Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

વાંકાનેરમાં જીનીંગ મીલમાંથી ડ્રાઇવર ૧૪ લાખ લઇને ફરાર

જડેશ્વર રોડ ઉપર ખોડીયાર જીનીંગ એન્‍ડ પ્રેસીંગ ફેકટરીમાં બનાવ : સત્‍યજીત દાનાભાઇ કરપડાની શોધખોળ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૨ : વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર આવેલ ખોડીયાર જીનીંગ એન્‍ડ પ્રેસીંગ નામની ફેકટરીમાંથી માલિકની કારનો ડ્રાઇવર ફેકટરીની ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રૂા. ૧૪ લાખની રોકડ ભરેલ થેલો લઇને ફરાર થઇ જતાં ફેકટરી માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેથી પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પ્રાપ્‍ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર જસદણ સિરામીકની બાજુમાં આવેલ ખોડીયાર જીનીંગ એન્‍ડ પ્રેસીંગ નામની ફેકટરીના માલિક નિલેશભાઇ જયચંદ્રભાઇ મેઘાણી (ઉ.વ.૬૨) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગત તા. ૩૧ના રોજ તેમની ફેકટરી ખાતે તેમના કાર ડ્રાઇવર સત્‍યજીત દાનાભાઇ કરપડા (રહે. હાલ કણકોટ પાટીયા પાસે, રૂડા-૩, રાજકોટ, મૂળ રહે. જૂનાગઢ) સાથે આવેલ હોય અને ફેકટરીમાં કપાસની ગાડી આવવાની હોય જેના હિસાબ માટે બેંકમાંથી રૂા. ૧૪ લાખ ઉપાડી ફેકટરીની ઓફિસમાં ટેબલના ખાનામાં રાખી તેઓ બપોરે જમવા માટે બહાર ગયેલ, જે સમય દરમિયાન તેમનો ડ્રાઇવર સત્‍યજીત ઓફિસમાં જઇ અને ખાનામાંથી રૂા. ૧૪ લાખ રોકડ ભરેલો થેલો અને ફેકટરીમાં રાખેલ તેમના એકસેસ બાઇક નં. જીજે૦૩એફજી-૭૦૩૧ લઇને ફરાર થઇ ગયેલ જેથી બનાવની જાણ થતાં બાબતે ફેકટરી માલિકે આરોપી ડ્રાઇવર સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(1:27 pm IST)