Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કાળઝાળ ગરમીઃ સોરઠમાં સનસ્‍ટ્રોક ‘લૂ'ના ર મહિનામાં ૧૪૩૧ બનાવ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉંચે જતો મહતમ તાપમાનનો પારોઃ બપોરના સમયે રસ્‍તાઓ સુમસામ

રાજકોટ, તા., રઃ રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહતમ તાપમાનનો પારો સતત ઉંચો જઇ રહેતા કાળઝાળ ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. સોરઠમાં ર મહિનામાં સનસ્‍ટ્રોક અને ‘લૂ' લાગવાના ૧૪૩૧ બનાવ બન્‍યા છે.

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં અસહ્ય ગરમી અને લૂ વર્ષાના કારણે જનજીવન ત્રાહીમામ પોકારી ઉઠયું છે. આજે રાજકોટ ૪૩, અમરેલી ૪ર.૯, સુરેન્‍દ્રનગર ૪ર.૮, જુનાગઢ ૪૦.પ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જુનાગઢમાં ગરમીના તમામ રેકોર્ડ તોડતો તાપ પડતા આજે રોડ પર પાથરેલ ડામર ઓગળી ગયા હતા.

આકરો તાપ અને લૂ ફુંકાતા બપોરના સમયે મોટાભાગના માર્ગો સુમસામ બન્‍યા હતા. લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્‍યું હતું. સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં આજે તા.રના હિટવેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. લોકોને પણ કામ વગર બહાર નહી નિકળવા જણાવાયું છે.

ગરમીનો સતત પારો વધતા રાજકોટવાસીઓ અકળાઇ ઉઠયા હતા. આજે રાજકોટમાં ૪૩ ડીગ્રીએ પારો પહોંચી ગયો હતો. આખો દિવસ પંખા, એસી, ઠંડા પીણાનો સહારો લઇ રહયા છે. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. દિવસભર ઉચ્‍ચ તાપમાન પવનની ઝડપ પણ વધતા અસહ્ય લૂનો અનુભવ લોકોએ કર્યો હતો. આજે રાજકોટ ૪૩, અમરેલી, ૪ર.૯, સુરેન્‍દ્રનગર ૪ર.૮, જુનાગઢ ૪૦.પ , કેશોદ ૩૭.૭ , જામનગર ૩૭.પ, પોરબંદર ૩પ, ઓખા ૩પ.૧, દ્વારકા ૩૩.૧, દિવ ૩ર.પ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢઃ જુનાગઢ સહીત સમગ્ર સોરઠમાં અસહય ગરમી અને લુ વર્ષાના કારણે જનજીવન ત્રાહીમામ પોકારી ઉઠયું છે.

જુનાગઢ શહેરમાં રેકોર્ડબ્રેક તાપમાનને રવિવારે એમ.જી.રોડ પર ડામર ઓગળી ગયો હતો. જેને લઇ અનેક  લોકોના પગરખા ચોટી ગયા હતા અને કેટલાક વાહનો સ્‍લીમ મારી ગયા હતા.

એમ.જી.રોડ ખાતેનો ડામર ઓગળવાની ઘટનાના પગલે તાત્‍કાલીક મનપાએ માણસો અને વાહનો દોડાવીને રસ્‍તા પર માટીનો છંટકાવ કરવો પડયો હતો.

ગઇકાલના ૪૦.પ ડીગ્રી મહતમ તાપમાન બાદ આજે સવારથી ર૬.૪ ડીગ્રી લઘુતમ તાપમાન સાથે અગનવર્ષા શરૂ થઇ ગઇ છે.

સવારના વાતાવરણમાં ૭૮ ટકા ભેજ રહેતા ઠંડક પ્રસરી ગઇ હતી. બાદમાં બફારો વધ્‍યો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૮.ર કી.મી.ની રહી હતી.

દરમ્‍યાન ગરમીના કારણે સનસ્‍ટ્રોક લુ લાગવાના બનાવો વધ્‍યા છે. છેલ્લા બે મહિનામાં સનસ્‍ટ્રોક અને લુ લાગવાના ૧૪૩૧ બનાવો નોંધાયા હોવાનું જાણવા મળેલ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગરઃ ભાવનગર શહેરમાં ગરમીનું જોર યથાવત રહ્યું છે.

ભાવનગરમાં  રવિવારે  મહતમ તાપમાન  ૪૨ .૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૨ ડિગ્રી નોંધાયું હતું .જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા અને પવનની ઝડપ ૨૬ કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી. ભારે ગરમી અને બફારાને કારણે   મોડી સાંજ સુધી લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા.

(1:48 pm IST)