Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગોંડલ સફાઇ કામદારોના પડતર અને કાયમી કરવાના પ્રશ્ને પાલિકા કચેરીમાં તોડફોડ કરી ચક્કાજામ

ચીફ ઓફિસર પાલિકા, પ્રમુખની ચેમ્બરના કાચ, વાઇફાઇ મોડેમ અને ફુલઝાડના કુંડાઓનો કચ્ચરઘાણ કાઢી નાખ્યોઃ ફરિયાદ કરવા તજવીજ

ગોંડલ તા. ૩ :ગોંડલ નગરપાલિકાના સેનિટેશન વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર તેમજ મંડળીના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો અને કાયમી કરવાની માંગ સાથે ઘસી આવેલા મહિલાઓ સાથેના ટોળાએ પાલિકા પ્રમુખ,ચીફ ઓફિસરની ઓફિસના કાચ તોડી લોબીમાં રાખેલ વાઇ ફાઈ મોડેમ અને ફુલઝાડ ના કુંડાઓનો કચ્ચર ઘાણ બોલાવી દેતાં સિટી પોલીસ દોડી ગઇ હતી, અને બાદમાં જિલ્લા પોલીસ વડા એ પહોંચી જઇ માહિતી મેળવી ચીફ ઓફિસર ને ફરિયાદ નોંધાવા તાકીદ કરી હતી. કર્મચારીઓના રોષે ભરાયેલા ટોળાએ બાદમાં બસ સ્ટેન્ડ પાસે ચક્કાજામ કરી દેતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો. બાદમાં જિલ્લા પોલીસવડાએ ત્યાં પણ દોડી જઇ કાયદો હાથમાં ન લેવા જણાવી આંખ લાલ કરતાં ટોળું વિખેરાયું હતું.

વાલ્મિકી સફાઈ કામદાર સંગઠન પ્રમુખ શંકરભાઇ વાઘેલાની આગેવાનીમાં રોજમદાર અને મંડળીના ફરજ બજાવતા સફાઈ કામદારોનો ટોળું કર્મચારીઓના પડતર પ્રશ્નો અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે ઘસી આવ્યું હતું. બાદમાં આ ટોળું ઉગ્ર બનતા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘૂસી ગયું હતું . જયાં તોડફોડ કર્યા બાદ પાલિકાની લોબીમાં રાખવામાં આવેલું વાઇફાઇ મોડેમ તથા ફૂલ ઝાડ ના કુંડાઓનો કચ્ચરઘાણ બોલાવવા લાગતા સિટી પોલીસે બોલાવવામાં આવી હતી.

પોલીસવડા અંતરિપ સૂદ ગોંડલ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હોય તેઓએ પણ પાલિકા કચેરીએ દોડી જઇ ઘટનાની માહિતી મેળવી ચીફ ઓફિસર પટેલને ફરિયાદ કરવા તાકીદ કરતાં ચીફ ઓફિસર પોલીસ મથકે પહોંચ્યા હતા.

રોષે ભરાયેલ સફાઈ કર્મચારીઓનું ટોળું બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતું . જયાં ચક્કાજામ કરી દેતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ ત્યાં દોડી જઇ રોષે ભરાયેલા ટોળાંએ જણાવ્યું હતું કે તમે લોકો ચક્કાજામ કરી કાયદો હાથમાં લઈ રહ્યા છો, જે ગેરકાનૂની છે તેમ કહેતા ટોળું વિખેરાયું હતું.

સફાઈ કામદાર સંગઠન પ્રમુખ શંકરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા રોજમદાર સફાઇ કામદારોને કાયમી કરવા ફરમાન કરવામાં આવેલ હોવા છતાં પણ પાલિકાના પદાધિકારીઓ તેનો અનાદર કરી રહ્યા છે. પાલિકામાં ચાલીસ-ચાલીસ વર્ષથી સફાઈ કામદારો રોજમદાર તરીકે કામ કરી રહ્યા છે, તો અમને ન્યાય કયારે મળશે તેવો વેધક સવાલ કર્યો હતો.

ગતરોજ નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરમાં સફાઈની ફરિયાદને ધ્યાને લઈ સફાઈ કામદારો ની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં કામદારોને બે સીપ કામ કરવાનું જણાવતા પદાધિકારીઓ અને સફાઇ કર્મચારીઓ ના આગેવાનો વચ્ચે તણખા ઝર્યા હતા. જેને પગલે ટોળું ફરી પાલિકાએ આવ્યું હોવાનું કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા દ્વારા જણાવાયું હતું.

(11:41 am IST)