Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

મોરબી ટ્રક – ટ્રાન્સપોર્ટ હડતાળ સીરામીક ઉદ્યોગમાં ચિંતા વધારી.

કોલસો, રો - મટિરિયલનું લોડિંગ - અનલોડીંગ બંધ : તૈયાર માલના ગોડાઉન ભરાતા પ્લાન્ટ બંધ કરવા પડે તેવી નોબત આવવાની સંભાવના

મોરબી : ડીઝલના ભાવ વધારાથી ત્રસ્ત બનેલા ટ્રક -ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા જિસકા માલ ઉસકા હમાલ પદ્ધતિ લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાળ શરૂ કરતા છેલ્લા અઠવાડિયાથી મોરબીમાં સીરામીક પ્રોડક્ટ્નું લોડિંગ બંધ થયું છે અને કોલસો સહિતના રો મટીરીયલની હેરફેર પણ બંધ કરવાની ટ્રાન્સપોર્ટરો દ્વારા જાહેરાત કરવામાં આવતા સીરામીક ઉદ્યોગ ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશ કુંડારીયાએ જો આવી જ સ્થિતિ રહે તો પ્લાન્ટ બંધ કરવા પડે તેમ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

છેલ્લા એક અઠવાડિયાથી મોરબી ટ્રક – ટ્રાન્સપોર્ટ એસોશિએશન અને દેશભરના ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા જિસકા માલ ઉસકા હમાલ પદ્ધતિ અમલી બનાવવાની જાહેરાત કરી છે પરંતુ આ પદ્ધતિનો અમલ ન થતા હડતાલનું શસ્ત્ર ઉગામી લોડિંગ અને અન લોડિંગ સંપૂર્ણપણે ઠપ્પ કરી હાઇવે ઉપર લોડિંગ ટ્રકને રોકવાનું શરૂ કરતા સીરામીક ઉદ્યોગમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે.

 ટ્રક – ટ્રાન્સપોર્ટ એસોશિએશનની હડતાળની અસર અંગે મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ હડતાળને કારણે હાલમાં લોડિંગ બંધ થતા અનેક જે -જે એકમોમાં ગોડાઉન ભરાયેલ છે તેમને પ્રોડક્શન અટકાવવું પડે તેવી સ્થિતિ છે. જો હડતાળ અઠવાડિયા સુધી ચાલુ રહેશે તો ચોક્કસપણે તમામ સીરામીક એકમોને વધતા -ઓછા પ્રમાણમાં અસર પડી શકે તેમ છે.

દરમિયાન છેલ્લા બે દિવસથી સજ્જડ બનેલી આ ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ અન્વયે  મોરબી અને નવલખી પોર્ટ ઉપરથી કોલસાનું લોડિંગ બંધ કરવા પણ ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા લેખિત સૂચના તમામ ટ્રક માલિકોને આપવામાં આવી છે ઉપરાંત હાઇવે ઉપર ટ્રક માલિકો અને એસોશિએશનના અગ્રણીઓ દ્વારા સતત ચેકીંગ શરૂ કરી એકપણ ટ્રક લોડ થઈને ન નીકળે તે જોવામાં આવી રહ્યું છે.
મોરબીમાંથી દરરોજ 8000થી 10,000 ટ્રક આવાગમન કરે છે અને મોરબી જિલ્લમાં 4000 જેટલા ટ્રક માલિકો નોંધાયેલ છે ત્યારે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે પણ રાષ્ટ્રીય સંગઠનના આદેશ મુજબ હડતાળ સજ્જડ બની રહે તે માટે ટ્રક માલિકો મકક્મ હોવાનું જણાવી જિસકા માલ ઉસકા હમાલ પદ્ધતિ શરૂ થયા બાદ જ આ હડતાળનો અંત આવશે તેમ ઉમેર્યું હતું. નોંધનીય છે કે આગામી દિવસોમાં આ હડતાળમાં બોલેરો,ટેમ્પો,આઇસર જેવા નાના વાહનોમાં પણ લોડિંગ અને અનલોડીંગ બંધ કરવા ટ્રાન્સપોર્ટરો મેદાને આવ્યા છે.

(11:21 am IST)