Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ધો.૧૨ પાસ અને ડિપ્‍લોમા કરનાર યુવાનો માટે સોલાર ઇન્‍ડસ્‍ટ્રીઝમાં રોજગારી માટે ઉત્તમ તકઃ ભુજ ITI મા કોર્સ શરૂ

રોજગારલક્ષી પ્રશિક્ષણ આપવા અદાણી સોલારની અનોખી પહેલ,સફળ તાલીમાર્થીઓને મળશે નોકરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩: મુંદ્રા સ્‍થિત અદાણી સોલાર કંપનીએ સ્‍થાનિક યુવાધનને રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમ મળી રહે તે હેતુથી અનોખી પહેલ કરી છે. ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા- ભુજ અને અદાણી સ્‍કીલ ડેવલપમેન્‍ટના સુંયક્‍ત ઉપક્રમે સોલાર પેનલ મેનુફેચ્‍ચરિંગ ટેક્‍નિશિયન કોર્સ શરૂ કરવામાં આવ્‍યો છે. GCTV માન્‍ય આ કોર્સમાં તાલીમ પ્રાપ્ત વિદ્યાર્થીઓ અદાણી સોલાર કંપનીમાં રોજગારી મેળવી શકશે. ૨૫મી નવેમ્‍બરે જોગાનુજોગ ૨૫ વિદ્યાર્થીઓની દ્વિતીય બેચનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.ᅠ

અદાણી સોલાર કંપનીમાં આઇટીઆઇ, ધોરણ ૧૨ પાસ તેમજ ડિપ્‍લોમા હોલ્‍ડર્સને રોજગારીની ઉત્તમ તક આપવામાં આવે છે. સ્‍થાનિકો સહિત અન્‍ય રાજયોના યુવાનો પણ કંપનીમાં રોજગારી પ્રાપ્ત કરવામાં સફળ થયા છે. વધુમાં વધુ સ્‍થાનિક યુવાઓ રોજગારી મેળવે તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલા આ કોર્સની પ્રથમ બેચ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨માં ૨૫ વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવી હતી.

દ્વિતીય બેચનો પ્રારંભ કરાવતા એચ આર હેડ વિજય સક્‍સેનાએ તાલીમાર્થીઓને પ્‍લાન્‍ટ વિશે વિવિધ માહિતી આપી પ્રોત્‍સાહિત કર્યા હતા. તેઓ જણાવે છે કે સોલર પેનલ મેન્‍યુફેક્‍ચરિંગ ટેકનિશિયન કોર્સ એ સ્‍થાનિક રોજગારીના સર્જન દ્વારા રાષ્ટ્ર નિર્માણની દિશામાં મહત્‍વનું પગલું છે. જુન ૨૦૨૩ સુધીમાં આ કોર્સ થકી રાષ્ટ્રીય સ્‍તરે રોજગારીની તકો ઊભી થાય તે માટે અમે પ્રયત્‍નશીલ છીએ.

વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રસંગે ક્‍લસ્‍ટર હેડ સાગર કોટકે અદાણી સ્‍કીલ ડેવલપમેન્‍ટ વિશે આવશ્‍યક માહિતી પૂરી પાડી હતી. વિદ્યાર્થીઓનુ ભવિષ્‍ય ઉજવળ બનાવવા અદાણી સોલારની સમગ્ર ટીમ તરફથી વિદ્યાર્થીઓને તલસ્‍પર્શી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.ᅠ

અદાણી સ્‍કીલ ડેવલપમેન્‍ટ દ્વારા આત્‍મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આધુનિક અને રોજગારલક્ષી પ્રશિક્ષણ સાથે વિવિધ અભ્‍યાસક્રમો ચાલાવવામાં આવી રહ્યા છે. સોલાર પેનલ મેનુફેચ્‍ચરિંગ ટેક્‍નિશિયન આવો જ એક કોર્સ છે જે દેશભરના યુવા કૌશલને રોજગારી પૂરી પાડવામાં મદદરૂપ નીવડશે.

(10:22 am IST)