Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મહાશિવરાત્રી પર્વ અંતર્ગત જુનાગઢમાં જાહેર અન્‍નક્ષેત્ર ધમધમશે

શ્રી આપાગીગાનો ઓટલો- ચોટીલા દ્વારા તા.૧૨ થી તા.૧૮ સુધી ભવ્‍યાતિભવ્‍ય આયોજનઃસાધુ-સંતો, મહંતશ્રીઓ, મહામંડલેશ્વરશ્રીઓ આશીર્વચન પાઠવશે, દરરોજ ભજન- ભોજનના કાર્યક્રમોઃ મહાશિવરાત્રીએ ફરાળરૂપી મહાપ્રસાદઃ ભાવિકજનોને ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમનો લાભ લેવા પૂ.નરેન્‍દ્રબાપુનો અનુરોધ

રાજકોટઃ મહાદેવની ભકિતમાં લીન થવાનો અવસર આવી રહ્યો છે. મહાશિવરાત્રી પર્વ આગામી તા.૧૮ ફેબ્રુઆરીના રોજ છે. આ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આપાગીગાનો ઓટલો- ચોટીલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ દ્વારા ગીરનારની ગોદમાં ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમસમા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પ.પૂ.સદ્દગુરૂદેવ શ્રી જીવરાજબાપુ ગુરૂ શ્રી શામજીબાપુના આશીર્વાદથી શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ- મહંતશ્રી આપાગીગાનો ઓટલો (મોલડી) ચોટીલા દ્વારા તા.૧૨ના રવિવારથી ભોજન પ્રસાદનો શુભારંભ થશે. જે તા.૧૮ના શનિવાર મહાશિવરાત્રી પર્વ સુધી દરરોજ અન્‍નક્ષેત્ર ધમધમશે. સર્વે મહામંડલેશ્વરશ્રીઓ, સાધુ સંતો- મહંતશ્રીઓના હસ્‍તે સાત  દિવસ માટે અન્‍નક્ષેત્ર ખુલ્લુ મુકવામાં આવશે.

મહાશિવરાત્રીએ આખો દિવસ ફરાળરૂપી મહાપ્રસાદ રાખવામાં આવેલ છે.

ગીરનાર ક્ષેત્રમાં જયાં સાક્ષાત ભોળાનાથ પધારે છે તે મહાશિવરાત્રીના મેળા દરમ્‍યાન જયાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે. ત્‍યાં સતાધાર શ્રી આપાગીગાના શુભાશીષથી શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા પ.પૂ.જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના આશીર્વચનથી અઢારે વરણના દરેક સમાજ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર અન્‍નક્ષેત્ર અને સંતવાણીના કાર્યક્રમના મેળાની શરૂઆતથી લઈ પુર્ણાહુતી સુધીના પ્રસંગનું આયોજન થયું છે. આ અન્‍નક્ષેત્રમાં દેશભરમાંથી સાધુ- સંતો, મહંતશ્રીઓ, મહામંડલેશ્વરશ્રીઓ અને મહાનુભાવો હાજરી આપશે.

ભાવિકોને લાભ લેવા શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ- મહંતશ્રી આપાગીગાનો ઓટલો (મોલડી) ચોટીલા (મો.૯૮૨૪૨ ૧૦૫૨૮) દ્વારા અનુરોધ કરાયો છે.

(4:07 pm IST)