Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

કરોડોની મગફળી સળગાવી દેવાઇ ? સીઆઇડી દ્વારા 'સીટ'ની રચનાઃ ગોલમાલ કે કૌભાંડ હશે તો સંડોવાયેલા કોઇને છોડાશે નહિ

સીઆઇડીનાં ડીઆઇજી દિપાંકર ત્રિવેદીનાં સુપરવિઝન હેઠળ ૭ અધિકારીઓનાં ગોંડલમાં ધામા : તપાસનો ધમધમાટ

ગોંડલ : તસ્વીરમાં જીલ્લા પોલીસ વડા અંતરીય સુદની આગેવાનીમાં ઘટનાસ્થળે થતી તપાસ નજરે પડે છે. બીજી તસ્વીરમાં પત્રકાર પરીષદમાં માહીતી આપતા ડીઆઇજી દિપાંકર ત્રિવેદી, કલેકટર ડો. વિક્રાંત પાંડે,જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદ સહીતના નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા.,૨ : ગોંડલના ઉમવાડા રોડ ઉપર ટેકાનાં ભાવે ખરીદી કરીને રાખવામાં આવેલ કરોડોનો મગફળીના જથ્થામાં આગ લગાડવામાં આવી હોવાનું ચચાર્ય રહ્યું છે. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાયા બાદ 'સીટ'ની રચના કરવામાં આવી છે.

ગોંડલના ઉમવાળા રોડ પર આવેલા મગફળીનાં ગોડાઉનમાં મંગળવારે શંકાસ્પદ રીતે લાગેલી આગની ઘટનામાં રૂ.૨૮ કરોડની મગફળીનો જથ્થો સળગીને ભસ્મીભૂત થઇ ગયાના ૪૮ કલાક બાદ તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે ત્યારે સીઆઇડી ક્રાઇમે લ્ત્વ્ની રચના કરી છે, જેમાં સાત અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમનું સુપરવિઝન ડીઆઇજી દીપાંકર ત્રિવેદી કરશે. ગોડાઉનમાં આગ અંદરથી લાગી ન હતી, પરંતુ કૌભાંડને રફેદફે કરી દેવા માટે બહારથી આગ લગાડવામાં આવી હતી અને આ દિશામાં જ તપાસને વેગ આપવામાં આવ્યો છે. તેવું ચર્ચાય રહ્યું છે.

આગ લગાડનાર વ્યકિત કે વ્યકિતઓ કેટલા, તે અંગેની વિગતો બહાર લાવવા માટે ગોડાઉન આસપાસથી હાઇવે સુધીમાં આવેલી ફેકટરીઓના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવશે. રાજકોટના ટોચના અધિકારીએ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં રહેલા કૌભાંડ પરથી પડદો ઊંચકતા જણાવ્યું હતું કે, આ ગોડાઉનમાં ઇલેકિટ્રસિટી જ ન હતી. તેમજ આગ લાગે તેવો કોઇ જવલનશીલ પદાર્થ ફેકટરીમાં ન હતો તો આગ લાગી કેવી રીતે, હાલમાં આ પ્રકરણમાં ગોડાઉનમાં મગફળીનો જથ્થો રાખનારી મંડળીઓના પ્રમુખોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આગ લાગવાનું સાચું કારણ બહાર આવશે. હાલમાં મગફળીના ગોડાઉનમાં આગ લગાડવા પાછળનો હેતુ ઇન્સ્યુરન્સ પકાવવાનો અથવા માલ સગેવગે કરી દીધા બાદ કૌભાંડ પરથી પડદો ન ઊંચકાઇ જાય તે હોવાનું જણાય રહ્યું છે. જે બાબતે તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે. આ બનાવની તપાસ એસ.પી. અંતરીપ સુદના માર્ગદર્શન હેઠળ એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી શ્રુતિબેન મહેતા તપાસ ચલાવી રહ્યા છે

વેર હાઉસમાં રાખેલી મગફળીના જથ્થામાં આગ હજુ પણ બુજવાનું નામ લેતી નથી ઘટનાની ગંભીરતાને લઇ તંત્ર પણ દોડતું થયું છે. સાયન્ટીફીક રીતે વેર હાઉસમાં આગ લાગે તેવી કોઇ શકયતાઓ જ ના હોય પ્રથમ દ્રષ્ટિએ આગની ઘટના શંકાસ્પદ જણાઇ રહી છે. ત્યારે બનાવની કલાકોમાં જ સરકારે બનાવ અંગે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપતા આજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સીઆઇડીના ડીઓજી દિપાંકર ત્રિવેદીએ જણાવ્યું કે આ અંગે સીટની રચના કરવામાં આવી છે. જેમાં છ અધિકારી, બે ડીવાયએસપી તેમજ ચાર પોલીસ ઇન્સ્પેકટર અને રાજકોટ રૂરલ ડીવાયએસપીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગ હજુ કંટ્રોલમાં આવી નથી ત્યાં સુધી તપાસ કરવી મુશ્કેલ  બની છે. એફએસએલનો રિપોર્ટ સિકયોરીટી ગાર્ડ, સ્ટોરકિપર, વેર હાઉસ મેનેજર, ગુજકોટ-નાફેડમાં અધિકારીઓ સહિતની પુછપરછ તેમજ શંકાસ્પદ જણાતી બાબતો અંગે તપાસ હાથ ધરાશે. બનાવ અકસ્માતનો છે કે કોઇ કૌભાંડ

છે તે અંગે અત્યારે કહેવું મુશ્કેલ છે. પરંતુ તમામ મુદાઓ ઉપર તપાસનાં ચક્રો ગતીમાન કરાયા છે અને જયારે ખુદ સરકાર આ મુદ્દે ગંભીર છે ત્યારે બનાવનું પુર્ણ સત્ય અચુક બહાર આવશે જો ગોલમાલ કે કૌભાંડ હશે તો તેમાં સંડોવાયેલા કોઇ પણને બક્ષવામાં આવશે નહી. સીઆઇડી ક્રાઇમ સ્થાનીક પોલીસ પ્રાંત અધિકારી સહીત સાથે રાખી તપાસ ચલાવી રહી છે આગામી સમયમાં જ સત્ય બહાર આવશે.

અંદાજે ર૦ થી ર૧ દિવસ પહેલા જીલ્લા કલેકટર વિક્રાંત પાંડે દ્વારા ગોંડલમાં ટેકાના ભાવની ખરીદી કરેલ મંડળીઓ અંગે કરેલા સરપ્રાઇઝ ચેકીંગમાં બગડુની મંડળી દ્વારા ગોલમાલ ઝડપાયાની ઘટના અને વેરહાઉસમાં લાગેલી આગની ઘટનાને કોઇ સંબંધ છે કે કેમ પુછાયેલા પ્રશ્નના જવાબમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે બગડુ સહકારી મંડળીની ઘટના અંગે મંડળીના પ્રમુખ મંત્રી તેમજ નાફેડ-ગુજકેટના અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરાઇ છે. વેર હાઉસની આગ અંગે પણ ગઇકાલે જ ગોંડલ-શાપરની અલગ-અલગ ઓઇલ મીલો અને મંડળીમાં સર્ચ તપાસ હાથ ધરાઇ હતી. વેર હાઉસની આગની ઘટના શંકાસ્પદ છે કે કેમ તે અંગે તંત્ર ગંભીર છે અને પુરી તપાસ કરી રહયું છે. ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીમાં ઘણી બધી ગોલમાલો થયાનું તારણ ઉપસી રહયું છે. ટુંક સમયમાં જ વેર હાઉસના ફરતે સીસીટીવી કેમેરા લગાવવા અંગે આદેશ કરાશે અને ગુજકેટ-નાફેડના અધિકારીઓ સાથે વાતચીત  કરી ફાયરનાં સાધનો રાખવા કે નહી તેની જાણ કરવામાં આવશે.

પત્રકાર પરીષદમાં અધિકારીઓએ આગની ઘટનાને અતિ ગંભીર ગણાવી આમ જનતા જોગ અપીલમાં જણાવ્યું કે કોઇ ગુપ્ત માહીતી પણ તપાસ ટીમને પહોંચાડી સહકાર માટે જણાવાયું છે. ૭ર કલાકથી આગ હજુ કાબુમાં આવી ન હોય જીલ્લા કલેકટર વિક્રાંત પાંડે, પોલીસ વડા અંતરીપ સુદ, પ્રાંત અધિકારી રાયજાદા સહીતનું તંત્ર ઘટના સ્થળે ખડેપગે રહી સુરાગ શોધી રહયું છે

(3:39 pm IST)