Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પરબધામ તેમજ મજેવડીમાં અષાઢી બીજની ઉજવણીઃ જુનાગઢમાં જગન્નાથજીની રથયાત્રા

પરબ ખાતેનાં લોકમેળામાં સવારથી ભાવીકોની ભીડઃ મજેવડીમાં દેવતણખી દાદાના સાનિધ્યે ધાર્મિક કાર્યક્રમો

(વિનુ જોશી) જુનાગઢ, તા.,૧: જુનાગઢ જીલ્લાના પરબધામ તેમજ મજેવડીમાં અષાઢી બીજની ભકિતસભર ઉજવણી કરવામાં આવી છે. જુનાગઢમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આયોજીત કરવામાં આવી છે.

ભેંસાણ નજીકના પરબધામે અષાઢી બીજ મહોત્સવની ઉજવણીના ભાગરૃપે સવારથી મહંતશ્રી કરશનદાસ બાપુની નિશ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

સવારે ધ્વજારોહણ સાથે પરબ ખાતે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી શરૃ થતા અત્રે આયોજીત લોકમેળામાં ભારે ભીડ જામી છે.

પરબધામ ખાતે યજ્ઞ, પુજન તેમજ ભકિત-ભજન-ભોજનનો ત્રિવેણી સંગમ રચાતા  વાતાવરણ ધર્મમય બની ગયું છે.

પરબનાં પીરની સમાધીએ શીશ ઝુકાવવા માટે મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડયા છે.

જુનાગઢ નજીકનાં મજેવડી ગામે દેવતણખી ધામ ખાતે પણ સવારથી અષાઢી બીજ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

મજેવડી ખાતે દેશ-વિદેશમાં વસતા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો અષાઢી બીજ ઉજવવા ઉમટી પડતા ગામમાં લોકમેળા જેવુ વાતાવરણ જામ્યું છે.

અહી સવારે પુજા આરતી બાદ મહામંડલેશ્વર ૧૦૦૮ હરીહરાનંદ ભારતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં દાતાઓ વગેરેનું સન્માન કરવામાં  આવ્યું હતું.

સામાન્ય સભા બાદ મહાપ્રસાદ યોજાયો હતો અને આ પછી મજેવડી ગામમાં દેવતનણખી ધામ ખાતેથી વિવિધ શણગારેલા ફલોટસ સાથેની શોભાયાત્રા યોજાઇ હતી. રાત્રીના રામદેવજી  મહારાજના પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

આજના અષાઢી બીજના પાવન પર્વની ઉજવણીનાં ભાગ રૃપે જુનાગઢના પણ ભગવાન  જગન્નાથજીની રથયાત્રા આયોજીત કરવામાં આવી છે.

અત્રે ગંધ્રપવાડા સ્થિત ભગવાન જગન્નાથજીના પૌરાણીક મંદિર ખાતેથી જગન્નાથજી ભાઇ બલભદ્ર તેમજ બહેન  સુભદ્રા સાથે રથયાત્રા સ્વરૃપે નગરચર્યાએ નીકળવાના હોય ભગવાનના દર્શન માટે લોકો અધીરા બન્યા છે.

જગન્નાથજીનાં મંદિર ખાતેથી  સાધુ-સંતો, આગેવાનો વગેરે ભગવાનનાં રથ દોરડા વડે ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે.

રથયાત્રા બાદ હાટકેશ્વર મંદિર ખાતે રાત્રે મહાપ્રસાદ સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

(11:55 am IST)