Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગીર સોમનાથ જીલ્લાના એક મતદાર બાણેજ બુથ ઉપર પૂ. હરિદાસબાપુએ મતદાન કર્યુ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૧ : વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે. ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠકો ઉપર ૧૧ વાગ્યા સુધીમાં ૨૦.૭૫ ટકા સરેરાશ મતદાન થયુ છે. જિલ્લાના વનવોટર માત્ર એક મતદાર ધરાવતા બાણેજ બૂથ પર સંત હરિદાસ બાપુએ મતદાન કરી સૌ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી. ગીર સોમનાથમાં ૫૪૦ મતદાન મથકની કામગીરીનું લાઇવ વેબકાસ્ટીંગ ચાલુ કરાયું. તાલાલા કોંગ્રેસના ઉમેદવાર માનસિંગ ડોડીયાએ મતદાન કર્યું. સોમનાથ બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહ પરમારે પોતાના વતન કાજલી ગામે મતદાન કર્યું. પુર્વ મંત્રી જશા બારડએ સુત્રાપાડા ખાતે મતદાન કર્યું. તાલાલા બેઠક ભાજપના ઉમેદવાર ભગવાન બારડે તેમના માદરે બાદલપરા ગામે મતદાન કર્યું. જીતના વિશ્વાસ સાથે શાંતિપૂર્ણ અને સોહાર્દ ભર્યા વાતાવરણમાં મતદાન માટે અપીલ કરી છે.

સોમનાથ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર વિમલ ચુડાસમાએ મતદાન કર્યું

સોમનાથ બેઠક પર મતદાન શરુ થઈ ગયુ છે. ૧૧ વાગ્યા સુધીમાં ૨૧.૦૧ ટકા મતદાન થયુ છે. સોમનાથ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાએ ચોરવાડ ખાતે મતદાન કર્યું. મતદાન બાદ સોહાર્દ અને શાંતિપૂર્ણ મતદાન માટે નાગરિકોની સાથે ઉમેદવારોને પણ ખાસ અનુરોધ કર્યો. સોમનાથ બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહ પરમારે પોતાના વતન કાજલી ગામે મતદાન કર્યું. મતાધિકારનો ઉપયોગ કરી વિજયનો આશાવાદ વ્યકત કર્યો. શાંતિપૂર્ણ અને સહદ સભર વાતાવરણમાં જંગી મતદાન કરવા દરેક મતદારો અને કાર્યકરોને અપીલ કરી છે. ૨૦૧૭માં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ મતદાન સોમનાથ બેઠક પર થયું હતુ. ૧ લાખ ૭૮ હજાર ૬૧૭ મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે ૭૫.૯૮્રુ મતદાન થયું હતુ. જેમાં ૮૨ હજાર ૯૮૮ મહિલાઓ અને ૯૩ હજાર ૮૮૫ પુરુષોએ મતદાન કર્યું હતુ.

તાલાલા બેઠક પર મતદાન શરુ થઈ ગયુ છે. ૧૧વાગ્યા સુધીમાં ૨૦.૦૪ ટકા મતદાન થયુ છે. તાલાલા કોંગ્રેસના ઉમેદવાર માનસિંગ ડોડીયાએ મતદાન કર્યું. કોડીનાર શહેરમાં રામનગર પ્રાથમિક શાળા ખાતે પોતાનું મતદાન કર્યું છે. તાલાલા કોંગ્રેસના ઉમેદવાર માનસિંગ ડોડીયાએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. પોતે જંગી બહુમતિથી જીતશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો. તાલાલા બેઠક ભાજપના ઉમેદવાર ભગવાન બારડે તેમના માદરે બાદલપરા ગામે મતદાન કર્યું છે. જીતના વિશ્વાસ સાથે શાંતિપૂર્ણ અને સોહાર્દ ભર્યા વાતાવરણમાં મતદાન માટે અપીલ કરી છે. ૯ વાગ્યા સુધીમાં ૫.૧૦ ટકા સાથે ૧૧,૯૭૬ મતદારોએ મતદાન કર્યું છે. ૨૦૧૭માં ૧ લાખ ૪૬ હજાર ૧૯૫ મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે ૭૦.૨૨્રુ મતદાન થયું હતુ. જેમાં ૬૭ હજાર ૫૮૫ મહિલાઓ અને ૭૭ હજાર ૦૯૭ પુરુષોએ મતદાન કર્યુ હતુ. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભગવાનભાઈ બારડ ૩૧ હજાર ૭૩૦ મતથી જીત્યા હતા. જેમાં ભગવાનભાઈ બારડને ૮૫ હજાર ૮૯૭ મત મળ્યાં હતા, જેની સામે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને ૫૪ હજાર ૧૬૭ મત મળ્યાં હતા. ત્યારે આ વખતની ચૂંટણીમાં તાલાલા બેઠક પર કેટલુ મતદાન થશે? આ વખતે ભાજપ તરફથી ભગવાન બારડ, કોંગ્રેસમાંથી માનસિંહ ડોડિયા અને આમ આદમી પાર્ટીએ દેવેન્દ્ર સોલંકીને મેદાને ઉતાર્યા છે. જેમાં હવે જોવાનું એ છે કે, આ વખતની ચૂંટણી જંગમા કઈ પાર્ટી બાજી મારશે?.

કોડીનાર (લ્ઘ્) બેઠક પર મતદાન શરુ થઈ ગયુ છે. ૧૧ વાગ્યા સુધીમાં ૨૦.૪૭ ટકા મતદાન થયુ છે. ૨૦૧૭માં ૧ લાખ ૩૭ હજાર ૬૧૫ મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે ૬૬.૩૯્રુ મતદાન થયું હતુ. જેમાં ૬૫ હજાર ૭૨૨ મહિલાઓ અને ૭૦ હજાર ૨૭૧ પુરુષોએ મતદાન કર્યુ હતુ. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ વાળા ૧૪ હજાર ૫૩૫ મતથી જીત્યા હતા. જેમાં મોહનલાલ વાળાને ૭૨ હજાર ૪૦૮ મત મળ્યાં હતા, જેની સામે ભાજપના ઉમેદવાર રામભાઈ વાધેરને ૫૭ હજાર ૮૭૩ મત મળ્યાં હતા. ત્યારે આ વખતની ચૂંટણીમાં કોડીનાર (લ્ઘ્) બેઠક પર કેટલુ મતદાન થશે? આ વખતે ભાજપ તરફથી ડો. પ્રદ્યુમન વાજા, કોંગ્રેસમાંથી મહેશ મકવાણા અને આમ આદમી પાર્ટીએ વાલજી મકવાણાને મેદાને ઉતાર્યા છે. જેમાં હવે જોવાનું એ છે કે, આ વખતની ચૂંટણી જંગમા કઈ પાર્ટી બાજી મારશે?.

ઊના બેઠક પર મતદાન શરુ થઈ ગયુ છે. ૧૧ વાગ્યા સુધીમાં ૨૧.૩૮ ટકા મતદાન થયુ છે. ૨૦૧૭માં ૧ લાખ ૪૯ હજાર ૮૮૪ મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે ૬૪.૧૯્રુ મતદાન થયું હતુ. જેમાં ૭૧ હજાર ૯૨૦ મહિલાઓ અને ૭૬ હજાર ૯૧૬ પુરુષોએ મતદાન કર્યુ હતુ. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશ ૪ હજાર ૯૨૮ મતથી જીત્યા હતા. જેમાં પુંજાભાઈ વંશને ૭૨ હજાર ૭૭૫ મત મળ્યાં હતા, જેની સામે ભાજપના ઉમેદવાર હરીભાઈ સોલંકીને ૬૭ હજાર ૮૪૭ મત મળ્યાં હતા. ત્યારે આ વખતની ચૂંટણીમાં ઊના બેઠક પર કેટલુ મતદાન થશે? આ વખતે ભાજપ તરફથી કાળુ રાઠોડ, કોંગ્રેસમાંથી પૂંજા વંશ અને આમ આદમી પાર્ટીએ સેજલ ખૂંટને મેદાને ઉતાર્યા છે. જેમાં હવે જોવાનું એ છે કે, આ વખતની ચૂંટણી જંગમા કઈ પાર્ટી બાજી મારશે?.

(3:20 pm IST)