Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વંથલી નગરપાલિકામાં પક્ષ પલટો કરનાર બે સભ્‍યોને સસ્‍પેન્‍ડ કરાયાઃ ભાજપમાંથી કોંગ્રેસમાં પક્ષ પલ્‍ટો કરેલ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧ : વંથલી નગરપાલિકામાં પક્ષ પલ્‍ટો કરનાર બે સભ્‍યોને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે.

ગત તા. ૧૩ જાન્‍યુઆરીના રોજ વંથલી નગરપાલિકાના પ્રમુખ પદનું ચૂટણી માટે સામાન્‍ય સભા યોજાઇ હતી. જેમાં ભાજપ દ્વારા વ્‍હીપ જારી કરવામાં આવ્‍યો હતો. પરંતુ ભાજપના સભ્‍યો જીંજાબેન રૂડાભાઇ હુણ અને પ્રમોદભાઇ આલાભાઇ વાણવીએ પાર્ટીના વ્‍હીપનો અનાદાર કરીને કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવારીનું સમર્થન કર્યું હતું.

આથી વંથલી પાલીકાના સભ્‍ય અમિનાબેન ઇસ્‍માઇલભાઇ અગવાને ભાજપના બંને સભ્‍યોને ગેરલાયક ઠરાવવા ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી હતી. જે અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જુદા-જુદા દિવસે સુનાવણી રાખવામાં આવી હતી.

બંને પક્ષના એડવોકેટની રજુઆત અને દલીલો ધ્‍યાને લીધા બાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયામક શ્રી દિલીપ રાવલે જીંજાબેન હુણ અને પ્રમોદભાઇ વાણવીને વંથલી પાલીકાના સભ્‍ય તરીકે ગેર લાયક ઠરાવવા હુકમ કર્યો છે.આ પગલાથી સ્‍થાનિક કક્ષાએ રાજકીય હલચલ મચી ગઇ છે. 

(3:10 pm IST)