Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જૂનાગઢ વિહિપના અધ્યક્ષ ભરત ભીંડીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પૈસાની માંગણી કરાઇ

મેસેન્જરમાં તાત્કાલીક પૈસાની જરૂરીયાત હોય મદદની અપીલ કરતી મેસેજ મોકલાતા પોલીસ ફરિયાદ : ભરતભાઇ વતી તેમના ગ્રાહકે મેસેજ મોકલનારને પૈસા રૂબરૂ લઇ જવા કહેતા હેકર્સ પેટીએમ અથવા ગુગલ પેમાં પૈસા જમા કરવાનું કહેતા હેકર્સની શંકાને સમર્થન મળતા જ પોલીસ ફરિયાદ કરાઇ

(વિનુ જોષી) જૂનાગઢ,તા. ૧: જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભરત ભીંડીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી અન્ય શખ્સો દ્વારા મેસેન્જર પર પૈસાની તાત્કાલીક જરૂર હોય પૈસાની માંગણી કરતા મેસેજ આવતા અનેક લોકોને અવા મેસેજ મળતા ભરતભાઇને આ બાબતની પુછપરછ કરતા ભરતભાઇનું ફેસબુક એકાઉન્ટ હેડ થવાનું જાણવા મળતા તાત્કાલીક આજે સવારે જૂનાગઢ એસઓજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, વિશ્વ હિન્દુ પરિષદના જૂનાગઢ મહનગર ના અધ્યક્ષ ભરતભાઈ ભીંડી કે જેઓ કે.ડી.ભીંડી જવેલર્સના નામથી વર્ષો થી વ્યવસાય કરે છે. ફેસબુક ના 'ભરત ભીંડી' ના નામના એકાઉન્ટથી વેપારને વેગ મળે તેમજ તમામ ઘરાક અથવા મિત્ર બંધુઓ પણ માહિતગાર થાય એવા હેતુસર વ્યવસાયને લાગતી પોસ્ટ મુકાતી હોય છે ને જયારે આ ફાસ્ટ યુગ માં અને ટેકનોલોજીના યુગમાં એ અનિવાર્ય આવશ્યક પણ છે.

પરંતુ અસામાજિક તત્વો દ્વારા જયારે હેકર્સનો ઉપયોગ કરીને 'ભરત ભીંડી'  ના નામનું એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું ને એટલું જ નહીં પરંતુ અન્ય કોઈ શખ્સ દ્વારા તમામ લોકો ને મેસેન્જર માં 'તાત્કાલિક રૂપિયા ની જરૂર છે જેથી મને મદદ કરો ને હું પછી પરત કરી દઈશ' એવુ લખીને પણ વિશ્વાસમાં લેવા માંગે છે ને રૂપિયા પડાવવા માંગે છે.

આ શખ્સ કોણ છે એ જાણવા માટે સમજદારી પૂર્વક ભરતભાઈ ભીંડી વતી એમના દ્યરાક દ્વારા કહેવામાં આવ્યું કે ઝાંઝરડા પર શો રૂમ છે ત્યાં આવો એટલે હાથો હાથ રૂપિયા આપી દઈએ ત્યારે આ ચાલાક વ્યકિત એ આવવાની ના પાડી ને ૮૯૩૦૬૭૦૪૧૧ નંબર પર Paytm અથવા ૯૭૯૯૨૧૦૫૭૫ પર Google Pay પર રાશિ તુરંત જ મોકલવાનું કહ્યું જેથી આ નંબર નું લોકેશન તેમજ કઇ કઈ બેન્ક સાથે જોડાયેલ છે એ તપાસ કરવા પણ ભરતભાઇએ માંગણી કરેલ છે.

NSDL Payment Bank, IFSC - NSPB0000002, Account Number - 501000825403.આ બેન્ક ની માહિતી મારા પડોશીની છે ને એમાં રૂપિયા જમા કરાવી આપો એવી માહિતી હેકર મેસેન્જરમાં તમામ ઘરાક અને મિત્રોને આપે છે.

આજે સવારે જયારે કોઈ ઘરાકનો ફોન આવ્યો કે ભરતભાઈ તમારે કેમ તાત્કાલિક રૂપિયા ની જરૂર પડી ત્યારે આ બાબતની મને જાણ થઈને જેમ જેમ સમય થયો એમ એમ ઘણા બધા ના ફોન આવવાના શરૂ થઈ ગયા આ વ્યકિત હિન્દી ભાષામાં લખી ને ગેરમાર્ગે દોરે છે ત્યારે કોઈ અસામાજિક તત્વો દ્વારા આયોજન પૂર્વક હિન્દી ભાષામાં લખીને કોઈ ગુજરાતની બહારના હોય એવા ભ્રમમાં પણ મુકવા માંગે છે. જેથી તાકીદે આ બાબતની તપાસ કરવા જણાવાયું છે.

(1:07 pm IST)