Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રીબડા જુથને ભાજપ સાથે કોઇ લેવાદેવા જ નથી : જયરાજસિંહ જાડેજા

ગોંડલ વિસ્‍તારનાં લોકો કયારેય તેમને સ્‍વીકારતી નથીઃ તેના પિતાશ્રી મારી સામે ૨ વખત હાર્યા'તા : એ લોકોની અને મારી પ્રવૃતિ અલગ : ગોંડલ બેઠક ઉપર ઐતિહાસિક જીત મળશે : ભાજપ ૧૪૦ સીટ સાથે ગુજરાતમાં ફરી સરકાર બનાવશેઃ ભાજપના પૂર્વ ધારાસભ્‍યનો દાવો

તસ્‍વીરમાં ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા પત્રકાર સાથે વાતચીત કરતા નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ,તા. ૧ : આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. ત્‍યારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ખૂબ જ ચર્ચાસ્‍પદ બેઠક ગોંડલની સીટના ભાજપના ઉમેદવારના પતિ સાથે પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાએ મતદાન કરતા પહેલા પત્રકારો સાથે વાત કરી હતી.

જયરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્‍યું કે જે રીતે ભાજપના કાર્યકરો અને મતદારોનો ઉત્‍સાહ છે અને જે રીતે ભાજપની સરકારે ગામનો અને તાલુકાનો વિકાસ કર્યો છે. આ બધુ ધ્‍યાને રાખતા ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી વિજેતા થશે.

જયરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્‍યું હતું કે, મારી દ્રષ્‍ટિએ કોઇ જુથ છે નહીં. જે મારી સામે વર્ષોથી લડે છે. તેમના પિતાશ્રી મારી સામે લડયા હતા. અને બબ્‍બે વાર તેમના પિતાશ્રી હારેલા છે. તેને અને ભાજપને કાંઇ લેના-દેના નથી. હંમશા એ પરિવારે કોંગ્રેસને સમર્થન કર્યું અને અહીંના એટલે કે ગોંડલ વિસ્‍તારના લોકો કયારેય તેમને સ્‍વીકારતી નથી તેવો મારો દાવો છે.

જયરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્‍યું હતું કે છેલ્લા ૨૫ વર્ષથી જાહેર જીવનમાં છું મે આવો માહોલ ગોંડલમાં કયારેય જોયો નથી.

રીબડાને કોઇ જુથ ન કહી શકાય રીબડા તો વર્ષોથી મારી સામે લડે છે. તે કોઇ જુથ નથી. કોઇ બડીયા જુથ છે નહીં એ લોકોની પ્રવૃતિ અલગ છે અને અમારી પ્રવૃતિ અલગ છે.

મારી દ્રષ્‍ટિએ ભાજપના સમર્થનમાં ગુજરાત રાજ્‍યમાં અન્‍ડર કરંટ નથી. ભાજપ ૧૪૦ સીટ સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.

આ વખતનું પરિણામ ઐતિહાસિક આવશે. અને ગોંડલ બેઠકનું પરિણામ સૌરાષ્‍ટ્રમાં સૌથી ઉંચી લીડ સાથેનું આવશે તેવો દાવો જયરાજસિંહ જાડેજાએ કર્યો હતો.

(10:18 am IST)