Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ભુજમાં પ્રેમલગ્ન કરનાર યુવતી અને જમાઈ ઉપર પિતા અને ભાઈએ કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર

બજાર વચ્ચે જાહેરમાં ફિલ્મી ઢબે હુમલો

ભુજ: ભુજમાં પ્રેમલગ્નના મુદ્દે નારાજ પિતાએ પુત્ર સાથે મળી દીકરી અને જમાઈની હત્યા કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. જન્માષ્ટમીના દિવસે ભુજની મુખ્ય બજાર છઠ્ઠીબારી રીંગ રોડ ઉપર સાંજના ભાગે બનેલ આ બનાવમાં હાર્દિક વલ્લભભાઈ આહીર તેમની પત્ની શ્વેતાબેન સાથે બાઈક ઉપર બજારમાં જઈ રહ્યા હતા ત્યારે અશ્વિન ઠક્કર અને કિશન ઠક્કરે પોતાની કાર બાઈક ઉપર ચઢાવી તેમને કચડી નાખવા પ્રયાસ કર્યો હતો. કારની ટક્કરથી પડી ગયેલા હાર્દિક અને શ્વેતાને બન્ને બાપ દીકરા અશ્વિન અને કિશન ઠક્કરે લમધાર્યા હતા. જ્યારે જમાઈ હાર્દિક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. ઇજાગ્રસ્ત હાર્દિકને ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બન્ને પિતા પુત્રએ પુત્રી શ્વેતા ઠક્કરે દસ મહિના પહેલા હાર્દિક આહીર સાથે કરેલા પ્રેમલગ્નથી નારાજ હતા અને ગુસ્સે થયેલા પિતા અશ્વિન ઠક્કરે પોતાના પુત્ર કિશન ઠક્કર સાથે મળી જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે હાર્દિક આહિરે પોતાના સસરા અશ્વિન ઠક્કર અને સાળા કિશન ઠક્કર વિરૂદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(10:21 am IST)