Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

જેતપુર ભાવસાર સમાજની વાડીમાંથી ચોરી કરનાર ૩ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા

ત્રણેય શખ્સો સામાન વેચવાની પેરવી કરતા'તાને પકડાઇ ગયાઃ ગણત્રીના કલાકોમાં જ ભેદ ઉકેલાયો

તસ્વીરમાં પકડાયેલ તસ્કર ત્રિપુટી સાથે રૂરલ એલસીબીનો કાફલો અને બીજી તસ્વીરમાં ચોરાઉ સામાન નજરે પડે છે.

રાજકોટ તા. ૩ :.. જેતપુરમાં હાલાર મચ્છુ કાંઠા ભાવસાર સમાજની વાડીમાંથી  અડધા લાખના સામાનની ચોરી કરનાર તસ્કર ત્રિપુટીને રૂરલ એલસીબીએ પકડી પાડી ગણત્રીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

મળતી વિગતો મુજબ જેતપુરમાં આવેલ મચ્છુ કાંઠા ભાવસાર સમાજની વાડીમાંથી ગઇકાલે અજાણ્યા શખ્સો ગેસના ચુલા, પાણીની મોટર તથા ઇલે. પંખા ૧૮ મળી કુલ રૂ. પ૧,૯૦૦ નો સામાન ચોરી કરી ગયા હતાં. દરમિયાન ઉકત ચોરાઉ માલ સામાન ત્રણ શખ્સો વેચવાની ફિરાકમાં હોવાની બાતમી રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. સંજયભાઇ પરમાર, તથા નારણભાઇ પંપાળીયાને મળતા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ. એમ. રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે છાપો મારી ચોરી કરનાર જયવીર ઉર્ફે લાલો ગગજીભાઇ બારીયા રે. તપસ્વી આશ્રમ સામે જેતપુર, અજીત ઉર્ફે ઓઘડ ઉકાભાઇ સોલંકી રે. ત્રાકુડીપરા તથા સંજય ધનજીભાઇ ચૌહાણ, રે. ત્રાકુડીપરા જૂના રૂપાવટી રોડ જેતપુરને દબોચી લઇ ત્રણેયના કબજામાંથી ચોરાયેલ તમામ સામાન કબ્જે કર્યો હતો. રૂરલ એલસીબીએ પકડાયેલ ત્રણેયને જેતપુર પોલીસને હવાલે કર્યા હતાં.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના હેડ કો. શકિતસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર તથા ડ્રાઇવર અમુભાઇ વિરડા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

(12:44 pm IST)