસ કરી બંધ કરવામાં આવતા મુસાફરોમાં રોષ વ્‍યાપી ગયેલ છે.

કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ એસ. ટી. નિગમને કરેલી રજૂઆતમાં જણાવ્‍યું છે કે, સુપ્રસિધ્‍ધ યાત્રાધામ સાળંગપુર સુધી જવા માટે પોરબંદરની એસ. ટી. બસની કોઇ સુવિધા ઉપલબ્‍ધ નહી હોવાથી તેમના દ્વારા આ રૂટ પર બસ શરૂ કરવા માંગ કરી હતી. તેથી એસ. ટી. તંત્રએ આ સુવિધા જૂલાઇ મહિનામાં શરૂ કરી હતી ત્‍યારે કષ્‍ટભંજન દાદાના ભકતોમાં ખુશીની લાગણી છવાઇ હતી.

પરંતુ હવે આ બસ બંધ કરી દેવાતા લોકઆક્રોશ વધ્‍યો છે. આ રજૂઆતમાં જણાવ્‍યું છે કે, સાળંગપુરમાં કષ્‍ટભંજન હનુમાનજીનું મંદિર આવેલ છે અને સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાતના હજારો લોકો ત્‍યાં દર્શનાર્થે જાય છે. પોરબંદરથી પણ પુનમ અને અમાસ ભરવા મોટી સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓ ત્‍યાં જતા હોય છે તેથી સાળંગપુર જવા પોરબંદરથી એસ.ટી. બસની સુવિધા શરૂ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.

તેથી એસ.ટી. વિભાગ દ્વારા આ માંગણીને સ્‍વીકારાઇ હતી અને ગત જૂલાઇમાં એસ. ટી. બસની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ બસ બપોરે ૧ર.૧પ કલાકે પોરબંદરથી વાયા ઉપલેટા, ગોંડલ, જસદણ, બોટાદ, પાળીયાદ થઇને સાળંગપુર જવા રવાના થતી હતી અને સાળંગપુરથી સવારે ૬.૧પ કલાકે પોરબંદર આવવા માટે આ બસ પરત ફરતી હતી. તેથી વધુને વધુ લોકો આ બસ સેવાનો લાભ લે તેવી અપીલ થઇ હતી.

અત્‍યાર સુધી ભકતોને દર્શન માટે જવું હોય તો ખાનગી વાહનનો સહારો લેવો પડતો હતો અથવા બસો બદલાવીને જવું પડતું હતું પરંતુ સીધી બસ શરૂ થતા લોકોએ આવકાર આપ્‍યો હતો. પણ વ્‍યાજબી કારણ વગર આ બસ એકાએક બંધ કરી દેવામાં આવી છે. જેથી હનુમાનભકતો મુશ્‍કેલીમાં મુકાયા છે અને બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. આ રૂટ ઉપર પુરતા મુસાફરો પણ મળી રહેતા હતા તેમ છતાં પણ એસ. ટી. બસ બંધ કરી દેવામાં આવી છે જે યોગ્‍ય નથી. જેથી તાત્‍કાલીક આ રૂટની બસ શરૂ કરવી જોઇએ તેવી માંગણી રામદેવભાઇ મોઢવાડીયાએ રજૂઆતમાં કરી છે.

(11:52 am IST)