Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

અષાઢી બીજ શુકનીયાળઃ વલ્લભીપુર-રાા, ઉમરાળા-માંગરોળમાં ૧ ઇંચ

જગન્નાથજી ભગવાનની રથયાત્રા ઉપર વરૂણદેવનાં અભિષેકથી વધુ વરસાદની લોકોને આશાઃ રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અનેક જગ્‍યાએ વાવણીનું મુહુર્ત કરતા ખેડુતો

રાજકોટ, તા., ૨:  રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે અષાઢી બીજના મેઘરાજાએ શુકન સાચવ્‍યા હતા અને કોઇ જગ્‍યાએ ભારે તો કોઇ જગ્‍યાએ હળવો વરસાદ વરસતા ખેડુતોએ વાવણી કાર્યના શ્રી ગણેશ કર્યા છે.
જગન્નાથજી ભગવાનની રથયાત્રા ઉપર વરૂણદેવના અભિષેકથી વધુ વરસાદની લોકોને આશા છે.
ગઇકાલે સવારે માંગરોળમાં એક ઇંચ વરસાદ પડયો છે. જયારે ભાણવડ, કોડીનારમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, વીરપુર, ધોરાજી, મોટી મારડ સહીતના શહેરોમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. વાવણીલાયક વરસાદ પડતા ખેડુતોના હૈયે પણ ટાઢક થઇ હતી.ગોંડલના કોલીથડ આસપાસ ભારે વરસાદના પગલે નદી બે કાંઠે આવી  હતી.  જે ઘોડાપુર નિહાળવા લોકોનો ધસારો નદી તરફ વહ્યો હતો.
જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં વરસાદની આગાહી વચ્‍ચે કાલાવડ પંથકમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. મોડી સાંજ સુધી વરસેલા વરસાદે રાત્રે આઠ વાગ્‍યા સુધીમાં ૬પ મી.મી.પાણી વરસાવી દીધું હતું. જયારે કાલાવડ ગ્રામ્‍ય પંથકમાં પણ અડધાથી બે ઇંચ સુધી વરસાદના વાવડ મળ્‍યા છે. જામનગરમા સાંજ સુધી ઝરમર ઝાપટાઓએ માત્ર માર્ગો ભીના કર્યા જયારે જામજોધપુર પંથકમાં સવારથી બપોર સુધી હળવા ઝાપટા વરસ્‍યા હતા.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨ : ગોહિલવાડ પંથકમાંᅠ અષાઢી બીજના રોજ અડધાથી અઢી ઈંચ વરસાદ પડ્‍યો છે.
ᅠઅષાઢી બીજના રોજ ભાવનગર શહેર માં મેઘરાજાની મહેર થઇ છે. લાંબી પ્રતીક્ષા કરાવ્‍યા બાદᅠ બપોરે વર્ષારાણીનું આગમન થતાં લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી. શહેરમાંᅠ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ લોકોમાં ઉત્‍સાહ હતો તેમાં આજે મેઘરાજાની પધરામણી થી લોકોનો ઉત્‍સાહ બેવડાયો હતો. અને વરસાદ વચ્‍ચે પણ લોકો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્‍યા હતા.
ભાવનગરજિલ્લાના વલભીપુર પંથકમાં અઢી ઇંચ, ભાવનગર શહેરમાં પોણાબે ઇંચ, ઉમરાળામાં એક ઇંચ,તળાજા અને ગારિયાધારમાં પોણા ઇંચ, પાલીતાણા અને ઘોઘામાં અડધો ઇંચ જયારે સિહોર અને જેસરમાં છુટાછવાયા હળવા-ભારે ઝાપટાં વરસી ગયા હતા.
ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલભીપુરમાં ૬૮ મી.મી. ભાવનગરમાં ૩૯ મી.મી. ઉમરાળામાં ૨૧ મી.મી. તળાજામાંᅠ ૧૯ મી.મી. ગારીયાધારમાં ૧૬ મી.મી.પાલીતાણામાં ૧૧ મી.મી. ઘોઘામાં ૧૦ મી.મી. સિહોરમાં ૭ મી.મી. જેસરમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે.
ગોંડલ
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલમા અષાઢીબીજના શુકન સાચવતા હોય તેમ મેઘરાજાએ અનરાધાર મહેર વરસાવતા ગોંડલમા ત્રણ ઇચ વરસાદ વરસ્‍યો છે. જયારે તાલુકાના હડમતાળા, કોલીથડમા આઠ ઇચ વરસાદ વરસતા નદી નાળા ઓવરફલો થયા છે.
વાવણીજોગ વરસાદ વરસતા ખેડુતો ખુશખુશાલ બન્‍યા છે. ગોંડલમાં દિવસભર હળવા જાપટા વરસ્‍યા બાદ સાંજે ચાર વાગ્‍યાથી ધોધમાર વરસાદ વરસતા દોઢ કલાકમા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે રાજમાર્ગો પર પાણી ભરાતા પાણીના વહેણ વહ્યા હતા. રાતા નાલા ઉપરાંત આશાપુરા તથા ઉમવાડા અંડરબ્રિજમા ભારે પાણી ભરાતા ટ્રાફિક ઠપ્‍પ થઈ જવા પામ્‍યો હતો.
તાલુકાના હડમતાળા, કોલીથડ પાટીયાળીમા બપોરના બે વાગ્‍યાથી સતત વરસાદ વરસતા આઠ ઇંચ વરસાદ વરસ્‍યો છે. જયારે શિવરાજગઢ, સુલતાનપુર, વાસાવડ, ધુડશીયા, ગોમટા પંથકમા દોઢ થી બે ઇંચ વરસાદ વરસ્‍યો છે.
વિરપુર (જલારામ)
(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) : સૌરાષ્ટ્ર -કચ્‍છ સહિત ગુજરાતભરમાં અષાઢી બીજની ઉજવણી થઈ, સામાન્‍ય રીતે સૌરાષ્ટ્રમાં અષાઢી બીજે મેઘરાજાનું મડાંણ થઈ ગયું હોય છે અને અષાઢી બીજનો વરસાદ સુકનવંતો હોય તેવું ખેડૂતોનું માનવું છે ત્‍યારે જગવિખ્‍યાત યાત્રાધામ વીરપુરમાં સવારથી જ અસહ્ય ગરમી બફારા અને વાદળછાયા વાતાવરણ વચ્‍ચે બપોરે ૩ વાગ્‍યાની આસપાસ મેઘરાજાએ જાણે અષાઢી બીજનું મુર્હુત સાચવ્‍યું હોય તેમ ધમાકેદાર એન્‍ટ્રી કરી હતી. ભારે વરસાદને લઈને વીરપુરના રોડ રસ્‍તાઓ પાણી પાણી થયા હતા જયાંરે ધોધમાર વરસાદને લઈને બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્‍યો હતો જેમને કારણે વીરપુરની તેલહોકરી,મોટાપુલ સહીતના નાળાઓમાં ઘોડાપુરની માફક પાણી વહયું હતું જેમને કારણે જેઠાબાપાના મંદિર તરફ જતો રસ્‍તો પાણીમાં ગરકાવ થઈ જતા બંધ થઈ ગયો હતો.
મેઘરાજાએ અષાઢી બીજના સુકનવંતા વરસાદને લઈને જગતાત ખેડૂતોએ વાવેતર કરેલા પાકો પર જાણે કાચું સોનુ વરસ્‍યું હતું અને વાવેતર કરેલા કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને જીવનદાન મળ્‍યું હતું. ઉલ્લેખનિય છે કે યાત્રાધામ વીરપુરમાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા લોકોને ગરમીમાં રાહત અને વાતાવરણ ઠંડક પ્રસરી હતી અને લોકો, ખેડૂતો ખુશખુશાલ થયા હતા.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : માંગરોળ, માળીયા, મેંદરડા, માણાવદર, સહિતના વિસ્‍તારોમાં આજે બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહેતા ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા છે.
અષાઢી બીજનું શુકન સાચવીને મેઘાએ કૃપા વરસાવવાનું શરૂ કર્યુ છે. સવારે પુરા થયેલા ર૪ કલાક દરમ્‍યાન જુનાગઢ જિલ્લામાં કુલ ૩ર૮ મી. મી. (૧૩ ઇંચ) વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ બે - બે ઇંચ વરસાદ વિસાવદર અને વંથલી તાલુકામાં થયો હતો.
આજે બીજા દિવસની સવારથી મેઘાએ નવેસરથી જમાવટ કરી છે. માંગરોળમાં સવારે ૬ થી ૮ માં વધુ એક ઇંચ મેઘ મહેર થઇ છે.
માળીયા હાટીના વિસ્‍તારમાં સવારનાં વધુ ૧ર મી. મી. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્‍યાપી ગઇ છે.
માણાવદરમાં પણ સવારથી વરસાદ ઝાપટા ચાલુ છે. જયારે વિસાવદર અને વંથલી પંથકમાં આજે પણ સવારથી મેઘકૃપા થઇ રહી છે. બંને તાલુકામાં ધીમી ધારે કાચુ સોનુ વરસી રહયું છે.
જુનાગઢમાં શુક્રવારે ૩૭ મી.મી. (દોઢ ઇંચ) વરસાદ થયા બાદ રાત્રે મેઘાએ પોરો ખાધો હતો પરંતુ સવારે આળસ મરડીને ધીમી ધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કરતાં આજે આખો દિવસ વરસાદ થવાની શકયતા છે.
જુનાગઢના ગિરનાર અને દાતાર પર્વત - જંગલ વિસ્‍તારમાં પણ વરસાદ હોવાના વાવડ છે.
ધોરાજી
(ધર્મેન્‍દ્ર બાબરીયા-કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : મુરજાતી મોલાતને નવજીવન આપતા મેઘરાજા છેલ્લા ઘણા દિવસોથી જોરદાર ગરમી અને ઓરવીને વાવેલા કપાસ, મગફળી, સોયાબીન અને કઠોળના પાકોને ભારે ગરમીથી સુકાવા લાગ્‍યા હતા અને ધરતી પુત્રો મેઘરાજાને મનાવવા પ્રાર્થનાઓ કરતા હતા અને બીજના પાવન દિવસે સમગ્ર ધોરાજી, જામકંડોરણા વિસ્‍તારમાં વરસાદ પડતા જાણે આકાશમાંથી જાણે કાચુ સોનુ વરસ્‍યુ હોય એમ ખેડૂતો રાજી થયેલ અને મોલાતને નવજીવન મળેલ હતું અને ર ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળાઓમાં નવા નીર આવેલ હતાં.
કાલાવડ
(કમલેશ આશરા દ્વારા) કાલાવડ : કાલાવડમાં કાલે બપોરે ર થી ૬ વાગ્‍યે સુધીમાં ૪૬ મી. મી. આશરે ર ઇંચ જેટલો વરસાદ પડેલ મોસમનો કુલ વરસાદ ૧૮૦ મી. મી. નોંધાયો છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના જામવાળી, જાલાસાણ, નપાણીયા, ખીજડીયા તથા આજુ બાજુના વિસ્‍તારમાં વાવણી લાયક વરસાદ પડયો હોવાના સમાચાર મળેલ છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : મહત્તમ તાપમાન ૩પ.૮ ડીગ્રી, લઘુતમ ર૭.પ ભેજ ૮૮ ટકા, પવન ૧ર.૩ કિ. મી. પ્રતિ કલાક તથા ર૪ કલાકમાં કાલાવડમાં ૬પ મી. મી., જામજોધપુર-૩ અને જામનગરમાં ર મી. મી. વરસાદ પડયો હતો.
રાજુલા
રાજુલા : રાજૂલા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલ્‍ટો આવતા અને આજે અષાઢી બીજ હોય, આવા પવિત્ર દિવસે મેઘરાજા એ મહેર મેઘરાજા એ મહેર કરતા લગભગ સવારના ૧૧ વાગ્‍યાથી ધીમીધારે વરસાદ શરૂ થયેલ ને બપોર સુધી ધીમી ધારે વરસાદ શરૂ રહેતા વાતાવરણમાં પણ બફારો ઓછો થયેલ છે અને ઠંડક પ્રસરેલ છે. વાવણી લાયક વરસાદ થઇ જતા ખેડૂતો પશુ પક્ષીઓ ખુશખુશાલ થઇ ગયેલ છે. જો કે હજુ પણ જોરદાર વરસાદની જરૂરીયાત હોય જેથી પાણીનો પ્રશ્ન હલ થઇ શકે. હજુ પણ  વાતાવરણ વાદળાછાયું હોય વધુ વરસાદ થાય તેવી શકયતા છે.

વિસાવદરમાં વધુ અર્ધો ઇંચ વરસાદ ખાબકયો
(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા. ર :.. વિસાવદરમાં આજે સવારે ૮ થી ૧૦ દરમિયાન વધુ ૧૩ મી. મી. એટલે કે, અર્ધો ઇંચ વરસાદ ખાબકયો છે. હજુયે ધીમીધારે સતત વરસાદ ચાલુ છે. રોડ-રસ્‍તા પર સાર્વત્રિક પાણી-પાણી જોવા મળે છે.

 

(11:24 am IST)