Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

શ્રી નવચેતન અંધજન મંડળ માધાપર ખાતે દિવ્યાંગ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

સરકારના સંનિષ્ઠ પ્રયાસોના લીધે દિવ્યાંગોને સમાજમાં વિશિષ્ટ સ્થાન મળ્યું છે. - વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય:દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે - જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા

  ભુજના માધાપર ગામે શ્રી નવચેતન અંધજન મંડળ સંસ્થામાં વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાની ગરિમામય ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકોનો શાળા પ્રવેશોત્સવ અને સમાજ સુરક્ષાની વિવિધ યોજનાના લાભ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ તકે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, મને ગર્વની લાગણી થાય છે કે નવચેતન સંસ્થા દિવ્યાંગો માટે વર્ષોથી સુંદર કામગીરી કરી રહી છે. નિષ્ઠા અને પ્રામાણિકતાના લીધે જ સરકારે બ્રેઈલ લિપીમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરીને તેનું વિતરણ કરવાની જવાબદારી નવચેતન સંસ્થાને સોંપી છે. કચ્છ જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગની કામગીરીને બિરદાવીને અધ્યક્ષાએ કહ્યું કે, તમામ લાભાર્થીઓ સુધી બધી જ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે વિભાગ સતત કાર્યરત છે. સમાજ સુરક્ષા ડીપાર્ટમેન્ટ સુંદર કામગીરી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઉલ્લેખ કરીને અધ્યક્ષાએ ઉમેર્યું કે, દિવ્યાંગ શબ્દ આપીને વડાપ્રધાનશ્રીએ દિવ્યાંગોને સમાજમાં નવી ઓળખ અપાવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે દિવ્યાંગો માટે અનેક સવલતો ઊભી કરી છે કે જેના લીધે તેઓને કોઈ મુશ્કેલી ના પડે.

 આ તકે અધ્યક્ષાએ કહ્યું કે,  સરકારના સંનિષ્ઠ પ્રયાસોના લીધે દિવ્યાંગોને સમાજમાં વિશિષ્ટ સ્થાન મળ્યું છે અને દિવ્યાંગો પ્રત્યેની સમાજની દ્રષ્ટિમાં પરિવર્તન આવ્યું છે. આજે દિવ્યાંગો સન્માનભેર જીવન વ્યતિત કરી રહ્યા છે. દિવ્યાંગોની અંદર અનેક શક્તિઓ છૂપાયેલી હોય છે અને તેને બહાર લાવવાનું કાર્ય વાલીઓએ કરવાનું છે. વાલીઓને અનુરોધ કરીને અધ્યક્ષાશ્રીએ કહ્યું કે, તમારા દિવ્યાંગ બાળકોના સપનાઓને પૂરા કરવા માટે હંમેશા મક્કમ રહેજો. આ તકે તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકાર હંમેશા દિવ્યાંગોની સાથે છે અને તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે તે માટે કામ કરી રહી છે.

 

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાએ નવચેતન સંસ્થાની કામગીરીને બિરદાવીને કહ્યું કે, સંસ્થા દિવ્યાંગોના વિકાસ માટે સતત સુંદર કામગીરી કરી રહી છે. દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બને તે માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. દિવ્યાંગ બાળકોને મુશ્કેલી ના પડે તે માટે ખાસ બ્રેઈલ લિપીમાં પાઠ્યપુસ્તકો નવચેતન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને તેનું વિતરણ ૧૫ જિલ્લામાં પૂર્ણ થયું છે આ બાબતની નોંધ લઈને પ્રમુખશ્રીએ સમગ્ર સંસ્થાની ટીમને અભિનંદન આપ્યા હતા. અરૂણિમા સિન્હા અને સ્ટીફન હોકિંગ્સના ઉદાહરણ આપીને તેઓએ દિવ્યાંગ બાળકોનો જુસ્સો વધાર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકારે દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. મક્કમ મનોબળ સાથે જીવનના લક્ષ્યોને સર કરવા માટે પ્રમુખશ્રીએ દિવ્યાંગોને પ્રેરણા આપી હતી.

 જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી.રોહડીયાએ આ પ્રસંગે સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાની વિગતો આપીને કહ્યું હતું કે, વિભાગ જિલ્લાના તમામ નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે સતત કાર્યરત છે.

 આ પ્રસંગે વિકલાંગ વિદ્યા વિહારના દિવ્યાંગ બાળકો  દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. વિકલાંગ કન્યાકુંજની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીતની પ્રસ્તુતિ કરાઈ હતી. શિક્ષણની યાત્રામાં પગલા પાડી રહેલા ૧૭ ભૂલકાઓને હાજર રહેલા મહાનુભાવોએ શૈક્ષણિક કીટનું વિતરણ કરીને શાળા પ્રવેશ કરાવ્યો હતો. દિવ્યાંગ બાળકો માટે ખાસ રીતે બ્રેઈલ લિપીમાં તૈયાર કરવામાં આવેલા પાઠ્યપુસ્તકોનું વિતરણ પણ આ તકે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિરામય યોજના અંતર્ગત હેલ્થ કાર્ડ, મનો દિવ્યાંગ પેન્શન યોજના, લીગલ ગાર્ડિયનશીપ એલોટમેન્ટ લેટર લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ રાજ્યકક્ષાએ વિજેતા દિવ્યાંગ ખેલાડીઓની ક્રિકેટ ટીમનું સન્માન કર્યું હતું. 

આ કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયતના સદસ્ય પ્રવિણાબેન રાઠોડ અને લક્ષ્મીબેન જરૂ,  જુના વાસ ગ્રામ પંચાયત સરપંચ શ્રી ગંગાબેન મહેશ્વરી, વર્ધમાનનગર સરપંચ જ્યોતિબેન શાહ, માધાપર ઉપ સરપંચ અરજણભાઈ ભુડિયા, નવચેતન સંસ્થાના ઉપપ્રમુખ હિરાલાલભાઈ ચાવલા, ખજાનચી  ઝીણાભાઈ દબાસીયા, સહમંત્રી હિમાંશુભાઈ સોમપુરા, પ્રવિણભાઈ ખોખાણી દામજીભાઈ ઓઝા, ચીફ કોર્ડિનેટર દિપકભાઈ પ્રસાદ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, સંસ્થાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:12 am IST)