Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

તળાજા ન.પા.ની ટીકીટ ફાળવણી મામલે ભાજપ -કોંગ્રેસ બન્નેમાં ભડકોઃ ભુદેવોની મળી બેઠક

બ્રહ્મસમાજે પાંચ ટીકીટની માંગ કરી, માગ નહીં સંતોષાય તો બ્રાહ્મણ ભાજપની એકપણ ટીકીટ નહી સ્વકારે : કોંગ્રેસમાંથી કાપવા અને સમાવવાના મામલે ધમાસણઃ પક્ષના મેન્ડેડ વગર ફોર્મ ભર્યાઃ મેન્ડેડ નહીં તો અપક્ષ ઉમેદવારી

ભાવનગર તા. ૩ :.. તળાજા નગર પાલીકાની ચૂંટણીને લઇ ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ-કોંગ્રેસ બેનેમાં ટીકીટ વહેંચણીને લઇ ભડકો થયો છે. ભાજપથી નારાજ બ્રહ્મ સમાજે તાકીદની બેઠક બોલાવી હતી. બ્રહ્મસમાજને કદ પ્રમાણે વેતરવાના મામલે પ્રદેશ અધ્યક્ષને પત્ર પાઠવી માગ નહીં સંતોષાય તો બ્રહ્મ સમાજનો એકપણ યુવાન ભાજપમાંથી ચૂંટણી નહીં લડેતેવી ચિમકી ઉચ્ચારી છે. સામા પક્ષે કોંગ્રેસમાં પણ છેલ્લડી ઘડીએ કમઠાણ જામેલ છે. જેના કારણે બળવાના એંધાણના ડરે ભાજપ-કોંગ્રેસ ફફડી ગયેલ છે જેથી છેલ્લી ઘડી પણ નામો ફાઇનલની યાદી પ્રસિધ્ધ કરી શકેલ નથી.

ટીકીટ ફાળવણીના મામલે તળાજામાં રાજકીય જંગ અંદરો-અંદર નો જ જામ્યો છે. બંને પાર્ટીઓ દ્વારા મોટા ભાગના ચહેરાઓ પસંદ કરી ઉમેદવારી પત્રક તૈયાર કરવાની સુચના આપી દિધી હતી. આ સુચનાનાા પગલે ભાજપ પક્ષમાંથી  ભુદેવોએ માગ્યા પ્રમાણેની ટીકીટ ન મળ્યાના અણસાર મળતા ભૂદેવોમાં રોષ ફેલાયો હતો.

બ્રહ્મ સમાજના તળાજા શહેર તાલુકાના  પ્રમુખ ભાવેશભાઇ જાની, હર્ષદભાઇ ભટ્ટ સહિતના આગેવાનોની તાકીદે મળેલ બેઠકમાં સમાજના લેટર પેડ ઉપર પ્રદેશ-જિલ્લા ભાજપ અધ્યક્ષને પત્ર પાઠવ્યોહતો. જેમાં પાંચ ટીકીટ આપવા માટેની માગ કરી છે. તળાજા શહેરમાં ૧૭પ૦ નું મતદાન છે. જો માગ નહીં સંતોષવામાં આવે તો ભાજપમાંથી બ્રહ્મ સમાજનો એકપણ ઉમેદવાર ટીકીટ નહી લે તેવી ખુલ્લી ધમકી આપેલ છે. બ્રહ્મ સમાજના આગેવાનો, યુવાનો એ અલગ અલગ સ્થળે બેઠકનો દૌર શરૂ થયો છે.

બ્રહ્મ સમાજ લાલઘુમ થયાના મામલે નિરીક્ષક આર. સી. મકવાણા તળાજા દોડી આવ્યા હતાં. તેઓએ મસલતોનો દૌર શરૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નં. ૬ માં ભાજપે એક ટીકીટ ફાઇનલ કરી છે. અન્ય વોર્ડમાં પણ ટીકીટ આપવા માટે મનોમંથન  સ્થાનીક અને મોવડીઓ સાથે ચાલી રહ્યું છે.

ફાઇનલ યાદી હજૂ તૈયાર નથી થઇ તે છેલ્લી ઘડીએ જ થશે તેમ જણાવ્યું હતું તો વોર્ડ નં. ર માં પણ છેલ્લી ઘડીએ વિવાદ વકર્યો હોઇ ભાજપમાં તેવું જાણવા મળી રહ્યું છે.

સામા પક્ષે કોંગ્રેસમાં પણ બધુ જ સમૂસૂતરૂ નથી. કોંગ્રેસના જે ચહેરાએ ફાઇનલ માનવામાં આવતા હતા તેમાંના કેટલાંકને કાપીને અન્ય ચહેરાઓને સમાવી ઋણ ચુકવવાના મામલે કોંગ્રેસમાં ધમાસાણ શરૂ થયું હતું બપોરથી શરૂ થયેલા ધમાસાણ ના પગલે ધારાસભ્ય, જી. પં.ના સદસ્યો અને સ્થાનીક આગેવાનોની બેઠકનો ધમધમાટ શરૂ થયો હતો. જયાં રીસામણ-મનામણાના દૌર વચ્ચે વોર્ડ નં. પના કોંગ્રેસમાંથી ફાઇનલ મનાતા ત્રણ વ્યકિતએ ફોર્મ મેન્ડેડ વગર ભરી દીધું હતું જો મેન્ડેડ ન મળે તો અપક્ષ પેનલ સાથે લડી લેવાની વેંતરણ શરૂ થઇ હતી. આવા કારણોસર કોંગ્રેસ પક્ષે પણ મોડી રાત સુધી બેઠક અને ફોન પણ રાજકીય ધમાસાણ જામેલ હોઇ સતાવાર ઉમેદવારોની એકપણ વોર્ડની યાદી ભાજપ- કે કોંગ્રેસ બહાર પાડી શકી ન હતી.

સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે આજના દિવસે ૧૭ ઉમેદવારી પત્રક ભરાતા કુલ ર૧ ફોર્મ માત્ર ભરાયા છે. આજ સુધીમાં ૧૩૭ ફોર્મ ઉપડયા છે.

(11:44 am IST)