Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વિશ્વ કલ્યાણ અર્થે નારાયણ સરોવર કચ્છથી સોમનાથ જળાભિષેક કરવા જતા પદયાત્રીઓનું યાત્રાધામ વિરપુર સ્વામિનારાયણ ગુરૂકુળમાં શિવ મહાપૂજન

(કિશન મોરબીયા દ્વારા) મોરબી તા. ૨ : યાત્રાધામ વિરપુરમાં સાત મહાસાગર, ૧૫૧ મહાનદીઓ, સાત સરોવર તેમજ ૫૧ કુવાના જલ સાથે લઈને નારાયણ સરોવર (કચ્છ) થી સોમનાથ વિશ્વ કલ્યાણ અર્થે નીકળેલા પદયાત્રાને સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામમાં ભવ્ય સ્વાગત તેમજ શિવ મહાપૂજન કરવામાં આવ્યું.

પૂજય સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય સામખીયાળી કચ્છ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે તેમજ વિશ્વ માંથી કોરોના મહામારી દૂર થાય તે હેતુસર તીર્થધામ નારાયણ સરોવર થી પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ સુધીની એક જલયાત્રા લઈને જતાં પદયાત્રીઓ શ્રી ભાગવતબાપુના સંઘનું સ્વામિનારાયણ ગુરુકુલ વીરપુરમાં સ્વામી વિશ્વવિહારી દાસજીએ ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ આ જલયાત્રા સંઘ ગુરુકુળમાં રાત્રી રોકાણ કરી શિવ આરાધના તેમજ શિવપુરાણ કથા આરતીના નાદ સાથે મહાશિવપુજન કરવામાં આવ્યું હતું.

આ જલયાત્રા સંઘમાં સાત મહાસાગર, દિવ્ય નદીઓ જેવી કે ગંગા, યમુના, સરસ્વતી,નર્મદા વગેરે ૧૫૧ નદીઓનું પવિત્ર જળ તથા માનસરોવર, બિંદુ સરોવર, પંપા સરોવર, નારાયણ સરોવર, બ્રહ્મ સરોવર તેમજ ૫૧ કુવાના જલ મહાયાત્રા, સાથે સાથે આ જળથી માર્ગમાં આવતા ૧૦૦ મીટર પર્યન્ત જે પણ શિવલિંગ આવે તેની રૂદ્રાભિષેક પૂજા તેમઝ પૌરાણિક શિવલિંગોની લઘુરૂદ્ર અભિષેકથી પૂજા કરીને સોમનાથ મહાદેવ મંદિર સુધી શિવરાત્રીએ પહોંચી શ્રી સોમનાથ મહાદેવને શિવરાત્રીએ આ બધા જલથી જળાભિષેક કરવામાં આવશે સાથે સાથે શિવરાત્રીએ ભગવાન શિવને વિશ્વમાંથી કોરોના મહામારી દૂર થાય તે અર્થે પ્રાર્થના પણ કરવામાં આવશે. આ શિવ મહા પૂજામાઙ્ગસ્વામી વિશ્વવિહારી દાસજી તેમજ વડાલના સંત વલ્લભદાસજી સ્વામી સાથે સાથે સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

(1:09 pm IST)