Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ગાંધીધામનો મુકેશ ગઢવી અકસ્માતગ્રસ્તોને આપે છે નવજીવન:૨૨ વર્ષીય મુકેશે અત્યારસુધી ૨૨થી વધુ માનવ જીંદગીને યમરાજાના હાથમાંથી આબાદ છીનવી

ગેરેજમાં કામ કરીને પેટીયું રળતા આ યુવાનની પ્રથમ પ્રાથમિકતા અકસ્માતગ્રસ્તોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની છે : કોરોનાકાળમાં ૮૦થી વધુ મૃતકોને અગ્નિદાહ આપીને માનવતા દિપાવી હતી

ભુજ:અકસ્માતની સ્થિતિમાં સમયસર સારવારના અભાવે અનેક માનવ દિપ બુઝાઇ જતાં હોય છે. ઘાયલો માટે શરૂઆતના કલાકો ખુબ જ કિંમતી હોય છે. આ સમયે જો કોઇ મદદે આવીને તત્કાલ સ્થળ પર પ્રાથમિક સારવાર આપે કે હોસ્પિટલ સુધી પહોંચાડવાની સેવા કરે તો મહામુલું જીવન બચાવી શકાય છે. આ જ વિચારધારા સાથે એક યુવાન છેલ્લા કેટલાક સમયથી કામગીરી કરી રહ્યો છે. આ યુવાન ખરા અર્થમાં અકસ્માતગ્રસ્તો માટે મશીહાનું કામ કરી રહ્યો છે. પોતાનો કિંમતી સમય કે રોજીરોટીની પરવાકર્યા વિના માત્ર ને માત્ર માનવતાને પ્રાધાન્ય આપતો ગાંધીધામનો ૨૨ વર્ષીય વિરલો યુવાન મુકેશ ગઢવી અત્યારસુધી ૨૨થી વધુ માનવીય જીંદગીને યમરાજના હાથમાં થી આબાદ બચાવી લીધી છે તેમ કહેવું જરાપણ ખોટું નથી.

 પંચરંગી શહેર ગાંધીધામની એક ગેરેજમાં કામ કરીને રોજનું પેટીયું રળતો મુકેશ પોતાના પરીવારના પાલનપોષણની જવાબદારી નિભાવવાની સાથે અકસ્માતમાં ઘાયલ થતાં લોકો માટે માનવતાની મિશાલ કાયમ કરી રહ્યો છે. મધ્યમવર્ગીય પરીવારનો આ યુવાન કોઇ સવલતો કે નાણા ન હોવાછતાં પણ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ ચૂપચાપ કરી રહ્યો છે.

 ભારતીય સંસ્કારને ઉજાગર કરતો મુકેશ ગઢવી જણાવે કે, ભારતીય સંસ્કૃતિમાં સમગ્ર માનવ જાતના કલ્યાણની કામનાની વાત છે ત્યારે મારાથી બનતી મદદ અને સેવા હું કરવાનો પ્રયત્ન કરૂ છું. મારી પાસે નાણા કે અન્ય કોઇ માધ્યમ નથી કે હું મોટા સેવાકાર્યો કરી શકું પરંતુ સમયદાનથી કોઇને મદદ કરી શકું તો પણ આ દુનિયામાં આવવાનો મારો ફેરો સફળ થશે.  બસ આજ, વિચાર સાથે હું ગાંધીધામ કે આસપાસના વિસ્તારમાં કયાંય પણ અકસ્માત થાય તો સમાચાર મળતા જ તરત જ દોડી જઇને પ્રથમ કામ તેઓને હોસ્પિટલ પહોંચાડવાનું કરૂ છું.

 દિવસના ગેરેજમાં કામ કરવા સમયે પણ જો સમાચાર આવે તો પણ કામ છોડીને પ્રથમ ઘાયલોને મદદરૂપ બનવાનું કામ કરૂ છું. આ કામમાં મારા ગેરેજ માલિક પણ મને સહકાર આપે છે, આ સાથે સામાજિક સંસ્થાની એમ્બયુલન્સને મદદમાં લઇને આ કામગીરી કરૂ છું. અત્યારસુધી ૨૨થી વધુ માનવ  જીદંગીને સમયસર હોસ્પિટલ પહોંચાડીને યમરાજના હાથમાંથી પાછી લાવી છે. જેનો મને સંતોષ છે.

મુકેશ ગઢવીની આ કામગીરીની નોંધ સરકારે લઇને તાજેતરમાં તેને '' ગુડ સમરીટન એવોર્ડ''  એનાયત કરીને જિલ્લાકક્ષાએ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં પણ મહેશે રાત-દિવસ સેવાકાર્યો કરીને ૮૦થી વધુ કોરોનાગ્રસ્ત મૃતકોને અગ્નિદાહ આપ્યા હતા.

આવા યુવાનો થકી જ માનવતા અને ભારતીય સંસ્કૃતિની સુવાસ સમગ્ર સમાજ અને વિશ્વમાં કાયમ છે અને સૌને પ્રેરિત કરે છે.

(12:16 am IST)