Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ગાડીમાં લખાણ મામલે યુવાનને જાતિ પ્રત્‍યે અપમાનીત કરી મારમાર્યો

મોરબીના પંચાસર ગામનો બનાવ : હિતુભા સામે એટ્રોસીટી કલમ તળે ફરિયાદ

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧ : તાલુકાના પંચાસર ગામે  શ્રમિક યુવકે પોતાની ગાડીમાં ‘‘જય ભીમ'' લખાણ લખતા ગામના જ એક શખ્‍સે  તેને જાતિ પ્રત્‍યે અપમાનીત કરી મારમાર્યો હતો.

 ફરિયાદી જગદિશભાઇ બાબુભાઇ પરમારે આરોપી હીતુભા વિક્રમસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું બાળકો માટે ગામની કરિયાણાની દુકાનમાં નાસ્‍તો લેવા ગયા હતા. એ સમયે આરોપી હિતુભા ઝાલા કરિયાણાની દુકાન પાસે આવ્‍યા હતા અને ફરિયાદીને કહ્યું હતું કે, ‘‘તારી ગાડીમાં જય ભીમ લખેલ છે તે કાઢી નાખજે'' જેથી જગદિશભાઇએ  એવું કહ્યું હતું કે તે ટૂંક સમયમાં આ લખાણને હટાવી નાખશે. જે બાદ જગદિશભાઇ તેના કાકાના ઘરે ગયા હતા અને સમગ્ર બનાવની વાત કરી હતી. આ માહિતી આપ્‍યા બાદ જ્‍યારે તેઓ પોતાના ઘરે પહોંચ્‍યા એ સમયે આરોપી હિતુભા ઝાલા જગદિશભાઇના પિતા સાથે બોલાચાલી કરતા હતા અન  ફરીથી કહેવા લાગ્‍યા ‘‘મેં તને કહ્યું હતું કે તારી ગાડીમાં જય ભીમ લખેલ છે તે કાઢી નાખજેઁ જેથી ફરીથી જગદિશભાઇએ હિતુભાને સમજાવતા તે ઉશ્‍કેરાઈ ગયા હતા અને બંને વચ્‍ચે મારામારી થઈ હતી. જોકે એ સમયે જગદિશભાઇના કુટુંબીજનો આવી જતા આ બંનેને છોડાવ્‍યા હતા પરંતુ જતા જતા હિતુભાએ  જાતિ પ્રત્‍યે અપમાનીત કરી ધમકી આપી હતી કે, ‘‘હું હમણાં ભડાકો લઈને આવું છું ગોળી મારી તને જાનથી મારી નાખીશ અને જો કોઈ વચ્‍ચે આવશે તો તેને પણ હું જાનથી મારી નાખીશ''.આ ફરિયાદીના આધારે પોલીસે ઈ.પી.કો. કલમ. ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્‍ટ કલમ  ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ)  મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

(1:39 pm IST)