Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સાંસદની મહેમાનગતી માણતા રાઘવજીભાઇ તેમજ મહાનુભાવો

દિલ્‍હી ખાતે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના નિવાસસ્‍થાને

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩ : અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના દિલ્લી સ્‍થિત નિવાસ સ્‍થાન પર કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, એગ્રીકલ્‍ચર ડિરેકટર એસ.જી. સોલંકી અને ગુજરાત એનિમલ હસ્‍બન્‍ડરી ડિરેકટર ર્ડો. ફાલ્‍ગુનીબેન ઠાકર મહેમાન બની પધારેલ હતા અને સાંસદની મહેમાનગતી માણેલ હતી. ત્‍યારે સાંસદએ ગુજરાત અને અમરેલી સંસદીય વિસ્‍તારના ખેડુતો તેમજ કૃષિલક્ષી વિવિધ પ્રશ્‍નો અંગે મંત્રીશ્રી સાથે જરૂરી ચર્ચા કરી હતી.

સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના જણાવ્‍યા મુજબ સરકારશ્રીની તાર ફેન્‍સીંગ યોજના અંતર્ગત ખેડુતો દ્વારા કરવામાં આવેલ અરજીઓ અન્‍વયે તમામ ખેડુતોની અરજીઓને સરકાર તરફથી મંજુરી મળી રહે અને એકપણ ખેડુત રહી ન જાય તે માટે સક્ષમ અધિકારીશ્રીને જરૂરી સુચના આપવા રજુઆત કરેલ છે. તેમજ તાર ફેન્‍સીંગ યોજના અંતર્ગત ખેડુતો રોઝ-ભુંડથી પોતાના પાકનું રક્ષણ કરી શકે તે માટે ઓછામાં ઓછી ૧૦ ફુટ ઉંચાઈની ફેન્‍સીંગ માટે મંજુરી મળી રહે અને ખેડુતો આ ફેન્‍સીંગમાં નીચે પાંચ ફુટ જાળી અને ઉપર પાંચ ફુટ તાર ફેન્‍સીંગ કરી શકે તેવી જોગવાઈ કરવા રજુઆત કરવામાં આવેલ છે.

ઉપરાંત નવા ટે્રકટર ખરીદી કરતા તમામ ખેડુતોને સમય મર્યાદામાં સબસીડી મળી રહે તેમજ પાક માટે પુરતુ જીપ્‍સમ (સબસીડી સાથે) મળી રહે તે માટે પણ યોગ્‍ય થવા રજુઆત કરવામાં આવેલ છે. સાથો સાથ ખેડુતો માટે રાત્રીના સમય દરમ્‍યાન જંગલી પ્રાણીઓના ત્રાસ તેમજ ભયના કારણે પિયત કરવું ખુબ જ મુશ્‍કેલ બન્‍યુ છે અને ભયના લીધે ખેતર પર ભાગીયા-મજુર પણ મળી રહયા નથી. ત્‍યારે ખેડુતોને તેમના ખેતર/વાડી તેમજ પિયતની ક્ષમતા પ્રમાણે ખેતરમાં વ્‍યકિતગત ટાંકા બનાવવા માટે પણ સરકારશ્રી તરફથી યોજનાને મંજુરી આપવામાં આવે જેથી ખેડુતો રાત્રી દરમ્‍યાન ટાંકામાં પાણી સ્‍ટોરેજ કરી શકે અને દિવસ દરમ્‍યાન આ સ્‍ટોરેજ કરેલ પાણીમાંથી પોતાના પાકને પિયત કરી શકે તેવી જોગવાઈ થાય તે માટે પણ સાંસદશ્રી તરફથી રજુઆત કરવામાં આવી છે

 

(1:27 pm IST)