Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રાજકોટ જિલ્લામાં પ્રથમ દિ'એ ૨૦૨૦ લોકોએ કોરોનાની રસી લીધીઃ ૮૦ વર્ષથી મોટા ૬

જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી

રાજકોટ, તા. ૨ :. કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા હવેથી ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના તથા તા. ૧-૧-૨૦૨૨ સુધીમાં જેમને ૬૦ વર્ષ પુરા થવાના છે તેવા તમામ લોકો અને ૪૫ વર્ષથી ૫૯ વર્ષ સુધીના લોકો કે જેમને સરકાર દ્વારા નક્કી કરેલ ૨૦ જાતની બીમારી છે. તેવા કોમોરબીડિટી ધરાવતા લોકો બિમારી અંગેનુ મેડિકલ સર્ટિફીકેટ રજુ કરવાથી વેકસીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

ગ્રામ્ય વિસ્તારના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને ૫ સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ ખાતે મફત વેકસીન આપવામાં આવી રહી છે. જ્યારે સરકારની પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પીએમ-જેએવાય) અંતર્ગત જોડાયેલ પ્રાઈવેટ હોસ્પીટલમાં ૧૦૦ રૂપિયા સર્વિસ ચાર્જ અને ૧૫૦ રૂપિયા વેકસીનનો ચાર્જ એમ કુલ ૨૫૦ રૂપિયા ચૂકવી વેકસીન આપવામાં આવી રહી છે. રાજકોટ જીલ્લામાં ગઈ ૬.૦૦ વાગ્યા સુધીમાં ૨૦૨૦ લોકોેએ લાભ લીધો છે.

વેકસીન મેળવવા લાભાર્થીએ સરકારશ્રીની કોવિન એપ, આરોગ્ય સેતુ એપ થકી પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. જો અગાઉ નામ રજીસ્ટર કરાવેલ ન હોય તો પણ રૂબરૂ સ્થળ પર પોતાની ઓળખના આધારો જેમ કે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ કે સરકારશ્રી દ્વારા અપાયેલ કોઈપણ ઓળખકાર્ડની કોપી આપવાથી તેમનુ રજીસ્ટ્રેશન થઈ શકશે. રજીસ્ટ્રેશન થાય તે અંગેનો મેસેજ આવશે, ત્યાર બાદ જેને સંસ્થા દ્વારા જણાવવામાં આવે તે દિવસે અથવા વેકસીન લેવાનો મેસેજ આવે તે દિવસે વેકસીન લઈ શકશે. જિલ્લામાં ૮૦ વર્ષથી ઉપરના ૪ પુરૂષો અને ૨ મહિલાઓએ ગઈકાલે રસી લીધી હતી.

(11:56 am IST)