Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કચ્છમાં કોરોનાની પુરપાટ ગતિ- માતાના મઢમાં ૧૦ વ્યાપારી પોઝિટિવ, નવરાત્રિમાં મંદિર બંધ હોઈ હમણાં ઉમટતી ભીડથી ચિંતા: ચોપડે વધુ ૨૪ કેસ, પણ, કોટડાના ૨૭, દયાપર ૮, નખત્રાણા ૨, માતાના મઢના ૧૦ પૈકી અનેક કેસ ચોપડે ચડતા નથી, લોકોમાં અને મીડીયામાં પોઝિટિવ કેસ અને મોતની સંખ્યા અંગે ચર્ચા, મૃત્યુ આંક ૬૫ કે ૧૦૯?

(ભુજ) કચ્છમાં કોરોના પુરપાટ ગતિએ પ્રસરી રહ્યો છે. માતાના મઢમાં આરોગ્ય વિભાગે કરેલા રેપિડ ટેસ્ટમાં ૧૦ વ્યાપારીઓ પોઝિટિવ આવ્યા છે. નવરાત્રિ દરમ્યાન મંદિર બંધ હોઈ હમણાં લોકોની ભીડ ઉમટી રહી હોઈ માતાના મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ ગામ લોકોની અને દર્શનાર્થીઓની સલામતી અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. યાત્રાધામ માતાના મઢમાં લોકો જો આજ રીતે આવશે તો સંક્રમણ વધશે એવો ભય સરપંચે વ્યક્ત કર્યો છે. જોકે, સરકારી ચોપડે આવા અનેક પોઝિટિવ કેસ ચોપડે ચડતા નથી. શહેરી વિસ્તારોના અમુક કેસ હજીયે માંડ ચોપડે ચડે છે, પણ કચ્છના નાના તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારોના અનેક કેસ ચોપડે ચડતા નથી. હમણાં જ આરોગ્યતંત્રની રેપિડ ટેસ્ટમાં દયાપર (તા.લખપત)ના ૮, કોટડા (તા.ભુજ), નખત્રાણાના ૨ કેસ પણ સરકારી ચોપડે ચડ્યા ન હોવાની ચર્ચા છે. દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીની યાદી પ્રમાણે કચ્છમાં ૨૪ નવા કેસ સાથે કુલ કેસ ૨૧૩૨ થયા છે. સાજા થયેલાઓની સંખ્યા ૧૬૪૦ છે. જ્યારે સારવાર હેઠળ ૩૮૩ દર્દીઓ છે. જોકે, સૌથી વધુ ગુંચવણ અને ચર્ચા મોતની સંખ્યા બાબતે છે. સરકારી ચોપડે કોરોનાથી થયેલ મોત ૬૫ છે. જ્યારે કુલ દર્દીઓની સંખ્યા માંથી સાજા થયેલા કેસ અને એક્ટિવ કેસની સંખ્યા બાદ કરીએ તો ૧૦૯ દર્દીઓની સંખ્યા ઘટે છે. જે મોતનો બિન સત્તાવાર આંક હોવાની આશંકા છે.

(9:37 am IST)