Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ભાવનગરના સરદાર બાગમાં પ્રવેશ ફી લેવાનો મનપાનો નિર્ણય: ઉઘરાણા સામે લોકોમાં રોષ

મોર્નિંગ વોક માટે આવતા લોકો માટે માસિક ફેમિલી પાસના 300 રૂપિયા

ભાવનગર મહાનરપાલિકાના વધુ એક નિર્ણય ને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક પછી એક બગીચાઓમાં પ્રવેશ ફી નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગર શહેરના બોરતળાવ, બાલવાટિકા, અકવાડા, ગંગાજળિયા તળાવ બાદ હવે વધુ એક બગીચો એટલે કે સરદાર બાગ (પીલગાર્ડન) મા પણ હવેથી એટલે કે 1 સપ્ટેમ્બર થી પ્રવેશ તેમજ પાર્કિંગ સહિતની ફી ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ સરદાર બાગ માં પહેલી સપ્ટેમ્બરથી પ્રવેશ ફી લેવાનો નિર્ણય કરવામાં આવતા તેમજ મોર્નિંગ વોકર્સ માટે પણ ફેમિલી દીઠ પાસ ના રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવતા લોકો માં રોષ જોવા મળ્યો છે. આ મામલે વિપક્ષનો આક્ષેપ છે કે ભાવનગરમાં શાસકોએ એક પણ બગીચો લોકો માટે વિનામૂલ્યે ના રાખી ને અન્યાય કર્યો છે.

ભાવનગર માં 4 જેટલા બગીચાઓ માં પ્રવેશ ફી લેવામાં આવી રહી છે. અને હવે બાકી હતું તો સરદાર બાગ માં પણ પ્રવેશ ફી વસુલવાનું નક્કી કરવામાં આવતા લોકો ને રજા ના દિવસો માં ફરવા ક્યાં જવું એ પ્રશ્ન ઉભો થયો છે.વિપક્ષે કટાક્ષ માં કહ્યું કે શાસકો હવે પોતાના કાર્યકરોના પેટ ભરવા ભાવનગર વાસીઓ પર વધારે ટેકસ ના નામે અને આવી ખોટી ફી ઉઘરાવી ત્રાસ આપી રહ્યા છે. અમે આ નીતિનો વિરોધ કરીએ છીએ .

જયારે બીજી તરફ ભાવનગર મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું કે ભાવનગરની મધ્યમાં આવેલ સરદાર બાગમાં ૧ સપ્ટેમ્બરથી પ્રવેશ ફી તેમજ પાર્કિંગ ફી ઉઘરાવવા માટે નક્કી કરવામાં આવ્યું છે.

આ પ્રવેશ ફી વ્યક્તિ દીઠ 10 રૂપિયા રહેશે.5 વર્ષ સુધીના બાળકો માટે પ્રવેશ ફી નહીં લેવામાં આવે આ ઉપરાંત વિડીયોગ્રાફીના કેમેરા માટે નો ચાર્જ 500 રૂપિયા રહેશે પ્રોફેશનલ કેમેરાનો 100 રૂપિયા ચાર્જ રહેશે અને સવારે 6થી 10 મોર્નિંગ વોક માટે આવતા લોકો માટે માસિક ફેમિલી પાસ લેવાનો રહેશે જેનો ચાર્જ 300 રૂપિયા પ્રતિમાસ નક્કી કરવામાં આવ્યો છે.

જોકે સરદાર બાગ શહેરની મધ્યમાં હોય અસામાજિક તત્વો દ્વારા સરદારબાગ ને નુકસાન પહોંચાડતું હોય છે અને આ નુકસાનને અટકાવવા પ્રવેશ ફી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય આ આવકથી બગીચાઓ મેઇનટેઈન રહે, કડક સિક્યુરિટી રાખી શકાય, કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ના થાય તે માટે આ સામન્ય ફી રાખેલ છે.

જોકે વિપક્ષે તો ભાજપના કાર્યકરોને સાચવવા આ બધાજ કોન્ટ્રાક્ટ ભાજપના કાર્યકરોને આપેલ છે તેવો આક્ષેપ પણ કર્યો છે. ભાવનગર માં આવેલ પાનવાડી બગીચો જોકે હાલમાં તેનું નવીનીકરણ કરી સરદાર બાગ નામ આવવામાં આવ્યું છે. આ ભાવનગરનો સૌથી મોટો બગીચો છે. જેમાં રાજાશાહી સમયમાં આ બગીચો બનાવીને શહેરીજનો માટે મનપાને અર્પણ કરવામાં આવ્યો હતો.

પરંતુ હવે રાજાશાહીમાં ભેટમાં મળેલા બગીચાઓમાં શાસકો ફી વસૂલવાના છે. જ્યારે મનપા લોકો પાસેથી તગડો ટેક્સ ઉઘરાવેછે. ત્યારે લોકો માટે બગીચા જેવા જાહેર સ્થળો હરવા ફરવા માટે મુક્ત રાખવાના બદલે ચાર્જ વસુલશે. જેનો વિપક્ષ દ્વારા વિરોધ થઇ રહ્યો છે.

 

(11:28 pm IST)