Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ખંભાળિયામાં વાહનમાં મુસાફરો ભરવા બાબતે પૈસાની માંગણી કરી, પાઇપ વડે હુમલો

 જામ ખંભાળિયા, તા.૨ :  ખંભાળિયામાં તાલુકા પંચાયત કચેરીની પાછળ ટેલિફોન એક્‍સચેન્‍જ પાસે રહેતા વાલાભાઈ દુલાભાઈ રૂડાચ નામના ૨૬ વર્ષના યુવાન તેની જી.જે. ૧૦ ટી.વી. ૧૦૪૮ નંબરની ઇક્કો મોટરકારમાં અહીંના મિલન ચાર રસ્‍તા વિસ્‍તારમાંથી મુસાફરો ભરીને જામનગર તરફ જઈ રહ્યા હતા, ત્‍યારે ખંભાળિયાનો નારણ દુલા જામ નામનો શખ્‍સ તેમની પાસે આવ્‍યો હતો અને  ‘‘રૂપિયા ૫૦ લાવ નહીંતર મુસાફરો અહીં ખાલી કરી નાખ''- તેમ કહેતા ઇકકો ચાલક વાલાભાઈએ તેમની કારમાં રહેલા પેસેન્‍જર ઉતારી દીધા હતા, બાદમાં આરોપીના નારણ સામત જામ તેની મોમાઈ કળપા નામની ખાનગી બસમાં રહેલો લોખંડનો પાઈપ લઈને ધસી આવ્‍યો હતો અને તેણે ફરિયાદી વાલાભાઈને બેફામ માર મારી, ઇજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં જો તે બીજી વખત ઈક્કો ગાડીમાં પેસેન્‍જર બેસાડશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે નારણ સામત સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૮૫, ૫૦૬ (૨) તથા જી.પી. એક્‍ટ મુજબ ગુનો નોંધી, આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આગળની તપાસ પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયાની પરિણીતાને ત્રાસ આપી, કાઢી મૂકતા ફરિયાદ

  હંજડાપર ગામે રહેતી અને પીઠાભાઈ પબાભાઈ આંબલીયાની ૨૬ વર્ષીય પરિણીત પુત્રી ભાવનાબેન પ્રવીણભાઈ લગારીયાને તેણીના લગ્નજીવન દરમ્‍યાન અહીંના વિરમદડ ગામે રહેતા પતિ પ્રવીણ રણમલ લગારીયા, સસરા રણમલભાઈ સામતભાઈ, સાસુ મોતીબેન રમણભાઈ અને નણંદ દક્ષાબેન રણમલભાઈ તથા સીભીબેન રમણભાઈ દ્વારા અવારનવાર બિભત્‍સ ગાળો કાઢી, મારફૂટ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકયાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

 સુરજકરાડીના યુવાનને ફોન ઉપર મારી નાખવાની ધમકી

 સુરજકરાડી ગામે રહેતા નાનજીભાઈ છગનભાઈ શ્રીમાળી નામના ૩૯ વર્ષના યુવાનને સુરજકરાડીના રહીશ રાહુલ ધનાભાઈ રોશિયા તથા મોંઘીબેન ધનાભાઈ રોશિયા દ્વારા ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી નાનજીભાઈએ થોડા સમય પૂર્વે સ્‍ટેટ વિજિલન્‍સ સેલ - ગાંધીનગરમાં આરોપીઓ ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરતા હોવા અંગેની લેખિત ફરિયાદ કરી હોવાથી વિજિલન્‍સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ખાર રાખી, આરોપીઓએ બિભત્‍સ ગાળો કાઢી, ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

(2:13 pm IST)