Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

શ્રમિક એપ દ્વારા સરહદી કચ્છ જિલ્લામાં શ્રમિકોને મળશે મદદ અને શ્રમિકો વિશે હશે માહિતી: પ્રદિપસિંહ જાડેજા

:ગાંધીધામમાં શ્રમિક એપનું લોન્ચિંગ, પૂર્વ કચ્છમાં કાયદાની પરિસ્થિતિ અંગે સમીક્ષા

(વિનોદ ગાલા દ્વારા(ભુજ) કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઇપણ ચમરબંધીને નહીં ચલાવાય એમ ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગાંધીધામ ખાતે યોજાયેલી પૂર્વ કચ્છમાં કાયદાની પરિસ્થિતિ અંગે ક્રાઈમ રીવ્યુ બેઠકમાં જણાવ્યું હતું.

બાયો ડિઝલ વેચાણ, ભૂમાફિયાઓ અને કોલસા તેમજ ખનીજ ચોરી અને ચોરીના ગુનાઓ બાબતે કાયદાની સખ્ત અમલવારી કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પૂર્વ કચ્છની ઝીણવટભરી બાબતોની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

ગૃહરાજયમંત્રીશ્રીએ આ તકે શ્રમિક એપ લોન્ચ કરી હતી. સરહદ પર જતાં શ્રમિકોને આવનજાવન માટે આનાથી મદદ મળશે. જેમાં શ્રમિકોની તમામ વિગતો હશે.

પૂર્વ કચ્છમાં વિશ્વાસ પ્રોજેકટ હેઠળ ૩૧ સ્થળોએ કુલ ૨૦૬ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરાયું છે તેની ચર્ચા કરવામાં આવી હતી.

આ તકે તેમણે અંજાર આદિપુર વિસ્તાર માટે પીએસઆઇ કક્ષાનું મેઘપર બોરીચી પોલીસ સ્ટેશન શરૂ કરાશે એમ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ પ્રદુષણ ઉભા કરનારી કોઇપણ ભેળસેળયુકત પદાર્થો માટેનો ગુનો તત્કાળ ડામવા માટેના પગલાં ભરવા આદેશ કર્યો છે.

અંજાર ગાંધીધામ નેશનલ હાઈવે પર સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા અન્ય વ્યવસ્થા કરાય તે માટે પણ ગૃહરાજયમંત્રીશ્રીએ માર્ગ મકાન વિભાગને આ સાથે સાંકળી યોગ્ય પગલાં ભરવા જણાવ્યું હતું. ટ્રાફિક સમસ્યા નિવારવા તેમણે જનપ્રતિનિધિઓના પણ અભિપ્રાય અને સૂચનો જાણ્યા હતા.

પૂર્વ કચ્છ એસ.પી.શ્રી મયુર પાટીલ સાથે ગૃહરાજયમંત્રીશ્રીએ પોલીસ મહેકમ, આવાસો, વ્યવસ્થા બાબતે પૃચ્છા કરી હતી. આ અંગે કાર્યવાહી બાબતે સૂચના આપી હતી.

પૂર્વ કચ્છના ક્રાઈમ રેડ અંગે વિગતો સમીક્ષા કરતાં તેમણે વાહન ચોકી ઘરફોડ ચોરી, લૂટફાટ, અપહરણ ચેકપોસ્ટ, ખંડણી બાબતે પૃચ્છા કરી સુચારૂરૂપે ઝડપભેર કાયદાના પગલાં ભરવા જણાવ્યું હતું.

પૂર્વ કચ્છ ગાંધીધામ અંજાર, ભચાઉ અને રાપર તાલુકામાં કાયદાની સ્થિતિ ગુનાઓ માટે પોલીસની કાર્યવાહી તેમજ પોલીસ સ્ટેશન, મહેકમ, અને પોલીસ કર્મીઓના પ્રશ્નો જરૂરિયાતો તેમજ જનસામાન્યની સુરક્ષા તેમજ કાયદા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવા બાબતે ગૃહરાજયમંત્રીશ્રીએ પોલીસ બોર્ડર રેંજ આઇ.જી.શ્રી મોથલીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વશ્રી ડો.નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ, એસ.પી. આઇ.બી.શ્રી ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપીશ્રી વાઘેલા, પોલીસ કર્મીશ્રીઓ બી.એસ.વાઘેલા, અંકુર પટેલ તેમજ પી.આઇ.શ્રી ડી.બી.પરમાર, સુમિત દેસાઇ વગેરે ક્રાઈમ રીવ્યુ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.

આ બેઠક બાદ ગૃહરાજયમંત્રીશ્રીએ પત્રકાર પરિષદ યોજી પત્રકારોને સંબોધન કર્યુ હતું.

(10:22 pm IST)