Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામીક પાર્ક આકાર લેશે : બ્રિજેશ મેરજા

રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એકસપોર્ટ મીટ-૨૨નું આયોજન કરાયું

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ : રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા એકસપોર્ટ મીટ-૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું.

એમ.એસ.એમ.ઈ. માટે કેન્દ્ર સરકારે ૬૦૦૦ હાજર કરોડના ખર્ચે શરૃ કરેલી યોજનાની વાત કરતા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, એમ.એસ.એમ.ઈ. આત્મનિર્ભર થશે તો મોરબી સિરામીક ઉદ્યોગ આત્મનિર્ભર થશે જેથી મોરબી, ગુજરાત અને ભારત આત્મનિર્ભર બનશે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામીક પાર્ક આકાર લેશે.

એકસપોર્ટ પોલિસીમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનની ભુમિકા પર ચર્ચા અન્વયે મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબી સિરામીકના હાર્ડ સમા મોરબી-જેતપર-અણીયારી રસ્તાનું ટુંક સમયમાં ભુમી પૂજન કરાશે. બજેટમાં ડ્રોન ટેકનોલોજીમાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, ગુજરાતના ૫૦૦ થી વધુ આઈ.ટી.આઈ.માં ૨૪ પ્રકારના ડ્રોન ટેકનોલોજીના કોર્સ ૧લી ઓગસ્ટથી શરૃ કરાશે. તથા બજેટમાં મોરબીના શ્રમિકોની આવાસ સુવિધા માટે શ્રમનિકેતન (લેબર હોસ્ટેલ) પણ મંજૂર કરાવી છે.

આ પ્રસંગે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ઔદ્યોગીક સાહસિકોને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનમાં જોડાવા અપીલ કરી કવોલિટી ઉત્પાદન પ્રક્રિયા પર ભાર મુકયો હતો. આ પ્રસંગે ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના જનરલ ડાયરેકટર ડો. અજય સહાય, ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના વાઈસ પ્રેસિડન્ટ ખલીદ ખાન, ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રાદેશિક ચેરમેન નંદકિશોર કાગ્લીવાલ (વડોદરા), મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ વિશ્વનાથ શ્રીવાસ્તવ, જે.એમ. બિશ્નોઈ, કે.વી. મોરી, વિકાસ પ્રસાદ તેમજ ઔદ્યોગીક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

(2:00 pm IST)