Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

દરરોજનો એક રૂપિયો દેશના જવાનોને નામ: કચ્છના બે ગામના ગ્રામજનોએ બચત દ્વારા સરહદે ફરજ બજાવતાં જવાનોને આપી એરકુલર, ડીપફ્રીજ સહિતના સાધનોની ભેટ

ગામના યુવાનો સાથે સાંખ્ય યોગી બહેનોએ પણ દર્શાવ્યો દેશપ્રેમ, ભારે ગરમી વચ્ચે ફરજ બજાવતા લખપત લકીનાળા ચોકીના જવાનોને ગ્રામજનોએ સ્નેહભેર સોંપી સાધનોની ભેટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : 'દેશ હમેં દેતા હૈ સબ કુછ,  હમ ભી તો કુછ દેના શીખે દેશ કો ......' દેશપ્રેમની આ ભાવના સાથે સરહદના પ્રહરી બની જવાનો દેશ માટે જાન ન્યોચ્છાવર કરે છે. દેશને સમર્પિત જવાનોને કારણે જ આજે આપણે સુરક્ષિત છીએ. જવાનોના દેશપ્રેમના બુલંદ હોંસલાથી પ્રેરાઈ કચ્છના ભુજ તા.ના જોડીયા ગામ સુખપર અને મદનપુરાએ દેશપ્રેમની એક નાનકડી પણ પ્રેરણાદાયી પહેલ કરી છે. આ પહેલ વિશે જાણીએ તે પહેલાં આ વિચાર કેમ આવ્યો એ વિશે વાત કરી લઈએ.

         ૨૦૧૯ના પુલવામા આતંકી હુમલામાં વીરગતિ પામેલ જવાનોની શ્રદ્ધાંજલિ સભામાં તેમના પરિવારોના સહયોગ માટે સુખપર ગામે અડધો કલાકમાં રૂ. સાડા પાંચ લાખનું દાન એકત્ર કરીને સરકાર સુધી પહોંચાડેલ હતું. તે જ સમયે ગામના યુવાનોએ વિચાર મૂક્યો હતો કે હવેથી આપણે દરરોજનો એક રૂપીયો જવાનોને અર્પણ કરીશું
          આ વિચારથી પ્રેરાઈને ગામના સ્વામિનારાયણ મંદિરોમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળના નામે દાનપેટીઓ મુકાઇ અને અત્યાર સુધી તેમાં એકત્ર થયેલી રૂ. સવા લાખ જેટલી ધનરાશીમાંથી કચ્છની કાળઝાળ ગરમીમાં દરીયાઇ સીમાની સુરક્ષા કરતા જવાનોને રાહત મળે તે હેતુથી એરકૂલર, ડીપ ફ્રિજ, પંખા, ઠંડાપાણી માટે જગ, પાણીની મોટી ટાંકીઓ, ટેબલ, ખુરશીઓ ઉપરાંત કચ્છી મેવો ખારેક અને કેસર કેરી જેવા ફળોના મોટા જથ્થા સાથે સુખપર અને મદનપુરના ભાઇઓ, બહેનો, યુવાનો અને મંદિરના સાંખ્યયોગી બહેનોએ સાથે મળીને લખપત નજીકની લકીનાળા ચોકી સ્થિત જવાનોને આ બધી વસ્તુઓ હાથોહાથ અર્પણ કરી હતી.
                     મંદિરના સાંખ્યયોગી બહેનો માટે આ પ્રકારે સરહદ દર્શન અને જવાનોને મળવાનો પ્રથમ પ્રસંગ હોઈ અર્પણ કરાયેલ વસ્તુઓમાં સ્વસ્તિક, ઓમ અને ભગવાનના નામ અંકિત કરી, કંકુ ચોખાથી વધાવીને ભગવાનના પ્રસાદ સાથે જવાનોને અર્પણ કરી આ શુભ કાર્યમાં જોડાયાના અહોભાવ સાથે સૈનિકોના સ્વાસ્થય અને સુરક્ષા માટે આશીર્વાદ આપ્યા હતા.
    સહયોગ બદલ આભારની લાગણી સાથે જવાનોએ પણ ગામના મંદિરે પધારી ભગવાનના દર્શન કરીને ત્યાગી બહેનોના આશીર્વાદ મેળવ્યા હતા.સમગ્ર કાર્યના સંકલનમાં ગ્રામના યુવાનો તેમજ યુવા કાર્ય કરતા સુરેશ વાઘાણી અને વાલજી વેકરીયા તેમજ ગામના મંદિરોના ટ્રસ્ટીશ્રીઓનો પણ ગ્રામજનો સાથે સુંદર સહયોગ મળ્યો હતો.

(10:40 am IST)