Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

"મારા બાળકના ભાવિને હું મારા મત વડે લખીશ " : શ્રેયા વ્યાસ : જામજોધપુરમાં સિઝેરિયન કર્યા પછીના ૨ દિવસમાં જ નવજાત બાળકની માતાએ કર્યું મતદાન

( દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા.૧ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના કારણે સમગ્ર ગુજરાત ચૂંટણીમય બની ગયું છે. જેમાં જનતાને મત આપવા અંગે જાગૃત કરવાના હેતુથી રાજ્યના ખૂણે ખૂણે મતદાન કરવાના સંકલ્પ તેમજ સંદેશા સહિત અપીલ કરવાના ઘણાય અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે.ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે તમામ નાગરિકો મતદાન મથકોની મુલાકાત લઈ રહ્યા છે.

રાજ્યના લગભગ મોટાભાગના દિવ્યાંગ મતદારો, સિનિયર સીટીઝન મતદારો અથવા જેઓ કોઇ ને કોઇ પોતાની શારીરિક સમસ્યાના કારણે પોલિંગ બુથ પર જઈ શકે એમ ન હોય તેવા અનેક મતદારોનું ચૂંટણી અધિકારીના અનોખા પ્રયાસ થકી ઘરે બેઠાં જ પોસ્ટલ બેલેટના માધ્યમ થકી મતદાન કરાવવામાં આવ્યું હતું.જેથી કરીને તેઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય નહીં અને પોતાનો મત તેઓ વગર અડચણે આપીને પોતાની ફરજ નિભાવી શકે તેમજ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની શકે.

હા,અહીં વાત છે જામનગરના જામજોધપુરમાં રહેતાં એવાં જ એક મતદાતા બહેનની... નામ છે, શ્રેયા હિતાર્થ વ્યાસ. વાત એમ છે કે આ બહેને તારીખ ૨૯ મી નવેમ્બરના રોજ સીઝેરિયન ડિલિવરી થકી એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મની ખુશી પરિવારમાં બેહદ હતી. માતા અને બાળક બન્નેનું સ્વાસ્થ્ય પણ સારુ હોવા છતાં શ્રેયાબેનને કંઈક ખૂટતું લાગ્યું અને તેમને ખ્યાલ આવ્યો કે તેમના અત્યારે જ જન્મેલા બાળકના ભવિષ્ય અંગેનો નિર્ણય લેવાનો સમય અને અવસર આવી ગયો હતો.જેથી કરીને તેઓ હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોતાના ફકત ૨ જ દિવસના બાળકને  મૂકીને તેનું ભાવિ નક્કી કરવા મતદાન મથકે પહોંચી જઈને એક જાગૃત નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવી હતી.તેઓ હોસ્પિટલમાંથી રજા મળતાં જ જામજોધપુરમાં મતદાન કરવા સીધા મતદાન મથક પર ગયા હતા.તેમનું કહેવું છે કે," મતદાન એ યોગ્ય નેતા પસંદ કરવાનો મારો મૂળભૂત અધિકાર છે અને હું મારા દેશના એક જવાબદાર નાગરિક તરીકે તેને પૂર્ણ કરું છું. દરેક વ્યક્તિએ આ લોકશાહી પ્રક્રિયામાં હકારાત્મક રીતે સક્રિય હોય એવા નેતાને મત આપવો જોઈએ જેથી તે જનતાનું પ્રતિનિધિત્વ કરી શકે."

    આજે લોકશાહીનો પર્વ એટલે કે ચૂંટણી છે ત્યારે મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ,જામજોધપુરના એક મહિલા કે જોવોએ ગઈકાલે બાળકને જન્મ આપ્યો ,અને સિઝેરિયન ડિલેવરી હોવાથી મહિલાની ક્રિટિકલ પરિસ્થિતિ હોવા છતાં તેમને આ લોકશાહીના પર્વે મતદાન કરી ,સૌને મતદાન કરવા જણાવ્યું હતું વધુમાં શ્રેયાબેન હેતાર્થભાઈ નામના મહિલા હોસ્પિટલથી ડાયરેક્ટ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.

      ખાસ કરીને મતદાન અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે આજે લોકશાહી ના પર્વે મતદાન કરવા પહોંચ્યા હતા જ્યાં તેમનું તાલીઓના ગણગણાટથી સ્વાગત કરાયું હતું શ્રેયાબેને ગઈકાલે જ બાળક જન્મ આપ્યો છે.

(5:09 pm IST)