Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું વિશેષ મતદાન મથક

સિરામીક ઉદ્યોગના ટર્નઓવર, રોજગારી સહિતની બાબતો ઉજાગર કરી એક્‍ઝિબિશન પણ ગોઠવાયું

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧: મોરબી ખાતે સિરામીક ઉદ્યોગની આગવી ઓળખ અને સિરામીક ઉદ્યોગની યાત્રાની ઝાંખી કરાવતું મતદાન મથક તૈયાર કરવામાં આવ્‍યું છે. આ મતદાન મથકમાં સિરામીક ઉદ્યોગની સિદ્ધીઓ દર્શાવવામાં આવી છે ઉપરાંત સિરામીક ઉદ્યોગ સંલગ્ન ટાઈલ્‍સ અને અન્‍ય સિરામીક પ્રોડક્‍ટ પણ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. આ મતદાન મથક પર મતદાન માટે આવીએ ત્‍યારે કોઈ સિરામીક કારખાનાના કોઈ નાના યુનિટમાં આવ્‍યા હોઈએ તેવું લાગ્‍યા વિના રહે નહીં.

મદદનીશ શ્રમ આયુક્‍ત મેહુલ હિરાણીએ જણાવ્‍યું હતું કે, ધરમપુર મતદાન મથક ખાતે મોરબી જિલ્લાની ઔદ્યોગિક બાબતોને ઉજાગર કરતું સિરામીક મતદાન મથક ઉભું કરવામાં આવ્‍યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર જી.ટી. પંડ્‍યાના માર્ગદર્શન હેઠળ અને મોરબી સિરામીક એસો.ના પ્રમુખ હરેશ બોપલીયાના સહયોગ થકી આ મતદાન મથક ખાતે સિરામીક ઉદ્યોગનો ટુંકો ઈતિહાસ, ટર્ન ઓવર, કેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે, પ્રત્‍યક્ષ અને પરોક્ષ કેટલો વેરો ભરવામાં આવે છે વગેરે બાબતોને ઉજાગર કરવામાં આવી છે. ઉપરાંત સિરામીક ઉદ્યોગની પેદાશોને લગતું એક્‍ઝીબિશન પણ ઉભું કરવામાં આવ્‍યું છે, જેમાં વોલ ટાઈલ્‍સ, ફ્‌લોર ટાઈલ્‍સ, વિટ્રીફાઈડ, સેનેટરીવેરની વિવિધ પ્રોડક્‍ટનું નિદર્શન પણ ગોઠવવામાં આવ્‍યું છે.

(11:46 am IST)