Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ખંભાળીયામાં વધુ ૨ ઇંચ સાથે ૪ કલાકમાં ૪ ઇંચ : કલ્યાણપુરમાં દોઢ ઇંચ : વડિયામાં ૧ ઇંચ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી રહ્યો છે.

ખંભાળીયાના પ્રતિનિધિ કૌશલ સવજાણીના અહેવાલમાં જણાવાયું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ૨ ઇંચ અને ત્યારબાદ બપોરના ૧૨ થી ૨ દરમિયાન વધુ ૨ ઇંચ વરસાદ વરસતા ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં દોઢ ઇંચ જ્યારે દ્વારકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત અમરેલી જિલ્લાના વડિયામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જ્યારે અમરેલી શહેર, ખાંભા, જાફરાબાદ, ધારી, બગસરા, બાબરા, રાજુલા, લાઠી, લીલીયા, સાવરકુંડલામાં વરસાદી ઝાપટા વરસ્યા છે. ભાવનગરમાં પણ ઝાપટું વરસ્યું હતંું.

જૂનાગઢ જિલ્લાના કેશોદ, જૂનાગઢ, માંગરોળ, માણાવદર, માળીયા હાટીના તથા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, તાલાળા અને ઉના તેમજ જામનગર જિલ્લાના જામનગર શહેર તથા જોડીયા અને પોરબંદર જિલ્લાના પોરબંદર તથા રાણાવાવ, કુતીયાણા તેમજ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી અને લોધિકામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

(3:06 pm IST)