Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કેશોદના ટ્રાફિક પોલીસ જમાદાર દ્વારા ચાલુ બસમાં જુનાગઢના મહિલા અધિકારીની છેડતી

મદદનીશ આંકડા અધિકારી જુનાગઢથી કેશોદ અપડાઉન કરતા બનાવઃ પોલીસ ફરિયાદ

જુનાગઢ તા. ૩: કેશોદના ટ્રાફીક પોલીસ જમાદારે ચાલુ બસે યુવતીની છેડતી કરતા ચકચાર વ્યાપી ગઇ છે.

જૂનાગઢ ખાતે રહેતી એક યુવતિ કેશોદ પ્રાંત અધિકારીની કચેરીમાં મદદનીશ આંકડા અધિકારીની ફરજ બજાવે છે અને દરરોજ આ યુવતિ જૂનાગઢથી કેશોદ અપડાઉન કરતી હતી.

આ દરમ્યાન ખાનગી બસમાં યુવતીની સાથે સવાર કેશોદના ટ્રાફીક પોલીસ કર્મી. કાલીદાસ રણછોડદાસ દોમડીયાએ મુસાફરી દરમ્યાન ચાલુ બસે છેડતી કરવાની કોશિષ કરી હતી જેનાથી આ યુવતી હેબતાઇ ગઇ હતી અને રડવા લાગી હતી આથી બસમાં સાથી મુસાફરોએ યુવતિને સાંત્વના આપીને વિગતો મેળવી હતી અને બાદમાં આખી બસ કેશોદ પોલીસ સ્ટેશને લઇને પહોંચ્યા હતા.

એએસપી સંજય ખેરાતે સમગ્ર મામલાની માહિતી મેળવી હતી અને ટ્રાફીક એએસઆઇ કાલીદાસ દોમડીયા સામે ગુનો નોંધવાની સુચના આપતા કેશોદ પોલીસે યુવતીની ફરિયાદના આધારે પોલીસ કર્મી. વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનાની શરૂઆત વંથલી ખાતેથી થઇ હોય વધુ તપાસ માટે યુવતિની ફરિયાદ વંથલી પોલીસ તરફ મોકલવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.  (૭.૩૯)

(4:14 pm IST)