Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ગોંડલ જેલમાં લીલાલ્હેરઃ મોબાઈલ-ડોંગલ મળ્યાઃ બહારના શખ્સોએ જમવાની મહેફીલ માંડી'તીઃ જેલરની બદલી

અમદાવાદ જડતી સ્કવોડના જેલર ડી.આર. કરંગીયાએ રાજેન્દ્ર શેખવા, દિવ્યરાજસિંહ જાડેજા, જયેશ ગોહેલ, નિખીલ દોંગા, અમિત પડારીયા, તથા બહારથી આવેલા જયેશ દવે, જીતેન્દ્ર, અજય બોરીચા, નિકુલ દોંગા, જીજ્ઞેશ ભુવા અને કલ્પેશ ઠુમ્મર સામે ફરિયાદ નોંધાવી :બહારના છ મળી કુલ ૧૧ સામે ગુનો :સબ જેલના જેલર ડી. કે. પરમારની તત્કાલ રાજપીપળા જેલમાં બદલીઃ ત્યાંના જેલર એમ. એલ. ગમારાને ગોંડલ મુકાયા

ગોંડલ તા.૧: ગોંડલના વોરા કોટડા રોડ ઉપર આવેલ સબ જેલમાં ગઇકાલે અમદાવાદની જડતી સ્કવોડે દરોડો પાડતાં નાસભાગ મચી ગઇ હતી. જેલમાંથી બહારથી આવેલા છ શખ્સો મળી આવ્યા હતાં. આ ઉપરાંત પાંચ મોબાઇલ ફોન, ડોંગલ સહિતની પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળી આવતાં અને કભન ટોળી વળી સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કરતાં મળી આવતાં આ મામલે કુલ ૧૧ શખ્સો તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હતો. અમદાવાદ સ્કવોડે પાડેલા દરોડાને પગલે ગેરરીતી સામે આવતાં તાકીદે ગોંડલ સબ જેલના જેલર ડી. કે. પરમારની રાજપીપળા જેલ ખાતે બદલી કરી નાંખવાનો હુકમ જેલવડાએ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ અમદાવાદની જડતી સ્કવોડનાં જેલર ડી.આર. કરંગીયા તથા સાથેના હિતેન પટેલ, વિક્રમજી ઠાકોર, રિજવાનભાઈ ગોરી, રણજીતભાઇ ઠાકોર, કમલેશભાઈ ગરૈયા અને સુરપાલસિંહ સોલંકી સહિતે રાત્રીના ૯:૧૫ કલાકે ઓચિંતા ગોંડલ સબ જેલમાં ત્રાટકી ચેકીંગ હાથ ધરતાં મોબાઈલ ફોન તથા એક જીઓનું ડોંગલ તથા પાવર બેંક મળી આવ્યા હતાં.

આ મામલે જેલરશ્રી કરંગીયાએ ફરિયાદી બની રાજેન્દ્ર ઉર્ફ રાજેશ જે. શખેવા, દિવ્યરાજસિંહ એમ. જાડેજા, જયેશ વિનુભાઇ ગોહેલ, નિખીલ રમેશભાઇ દોંગા, અમિત જયંતિભાઇ પડારીયા અને બહારથી આવેલા શખ્સો જયેશ મહેશભાઇ દવે, જીતેન્દ્ર વનરાજભાઇ, અજય રાયધનભાઇ બોરીચા, નિકુલ તુલસીભાઇ દોંગા, જીજ્ઞેશ ભુવા અને કલ્પેશ એ. ઠુમ્મર તથા તપાસમાં ખુલે તેની સામે ધ પ્રિઝન એકટની કલમ ૪૨, ૪૩, ૪૫ની પેટા કલમ ૧૨ તથા આઇપીસી ૨૬૯, ૧૮૮, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.

ફરિયાદમાં નોંધાયા મુજબ ચાર મોબાઇલ ફોન જેમાં તથા એક ડોંગલ રાજેન્દ્ર ઉર્ફ રાજેશ શેખવા પાસેથી મળ્યા હતાં. દિવ્યરાજસિંહ અને જયેશ જેલના મેઇન ગેઇટની જમણી બાજુ અનઅધિકૃત રીતે પ્રવેશ કરતાં મળી આવ્યા હતાં. નિખીલ અને અમિત તેમજ જેલની બહારથી આવેલા જયેશ, જીતેન્દ્ર અજય, નિકુલ, જીજ્ઞેશ અને કલ્પેશ સબ જેલની અંદર ટોળુ વળી કોરોના મહામારી સંદર્ભના સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાનો ભંગ કરતાં મળી આવતાં તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગુનાની આગળની તપાસ પીએસઆઇ બી.એલ. ઝાલાને સોંપવામાં આવી હતી.

કાચા કેદી રાજેન્દ્ર શેખવાના કબ્જામાંથી બે મોબાઇલ ફોન, એક ડોંગલ અને એક પાવર બેંક મળ્યા હતાં. જ્યારે અન્ય ત્રણ મોબાઇલ ફોન રેઢા બીનવારસ હાલતમાં મળ્યા હતાં.

પ્રતિબંધિત મોબાઈલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચાડવામાં આવ્યાં? તેમજ મોબાઈલ ઘુસાડવામાં જેલ ખાતાના કોઈ કર્મચારી કે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ આ અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.બીજી તરફ ગોંડલ જેલની ગેરરીતિ સામે આવતાં જેલવડા ડો. કે.એલ.એન.રાવએ તાકીદની અસરથી પગલા લઇ ગોંડલ સબ જેલના જેલર ડી. કે. પરમારની બદલી રાજપીપળા જીલ્લા જેલ ખાતે કરવાનો હુકમ કર્યો છે. તેમજ તેની જગ્યાએ રાજપીપળા જેલના જેલર ગ્રુપ-૨ એમ. એલ. ગમારાની નિમણુંક કરી હુકમનો તાત્કાલીક અસરથી અમલ કરવા આદેશ આપ્યો છે.

રાજેશ શેખવા, દિવ્યરાજસિંહ જાડેજા અને જયેશ ગોહેલ કાચા કામના કેદીઓ છેઃ દરોડો પડ્યો ત્યારે પાછળના ગેટથી અંદરની બાજુએ ૮ લોકો જમવા બેઠા'તાઃ દરોડો પડતાં છ ભાગી ગયા

. જેની સામે ગુનો નોંધાયો છે તેમાં રાજેશ, દિવ્યરાજસિંહ અને જયેશ કાચા કામના કેદી છે. જડતી સ્કવોડે દરોડો પાડ્યો ત્યાર જેલની પાછળની બાજુએ આઠ લોકો જમવા બેઠા હતાં. દરોડો પડતાં છ ભાગી ગયા હતાં. બાકીના બે આરોપી-કેદી હતાં. જેલ અમલદારને સ્કવોડે બહારના કોણ-કોણ હતાં? તે અંગે પુછતાં તેના નામ સામે આવ્યા હતાં. તેના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.

(3:10 pm IST)