Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સ્‍વ. ચંદુભાઇ સંઘાણીને હૃદય જમણી બાજુ હતુ : વિશેષ ઇશ્વર કૃપા સાથે સેવામાં જીવન સાર્થક

સ્‍વ. ચંદુભાઇની અંતિમ વિદાય વખતે જ તેમના ભત્રીજાને ત્‍યાં કુળદીપકનો જન્‍મ

સાવરકુંડલા તા. ૨ : ચંદુભાઈ સંઘાણી, ઈશ્વરની વિશેષ કૃપાપાત્ર માણસ. આવુ વાક્‍ય લખવા પાછળનુ એક સચોટ કારણ પણ છે. દેશ દૂનિયામાં ઈશ્વરના સર્જનમાં ચમત્‍કારો થયા કરે છે અને ચંદુભાઈ એક ચમત્‍કાર જ હતા. કેમ ચમત્‍કાર એવો પ્રશ્ન કોઈને થાય તો જવાબ આ રહ્યો. તમામ લોકોને હૃદય ડાબી બાજુ જ હોય છે.ᅠ ચંદુભાઈ સંઘાણી કદાચ એકજ એવા વ્‍યક્‍તી હતા કે જેમને હૃદય જમણી બાજુ હતુ. અને સર્જનહાર જયારે તમામ લોકોને એક સરખા બનાવે અને કોઈ એક વ્‍યક્‍તીને વિશેષ બનાવે ત્‍યારે તે ઈશ્વર માટે ખાસ બની રહે.

આヘર્ચચકિત થઈ જવાય તેવી આᅠ કુદરતી ઘટના ચંદુભાઈ સંઘાણીમાં હતી. મે જયારે ૨૦૦૮માં મારી ચેનલ ટીવીનાઈન ગુજરાતમાં આ સ્‍ટોરી કરી હતી ત્‍યારે તત્‍કાલીન મુખ્‍ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ આ વાત જાણી ચંદુભાઈને ગાંધીનગર બોલાવી જમણી બાજુ હૃદયવાળી વાત રસપુર્વક પુછી હતી. તેમની તબિયતની તેઓ કાયમ ચિંતા કરતા હતા. આ વાત તો થઈ આજે જ સ્‍વર્ગવાસી થયેલા શ્રી ચંદુભાઈ સંઘાણીના શારીરીક ચમત્‍કારની. હવે વાત કરીએ ચંદુભાઈ સંઘાણીના જીવન-કવનની દિલીપભાઈ સંઘાણી જેવા દિગ્‍ગજ નેતાના લઘુ બંધુ તરીકે હોવુ એટલે રાજકીય વાતાવરણ અને પ્‍લેટફોર્મ તો સ્‍વાભાવીક રીતે જ મળી જ રહે. પરંતુ ચંદુભાઈ નોખી માટીના માનવી હતા. તેમણે દિલીપભાઈ સંઘાણીના રાજકીય , સામાજીક હોદ્દાનો લાભ લીધો પરંતુ તે દીન દુખિયાની સેવા કરવા કરવા માટે. પ્રકૃતીના જતન માટે અને નિરાધાર દિકરીઓના વાલી બની તેમના પાલક પીતાની ભુમિકા અદા કરીને.

હાલ વોટ્‍સએપ કે ફેસ બુકની શરૂઆત થઈ ના હતીᅠ તે સમયેᅠપ્રથમ વખત તેમણે ચકલીઓને બચાવવી જોઈએ તેવો વિચાર મુક્‍યો અને ચકલી બચાવ અભિયાન શરૂ કર્યુ. સ્‍વ. જીતુભાઈᅠ તળાવિયા સાથે મળી હજારો ચકલીઓના માળાનુ વિતરણ કર્યુ.

જયારે બ્‍લડ બેંક કે રક્‍તદાન કેમ્‍પના આયોજન હાલ જે રીતે થાય છે તેવા થતા ન હતા ત્‍યારે સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના નામે તેમણે ગામડે ગામડે રક્‍તદાનની ઝુંબેશ ઉપાડી અને ગ્રામિણ વિસ્‍તારમાં રક્‍તદાન કરવાની શરુઆત કરી. આ ઉપરાંત તેમને એક બ્‍લડ ડોનેશન ડિરેક્‍ટરી બનાવી હતી. જે કદાચ આ પ્રકારની પ્રથમ બુક હતી.

ગરીબ બાળકો શિક્ષણથી વંચિતના રહે તે માટે કાયમ ચિંતા કરતા. સામાન્‍ય લોકો જયારે ચૂંટણી પ્રચારમાં ઝંડાઓ, સ્‍ટીકર વગેરે છપાવવા પર જોર મુકે ત્‍યારે ચંદુભાઈ ચૂંટણી સામગ્રીમાં પણ વિદ્યાર્થીઓને કાયમ કામ લાગે તેવી નોટબુકો, સારી ગુણવત્તાની બોલપેન વગેરે આપવાનો આગ્રહ રાખતા.

ઉનાળામાં તેમને મુંગા પશુઓ, પક્ષીઓની ખુબ ચિંતા રહે, ઉનાળો શરુ થાય એટલે પક્ષીઓ માટે પાણીના કૂંડા મુકાવવા, પ્રાણીઓ માટે પાણીની વ્‍યવસ્‍થા કરવી વગેરે તેમની મુખ્‍ય ચિંતા.

ચંદુભાઈ ઉત્‍સવ પ્રિય અને ક્‍લાપ્રિય હતા. અમરેલીમાં નવરાત્રીમાં માતાજીની મૂર્તિઓ મુકવાની પરંપરા તેમણે ચાલુ કરી હતી. કોઈ પણ શુભ પ્રસંગે લોકડાયરો, ભજન વગેરેના આયોજનમાં ચંદુભાઈ અગ્રેસર હોય. અને કલાકારો સાથે ઘરોબો એટલો અંગત કે આજે સવારે ચંદુભાઈને આખરી વિદાય વેળાએ લાખો લોકોને ખડખડાટ હસાવતા પ્રસિદ્ધ કલાકાર માયાભાઈ આહીર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. ચંદુભાઈને અચાનક છોડી જવાની ઘટના જાણે કે માયાભાઈ સ્‍વીકારી જ નહોતા શકતા.

ચંદુભાઈની અનેક સેવાકિય પ્રવૃતીમાં શિરમોર તેમનુ કામ એટલે અમરેલીની મહીલા વિકાસગૃહની અનાથ બાળાઓનુ પોતાની સગી દીકરીઓની જેમ જતનપુર્વક ઉછેર કરવો. ચંદુભાઈ આ તમામ અનાથ બાળાઓના માતા-પીતા અને વડિલ હતા. તેમના માટે કાયમ તમામ જરૂરિયાત પુરી પાડવા ઉપરાંત તેમના લગ્ન સુધીની જવાબદારી ચંદુભાઈ ઉપાડતા. પોતાના સ્‍વર્ગવાસના થોડા દિવસ પહેલા જ એક દિકરીના ભવ્‍યતાભવ્‍ય લગ્ન કરી જવાબદારી પુર્ણ કરી.

સંઘાણી પરિવાર પર ચંદુભાઈના નિધનથી દુખનો પહાડ તુટી પડ્‍યો તો સામે પક્ષે ઈશ્વરે તેમના દુખને થોડુ બેલેન્‍સ કરી દીધુ. એક બાજુ ચંદુભાઈના પાર્થીવદેહને અગ્નીદેવને સોંપવાની વિધી થઈ રહી હતી તે જ સમયે તેમના ભત્રીજાને ત્‍યાં દિકરાનો જન્‍મ થયો. એટલે સંઘાણી પરિવારમાં પુરૂષોની સંખ્‍યામાં કુદરતે બેલેન્‍સ કરી દીધુ. આ ઘટના પણ વિરલ ગણી શકાય. જે લોકો યોગાનુયોગમાં માનતા હોય તેમને વિચારતા કરી મુકે તેવી ઘટના આજે બની.

ખેર સરળ સ્‍વભાવના ચંદુભાઈ અજાતશત્રુ હતા. ક્‍યારે કોઈ સાથે વેર નહી. સેવાકિય પ્રવૃતી એજ તેમનો ધર્મ. ઈશ્વર સંઘાણી પરિવાર પર આવી પડેલ દુખને સહન કરવાની શક્‍તી આપે અને સ્‍વ.ચંદુભાઈના આત્‍માને ભગવાન શાંતી અર્પે તેવી પ્રાર્થના.

મહેન્‍દ્ર બગડા

(12:30 pm IST)