Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

પાલીતાણા: પત્નીની હત્યા કરી એક્ટિવા પર મૃતદેહ બાંધ્યો: લોકોએ રોક્યો તો સ્પીડમાં દોડાવ્યું : ગ્રામજનોએ પીછો કરીને ઝડપી લીધો

શેત્રુજીડેમ બાજુ નાખવા જતા સ્થાનિકો દ્વારા લાશને જોઇ જતા તેમને બાઈક ઉભું રખાવા બૂમાબૂમ કરી

ભાવનગરના પાલિતાણા નજીક એકટીવા પર મહિલાનો મૃતદેહ લઈને જઈ રહેલા યુવાને ગ્રામજનો જોઈ જતાં તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવાને પુરપાટ ઝડપે એકટીવા દોડાવ્યુ જેથી ગ્રામજનો તેની પાછળ ગયા અને રોહિશાળા સીમ વિસ્તારમાં તેને ઝડપી પાડ્યો હતો બાદમાં આ અંગે પોલીસને જાણ કરી હતી.

પાલીતાણાના સીન્ધી કેમ્પ વિસ્તારમાં રહેતા અમિતભાઈ મથુરદાસ હેમનાણી પોતે કરીયાણાની દુકાન તેમજ એલ.પી.જી ગેસ સીલીન્ડર ડીલેવરીનો વ્યવસાય કરતા અમિત દ્વારા પોતાની પત્નીને ગળેફાંસો ફાસો આપી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ લાશને સગેવગે કરવા એકટીવા પર લાશને રાખીને શેત્રુજીડેમ બાજુ નાખવા જતા સ્થાનિકો દ્વારા લાશને જોઇ જતા તેમને બાઈક ઉભું રખાવા બૂમાબૂમ કરી હતી. જોકે અમિત દ્વારા બાઈક પુર ઝડપે ચલાવવા લાગતા ગ્રામજનોને શંકા જતા પીછો કરી ઝડપી લીધો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલિતાણા સિંઘી કેમ્પમાં અમિતભાઈ મથુરદાસ હેમનાણી અને તેમના પત્ની નયનાબેન અમિત હેમનાણી રહેતા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઘરકંકાસના કારણે પતિએ પોતાની પત્નીની હત્યા કરી પાલિતાણા નજીક આવેલ રોહીશાળા ગામની સીમમાં કે ડેમમાં મૃતદેહ ફેંકવા માટે એકટીવામાં આગળના ભાગે મૃતદેહ રાખી જઈ રહ્યો હતો. ત્યારે એકટીવામાંથી પગ નીચે ઢસડાતા જોઈને ગ્રામજનોએ તેને અટકવાનો પ્રયાસ કરતા તેણે એકટીવા સ્પીડમાં ચલાવી નાસવા લાગતા ગ્રામજનોએ તેનો પીછો કરી રોહીશાળા ગામની સીમમાં ઝડપી લઈ પોલીસને જાણ કરી હતી.

આ મામલે જાણકારી મળતા જ પાલિતાણા રૂરલ અને ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસમાંથી ફોન આવતા મામલતદાર કચેરીમાંથી સર્કલ ઓફિસર ક્રિપાલસિંહ ગોહિલે ઘટના સ્થળે પહોંચી પંચરોજકામ કર્યુ હતું. પોલીસ તંત્ર હજુ આ બાબતે તપાસ શરૂ છે તેવું કહી રહ્યા છે. પંચરોજ કામ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

(11:09 pm IST)