Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકોમાં સરેરાશ 57.81 ટકા મતદાન

 શહેર અને જિલ્લા ની કુલ સાત વિધાનસભા બેઠક ઉપર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લા ની કુલ સાત વિધાનસભા બેઠક ઉપર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. અંદાજિત 57.81 ટકા મતદાન થવા પામ્યું છે. જિલ્લાની સાત બેઠકો માં રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, કોળી સમાજના નેતા અને પૂર્વ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી ,કોંગ્રેસના ડો. કનુભાઈ કલસરિયા , કે.કે.ગોહિલ સહિત સાત બેઠકના કુલ 66 ઉમેદવારોનું ભાવી evm મશીનમાં કેદ થયું છે.
ભાવનગરમાં મતદાન માટે કુલ 1866 મતદાન મથકો ઉભા કરાયા હતા. જેમાં 17316 ના સ્ટાફે ફરજ બજાવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતાં તંત્રએ હાશકારાની લાગણી અનુભવી હતી.
ભાવનગર જિલ્લામાં સરેરાશ 57.81 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ભાવનગર ગ્રામ્યમાં 60.45 ટકા અને સૌથી ઓછું મહુવામાં 46.25 ટકા મતદાન થવા પામ્યું છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં સવારે મતદાન મથકો પર લાઈન જોવા મળી હતી પરંતુ બપોરે મતદાન ધીમુ પડ્યું હતું. જ્યારે સાંજે ચાર વાગ્યા થી ફરી દરેક મતદાન મથકો પર લાઈનો લાગી હતી. અનેક મતદાન મથકોમાં ધીમી ગતિએ મતદાન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી કેટલીક જગ્યાએ તો લાઈન જોઈ મતદારો મતદાન કર્યા વગર પરત  ચાલ્યા ગયા હતા. રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરો બપોરે મતદારો ને મતદાન મથક સુધી લઈ જવા માટે દોડધામ કરી રહ્યા હતા.
ભાવનગરમાં ધારણા ઓછું મતદાન થયું છે. તંત્ર દ્વારા વધારે મતદાન કરવા માટે ઝુંબેશ હાથ ધરાઈ હતી. રાજકીય પક્ષના કાર્યકર્તાઓની પણ દોડધામ છતાં મતદાન ધાર્યા કરતા ઓછું થતાં રાજકીય વર્તુળો ચર્ચા જાગી છે.
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો ઉપર થયેલ સરેરાશ મતદાનની ટકાવારી નીચે મુજબ છે.
ભાવનગર પૂર્વ - 56.08 %
ભાવનગર પશ્ચિમ - 54.56 %
ભાવનગર ગ્રામ્ય - 60.45 %
મહુવા - 61.96 %
તળાજા - 55.01 %
પાલિતાણા - 57.43 %
ગારિયાધાર - 59.30 %

(7:05 pm IST)