Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મગફળી આગ કાંડમાં વેલ્ડરરોની આકરી પૂછપરછ કરતી સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ : એકવાર આગ બુઝાયા પછી શું ફરીવાર આગ લગાવાઇ ઘેરી શંકા ?

હજુ સુધી કોઇ પણ સામે ગુનો નોંધાયો નથી : સીઆઇડી ક્રાઇમ બ્રાંચ ડી.વાય.એસ.પી

ગોંડલ: ગોંડલના ઉમરાળા રોડ ઉપર વેરહાઉસમાં રખાયેલ ટેકાના ભાવની મગફળીના જથ્થામાં આગ લાગ્યાની ઘટનાને આજે પાંચ દિવસ થયા છતાં પણ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી નથી ત્યારે ઘટનાની તપાસ ચલાવી રહેલ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે આજે વેલ્ડિંગ કામ કરતા ચાર મજુરોને આકરી પૂછપરછ કરી હતી જયારે હજુ પણ ઘટનામાં કોઈ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું ક્રાઈમ બ્રાન્ચ ડીવાયએસપીએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ પાંચ દિવસ પહેલાં ગોંડલના ઉમવાડા રોડ ઉપર આવેલ રામરાજ્ય જીનીંગમાં લાગેલી આગની ઘટનામાં તપાસ ચલાવી રહ્યા સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના ડીવાયએસપી ઋષિકેશ રાજ્યગુરુ દ્વારા વેરહાઉસમાં ગેઈટ ઊભો કરવા અને પતરા ચઢાવવામાં આવેલ 4 વેલ્ડર મજૂરોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કંઈ તથ્ય બહાર આવ્યું હોય કોઈપણ જાતના ગુન્હો નોંધવામાં આવ્યો નથી તેવું જણાવ્યુ હતું.

જ્યારે રામરાજ્ય વેરહાઉસમાં પતરા ચડાવવા તેમજ ગેટ ઉભો કરવાના કામે આવેલ ઉમેશ કિરીટભાઈ મહેતા રહે શાપર વેરાવળ, કમલેશગીરી ધીરજગિરી ગોસ્વામી રહે વિજય નગર ગોંડલ, રણવીર બાબુભાઈ વિશાણ મેર મૂળ મેંદપરા હાલ રહે ગોંડલ ગ્રીન પાર્ક સહિતનાઓએ પત્રકારોને જણાવ્યું હતું કે જે દિવસે આગ લાગી ત્યારે તેઓ વેરહાઉસમાં ગેટ પાસે અને ઉપર પતરા ફિટ કરવાનું કામ કરી રહ્યાં હતાં વેલ્ડીંગ નો અંગારો મગફળીને બોરી ઉપર પડતા આગ લાગવાનું શરૂ થયું હતું . જેને બુઝાવવા ચારેય શ્રમિકોએ મહેનત આદરી હતી અને પાણીનો છંટકાવ કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ કાબુમાં આવતા ગોડાઉનના મેનેજર ને જાણ કરવામાં આવી હતી, બાદમાં ફાયર આવી જતા એક ખૂણામાં લાગેલ આગ કાબુમાં પણ આવી ગઈ હતી.

લાગેલ આગને બુઝાવવામાં પતરા ફિટ કરવાનું મજૂરીકામ કરતા રણમલભાઇ વિશાણે પોતાના હાથથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો જેના કારણે તેઓના હાથમાં પણ ફરફોલા થઈ જવા પામ્યા છે.
જયારે વેરહાઉસમાં પાણી છંટકાવ કરવાનો વાલ્વ ખૂલી રહ્યો હોય એક મજૂરે પોતાના દાંત વડે પાણીની નળી ખેંચતા તેનો દાંત પણ પડી જવા પામ્યો હતો..
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના શિવનગર સોસાયટીમાં રહેતા અને નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા જગદીશસિંહ અજીતસિંહ જાડેજા ના ઘરમાં ગત રાત્રીના તસ્કરોએ પરોણા કરી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 10,000 મળી કુલ રૂ પાંચ લાખ ના મુદ્દામાલની ચોરી કરી જતા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ઘટનાના ફરિયાદી મયરસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તેઓના મામા જગદીશસિંહ ગત શનિવારના મોવીય ગામે હરદતપરી બાપુના મંદિરે ચાલીને દર્શન કરવા જઈ રહ્યાં હોય કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઘવાતા તેઓને રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, સમગ્ર પરિવાર ત્યાં સારવારમાં હોય તસ્કરોએ બંધ મકાન જોઈ હાથફેરો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની ઢીલી નીતિના કારણે શહેરમાં તસ્કરોને ચોરી કરવા મોકળું મેદાન મળી ગયું છે, રોજબરોજ અનેક ચોરીની ઘટના બની રહી છે, પોલીસ તેની ખાખીની ધાક બતાવે તેવી માંગ ઉઠવા પામી છે. પોલીસને કામનું ભારણ વધારે હોય પોલીસ થાક અનુભવી રહી છે તેવું સીટી પોલીસના પી.એસ. પરવાનાબેને જણાવ્યું હતું.

(10:09 pm IST)