Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

નરેશભાઈ પટેલ કેસરિયા કરશે !? જામનગરમાં ભાજપ નેતાઓ સાથે એક રથમાં સવાર થતા ફરી અટકળ શરૂ

જામનગરમાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા આયોજિત ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં: પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા, અલ્પેશ ઠાકોર અને વરૂણ પટેલ સાથે રથમાં સવાર થયા

ગુજરાતના રાજકારણમાં નરેશભાઈ પટેલની  એન્ટ્રીને લઈ લાંબા સમયથી રહસ્ય ઘેરાયેલું છે. નરેશ પટેલ એક તરફ કોંગ્રેસ નેતાઓ સાથે બંધબારણે બેઠક કરે છે. તો બીજી તરફ ભાજપના નેતાઓ સાથે એક રથમાં સવાર થાય છે. જામનગરમાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. આ ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં ખોડલધામ ચેરમેન નરેશભાઈ  પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં. નરેશભાઈ  પટેલ ભાજપ નેતાઓની સાથે એક જ રથમાં સવાર થયા હતા. જેમાં પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા, અલ્પેશ ઠાકોર અને વરૂણ પટેલ પણ સવાર હતા. આ તસવીરો જોતા લાગે છે કે ખોડલધામ નરેશભાઈ  ધીરે-ધીરે ભાજપની નજીક જઈ રહ્યાં છે.

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગુજરાતના ગરીબ, વંચિતોના વિકાસ માટે કાર્ય કરતા સમાન વિચારધારા વાળા લોકો સાથે આવશે. ગુજરાતની જનતા માટે ખૂબ સારો નિર્ણય આગામી સમયમાં લેવાશે તેવો અલ્પેશ ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો.

ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવો સૂર આપ્યો હતો, આથી કન્વીનરોની બેઠક બાદ નરેશભાઈ  પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત મનાય છે. ખોડલધામના ચેરમેન નરેશભાઈ  પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે હજુ સસ્પેન્સ યથાવત છે અને હવે આ સસ્પેન્સ પૂર્ણ થવા પર સૌ-કોઈની નજર મંડાયેલી છે.

   
 
   
(10:05 pm IST)