Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

કાલાવડ પંથકમાંથી જપ્‍ત કરાયેલ કરોડોની જાલીનોટનો ફિલ્‍મ માટે ઉપયોગ કરવાનો હતો ? તે દિશામાં તપાસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૧ : સુરતના કામરેજ ખાતેથી ૨૫.૮૦ કરોડની જાલી નોટ પકડાયા બાદ સુરત પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જે તે આસામીને સાથે રાખી પાડેલા દરોડા દરમિયાન મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની જાલી નોટનો જથ્‍થો મળી આવ્‍યો છે.

જોકે આસામી હિતેશ કોટડીયાનું માનવામાં આવે તો પોતે ફિલ્‍મના શૂટિંગ માટે આ નોટનો ઉપયોગ કરવાના હોવાની અને નોટ પર રિવર્સ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા લખ્‍યું હોવાનું અને આ ઝેરોક્ષ ફોટો કોપી હોવાનું તેઓએ જણાવ્‍યું છે.

સુરત જિલ્લાના કામરેજ ખાતે ગઈકાલે પોલીસે દીકરી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટની એક એમ્‍બ્‍યુલન્‍સ ને રોકાવી તલાસી લીધી હતી. જેમાં જુદા જુદા બે મોટા બોક્‍સમાંથી રૂપિયા ૨૫.૮૦ કરોડની રૂપિયા ૨,૦૦૦ ની જાલી નોટનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આ જથ્‍થો જામનગર થી રાજકોટ થઈ સુરત લઈ જવાતો હોવાની વિગતો જાહેર થઈ હતી.

મૂળ કાલાવડ પંથકના હિતેશ કોટડીયા એ અમીર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી નામની ફિલ્‍મ ના શૂટિંગ માટે આ નોટ ફોટો કોપી કરાવી હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ હતી. આ દરમિયાન હિતેશ કોટડીયા ની પૂછપરછ માં વધુ જથ્‍થો કાલાવડ પંથકમાં સંતાડ્‍યો હોવાની કેફિયત તેઓએ આપી હતી.ᅠ

જેથી સુરત પોલીસે જામનગર દોડી આવી કાલાવડ ના મોટા વડાળા ગામે વાડીમાં મગફળીના ભુકામાંથી વધુ નકલી નોટો નો જથ્‍થો ઝડપી પાડ્‍યો છે. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના જણાવ્‍યા અનુસાર સુરત પોલીસે સુરત જિલ્લામાં બનાવટી નોટ અંગે કાર્યવાહી કરી હતી જેમાં ખુલેલી વિગતોના અનુસંધાને સુરત પોલીસે આજે કાલાવડ પંથકમાં ઓપરેશન પાર પાડ્‍યું છે.

જેને લઈને સુરત પોલીસે કાલાવડ પંથક પહોંચી હતી અને એક સ્‍થળેથી મગફળીના ભુક્કામાંથી વધુ કેટલીક જાલી નોટ કબજે કરી છે. જોકે આ નોટ ક્‍યાં છાપી છે? અને ખરેખર ફિલ્‍મ માટે ઉપયોગ કરવાનો હતો કે કેમ? તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:41 pm IST)