Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ઉના -ગીર ગઢડા પંથકમાં દોઢથી બે ઇંચ દ્રોણેશ્વર પીકઅપ વિયર ડેમ પ્રથમ વખત ઓવરફલો

અષાઢી બીજે આખો દિવસે સમયાંતરે મેઘરાજાની કૃપા વરસતી રહી : ઇંટાવાયા, એલમપુર, ખાપટ ,વડવિયાળા, જોડવડલી,ભાચા સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદ વરસ્‍યો

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨ : ગઇ કાલે અષાઢીબીજે મેઘરાજાએ સવારથી સાંજ સુધી કૃપા વરસાવતા ઉના અને ગીરગઢડા પંથકમાં દોઢથી બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.
આજે સવારથી ધૂપછાંવ વાતાવરણી છે. દ્રોણેશ્વર પીક અપ વિયર ડેમમાં ઉપરવાસથી પાણીની ભરપૂર આવક ચાલુ થતા આ ડેમ ચાલુ સીઝનમાં પ્રથમ વખત ઓવરફલો થયેલ છે.
ઉનામાં ગઇ કાલે સાંજે ૬ સુધીમાં ૨ ઇંચ વરસાદ તેમજ ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ગ્રામ્‍ય વિસ્‍તારના ઇંટાવાયા, એલમપુર, ખાપટ, વડવિયાળા, જોડવડલી, ભાચા સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગઇ કાલે આખો દિવસ હળવો, મધ્‍યમ વરસાદ સમયાંતરે ચાલુ રહ્યો હતો.
ગ્રામ્‍ય વિસ્‍તાર કોદિયા દ્રોણ ઇટવાયા વિગેરે ગામોમાં સરેરાશ બે ઇંચ વરસાદ વરસી જતા દ્રોણેશ્વરમાં પિકપ વિયર ડેમમાં ઉપરવાસથી પાણીની આવક વધી હતી. સીઝનમાં પ્રથમ વખત ડેમ ઓવરફલો થતાં સુંદર દ્રશ્‍ય જોવા મળી રહ્યુ છે.
ઉના શહેરમાં ગઇ કાલે સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહેલ અને સાંજ સુધી બે ઇંચ વરસાદ નોંધાયો છે. અષાઢીબીજે ભગવાન ઠાકોરજીની રથયાત્રા ઉપર અમી છાંટણા વરસ્‍યા હતા.

 

(11:03 am IST)