Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

બોટાદમાં કૃપાબા ધાંધલે દુલ્‍હનના શણગારમાં મતદાન બુથ પર જઇ મતદાન કર્યુઃ તાપીના વ્‍યારાના વરરાજાએ પણ મતદાન કર્યુ

વરરાજાએ લગ્નના સમયમાં ફેરફાર કરી મતદાન કર્યા બાદ સાંજના સમયે લગ્ન કર્યા

અમદાવાદઃ બોટાદમાં કૃપાબા ધાંધલ લગ્નના શણગારમાં મત આપવા મતદાન મથકે પહોંચ્‍યા હતા જ્‍યારે તાપીના વ્‍યારાના વરરાજાએ મતદાન કરી જાનૈયાઓને મતદાન કરવાની અપીલ કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાંચ વર્ષે આવે છે. તેથી અનેક લોકો ચૂંટણીનું મહત્વ ભલિભાંતિ જાણે છે. તેથી જ આજના દિવસે અનેક લોકો કામધંધો છોડીને પહેલા મતદાન કરવા જાય છે.તો આજે અનેક પરિવારોમાં લગ્નો પણ લેવાયા છે. ત્યારે લગ્ન ઘરના લોકો પણ મતનું મહત્વ સમજીને વોટ આપવા જઈ રહ્યાં છે. ત્યારે બોટાદની દુલ્હન હાલ ચર્ચામાં આવી છે. 

બોટાદમાં દુલ્હને મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. બોટાદલની કૃપાબા ધાંધલ લગ્નના પહેરવેશમાં વોટ આપવા પહોંચી હતી. જોકે, કૃપાબા જાડેજાનું આ પ્રથમ મતદાન હતું, તેથી તેના માટે આ વોટનું મહત્વ ખાસ હતું. કૃપાબાએ પ્રથમવાર મતદાન કરતા ખુશી વ્યક્ત કરી હતી. કારણ કે, કૃપાબા ધાંધલે લગ્ન પહેલાં મતદાન કર્યુ હતું. કૃપાબાએ અન્ય લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે, આજનો દિવસ લોકશાહી જીવંત રાખવા માટે કેટલો ખાસ છે. તેણે કહ્યું કે, મતદાનની ખુશી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

તો બીજી તરફ, તાપી લોકશાહીના પર્વની ઉજવણીમાં વરરાજાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વ્યારા શહેરના દાદરી ફળિયામાં રહેતા યુવા વરરાજાએ પરિવાર સાથે મતદાન બૂથ પર પહોંચીને મતદાન કર્યું હતું. જોકે, આ પરિવારે મતદાન હોવાથી લગ્નનો સમય બદલવાની પ્રશંસનીય પહેલ કરી છે. પરિવારમાં સવારના સમયે લગ્ન લેવાયા હતા, પરંતુ સવારે મતદાન હોવાથી લગ્નનો સવારનો સમય કેન્સલ કરી સાંજના સમયે લગ્ન કરવાનું આયોજન કર્યુ હતું. એટલુ જ નહિ તમામ જાનૈયાઓને મતદાન કરવા અપીલ કરી. પરિવારે તાપી જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ કરી. તો શરીરે લગાવેલી પીથી સાથે મતદાન કરવા વરરાજા મતદાન બૂથ પહોંચ્યો હતો. 

(5:28 pm IST)