Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સૌરાષ્‍ટ્રના ૪૩ ડેમો રમતના મેદાન : વરૂણ દેવને પ્રાર્થના

રાજકોટ જિલ્લાના ૨૭માંથી ૯ ડેમો ખાલીખમ : મોરબીમાં માત્ર ૧૭ ટકા જીવંત જથ્‍થો : જામનગર પંથકમાં ૯.૬૬ ટકા પાણી છે : સૌથી વિકટ સ્‍થિતિ દ્વારકા પંથકની : ૧૨માંથી ૧૦ ડેમો તળીયા ઝાટક : માત્ર ૨ ટકા જળ જથ્‍થો

રાજકોટ તા. ૧ : ચોમાસાની શરૂઆત ધમાકેદાર થઇ હતી. પણ ત્‍યારબાદ વરૂણદેવે પોરો ખાતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ડેમો તળીયા ઝાટક બની જતા રમતના મેદાનમાં ફેરવાય ગયા છે.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના મુખ્‍ય ૮૪ ડેમો પૈકીના ૪૩ ડેમોમાં હાલ આઉટડોર રમતો રમી શકાય તેવી પરિસ્‍થિતિ છે. રાજકોટ જિલ્લાના કુલ ૨૭ ડેમો પૈકી ૯ ડેમો ખાલીખમ છે. જેમાં વેણુ-૨, ડોંડી, મોતીસર, ફાડદંગ બેટી, ખોડાપીપર, ઇશ્વરીયા, કરમાળ, ઘેલા સોમનાથ અને માલગઢમાં એક ડોલ જેટલું પણ પાણી નથી.

મોરબી જિલ્લાના ૧૦ જળાશયોમાંથી અડધોઅડધ ખાલી છે. જેમાં ઘોડાધ્રોઇ, બંગાવડી, બ્રાહ્મણી, મચ્‍છુ-૩ અને ડેમી-૩નો સમાવેશ થાય છે. હાલ આ જિલ્લામાં માત્ર ૧૭.૧૩ ટકા જીવંત જથ્‍થો તમામ ડેમોમાં ઉપલબ્‍ધ છે.

જ્‍યારે જામનગર જિલ્લાના કુલ ૨૨ ડેમોમાંથી ૧૦ ડેમો સાવ તળીયા ઝાટક બન્‍યા છે. જેમાં ફુલરઝ-૨, ફોફળ-૨, ઊંડ-૩, કંકાવટી, ઊંડ-૨, વાડીસંગ, રૂપાવટી, રૂપારેલ, સસોઇ-૨ તથા વગડીયાનો સમાવેશ થાય છે. હાલ જામનગર શહેર - જિલ્લાને પાણી પુરૂં પાડતા ૨૨ ડેમોની જીવંત પાણીની સપાટી માત્ર ૯.૬૬ ટકા જ છે. સમયસર વરસાદ ન આવે તો વિકટ પરિસ્‍થિતિ સર્જાવાની પુરી શક્‍યતા છે.

ઉપરાંત દ્વારકા જિલ્લાના તો ૧૨ ડેમોમાંથી ૧૦ ડેમો ક્રિકેટનું મેદાન બની ગયા છે. જેમાં સાની, વર્તુ-૧, ગઢકી, વર્તુ-૨, સોનમતી, શેઢા ભાડથરી, વેરાડી-૧, સીંધણી, કાબરકા અને મીણસાર (વાનાવડ)ની સપાટી ઉપર પાણી શોધવા જવું પડે તેવી ખરાબ સ્‍થિતિ છે. જ્‍યારે જિલ્લાના તમામ ડેમનો કુલ જીવંત જથ્‍થો માત્ર ૨ ટકા જ છે.

કુલ ૧૧ જળાશયોમાંથી ૮ ડેમોમાં પાણી ન હોવાથી સુરેન્‍દ્રનગર જિલ્લામાં પણ પીવાના પાણીની વિકટ પરિસ્‍થિતિ સર્જાણી છે. લીંબડી ભોગાવો-૧, ફલકુ, વાંસલ, મોરસલ, સબુરી, લીંબડી ભોગાવો-૨ (વડોદ), નિંભણી અને ધારી ડેમ હાલ ખાલી છે. જ્‍યારે જીવંત સપાટી ૧૨.૪૧ ટકા છે. જ્‍યારે પોરબંદર જિલ્લાના એકમાત્ર સોરઠી ડેમમાં પાણી ન હોવાથી મુશ્‍કેલીઓ શરૂ થઇ ગઇ છે. સર્વત્ર વરૂણ દેવ વરસે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ નર્મદાનીર બને એટલા જલદી સૌરાષ્‍ટ્રના જિલ્લાઓમાં ઠાલવવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

(3:04 pm IST)