Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

પોરબંદરમાં ચોરીની શંકા રાખીને માર મારીને પોલીસ સ્‍ટેશન સોંપી દીધા બાદ યુવાનનું દોઢ કલાકમાં મૃત્‍યુ

પોલીસે ઇજાગ્રસ્‍ત યુવાનને હોસ્‍પીટલ કેમ ન ખસેડયો ? અને કોના મારથી મૃત્‍યુ ? વગેરે ઉઠતા સવાલોઃ યુવાનનું મૃત્‍યુ ગંભીર ઇજાઓથી થયાનો ફોરેન્‍સીક અને પીએમનો રીપોર્ટઃ પુરાવા બાદ હત્‍યાનો ગુન્‍હો નોંધાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩: બોખીરા નજીક મંદીરમાં ચોરીકર્યાની શંકા રાખીને લોકોના ટોળાએ શ્‍યામ બથીયાને બેફામ માર મારીને પોલીસ સ્‍ટેશને સોંપી દીધા બાદ શ્‍યામનું મૃત્‍યુ થતા આ ઇજાગ્રસ્‍ત આ યુવાનને પોલીસ હોસ્‍પીટલે કેમ ન લઇ ગઇ? અને કોના મારથી આ યુવાનનું મૃત્‍યુ? વિગેરે સવાલો થઇ રહેલ છે. પોલીસ યુવાનના મૃત્‍યુ અંગે પુરાવા એકઠા કરીને હત્‍યાનો ગુન્‍હો નોંધશે.  શ્‍યામ બથીયાનું મૃત્‍યુ અનેક ઇજાઓ થવાથી થયાનો જામનગર ફોરેન્‍સીક તથા પોસ્‍ટ મોર્ટમનો રિપોર્ટ આવેલ છે.

નવા કુંભારવાડામાં રહેતા શ્‍યામ કિશોરભાઇ બથીયા (ઉ.વ.ર૪) નામના યુવાનને બોખીરા વિસ્‍તારમાં મંદીરમાંથી ચોરી કર્યાની શંકાએ ટોળાએ પકડી ઉદ્યોગનગર પોલીસને સોંપ્‍યો હતો. દરમિયાન યુવાનનું પોલીસ મથકમાં  મૃત્‍યુ નિપજતા પોલીસ આ ઇજાગ્રસ્‍ત યુવાનને હોસ્‍પીટલે કેમ ન લઇ ગઇ? સહીત અનેક સવાલો ઉઠયા.

આ બનાવની જાણ થતા મૃતક યુવાનના પિતા હોસ્‍પીટલે દોડી ગયા હતા અને પુત્રના શંકાસ્‍પદ મૃત્‍યુ અંગે આક્ષેપ કરતા મૃત્‍યુનું કારણ જાણવા ફોરેન્‍સીક પીએમ કરાવાયું છે. જેના ફોરેન્‍સીક રીપોર્ટમાં યુવાનનું મૃત્‍યુ ઇજા થવાથી થયાનું ખુલવા પામ્‍યું છે. ત્‍યારે પોલીસ સામે પણ સવાલો ઉઠી રહયા છે કે ટોળાએ યુવાનને માર માર્યો હોય તો પોલીસે યુવાનને સારવાર માટે કેમ ખસેડયો નહી?    આ બનાવમાં પોલીસે મૃતકના પિતાની ફરીયાદ પરથી અને પુરાવા મળ્‍યેથી હત્‍યાનો ગુનો નોંધાશે. શંકાસ્‍પદ બનાવમાં લોકોમાં ચર્ચાઇ રહયા મુજબ મૃતકને પોલીસને સોંપ્‍યો ત્‍યારે ઇજાઓ થઇ કે કેમ? તે જાણવા સીસીટીવી તપાસવામાં આવી રહયા છે.

(1:03 pm IST)