Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જુનાગઢ તાલુકા પંચાયતમાં ત્રણ બેઠક સાથે આમ આદમી પાર્ટીની એન્‍ટ્રી

જુનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપની વાપસી : વંથલી તાલુકા પંચાયતમાં ટાઇથી તંત્ર અવઢવમાં

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ : જુનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપની  વાપસી થતા પાર્ટીના આગેવાનો કાર્યકરોમાં ખુશી વ્‍યાપી ગઇ છે.

ર૦૧પમાં જિલ્લા પંચાયતમાં ભાજપને માત્ર ૩ બેઠક મળી હતી અને આ વખતે ૩૦ બેઠકમાંથી રર બેઠક પર જીત મેળવીને જુનાગઢ જિલ્લા પંચાયતના શાસન પર કબ્‍જે કર્યો છે.

ગત ચુંટણીમાં ર૭ બેઠક મેળવનાર કોંગ્રેસને આ વખતે ૬ બેઠકથી સંતોષ માનવો પડયો છે. અપક્ષ બે બેઠક જીતી ગયુ છે.

જુનાગઢ જિલ્લાની ૯ તાલુકા પંચાયતમાં ર૦૧પમાં ભાજપનો રકાસ થયો હતો. ૧પ૮ બેઠકમાંથી માત્ર ૩૪ બેઠક પર જ કમળ ખીલ્‍યુ હતુ અને કોંગ્રેસ ૧રર બેઠક પર વિજય મેળવ્‍યો હતો.

જો કે આ વખતની ચુંટણીમાં ૯ તાલુકા પંચાયતમાંથી ૬ માં ભાજપને લઘુતમ આવી છે બેમાં કોંગ્રેસ વિજેતા થયેલ છે. વંથલી તાલુકા પંચાયતમાં ભાજપ - કોંગ્રેસને ૮-૮ બેઠકો મળતા ટાઇ થઇ હતી. જેથી તંત્ર પણ અવઢવમાં મુકાઇ ગયુ છે.

જુનાગઢ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ બંધાળા, બીલખા, જામકા બેઠક પર વિજય મેળવીને એન્‍ટ્રી કરી છે.

(1:44 pm IST)